૧૨ વર્ષ બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં કમબૅક કરનાર કિંગ કોહલીના ૧૫ બૉલમાં દાંડિયા ડૂલ

01 February, 2025 09:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં જન્મેલા રેલવેઝના ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાને છ રનના સ્કોર પર વિરાટનું ઑફ સ્ટમ્પ ઉખેડી નાખ્યું, હજારો ફૅન્સે નિરાશ થઈને સ્ટેડિયમ છોડ્યું

ભારત માટે ૧૦૦ ટેસ્ટ-મૅચ રમવાનો આંકડો પાર કરવા બદલ દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશને વિરાટ કોહલીને સન્માનિત કર્યો.

દિલ્હીમાં જન્મેલા રેલવેઝના ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાને છ રનના સ્કોર પર વિરાટનું ઑફ સ્ટમ્પ ઉખેડી નાખ્યું, હજારો ફૅન્સે નિરાશ થઈને સ્ટેડિયમ છોડ્યું : બીજા દિવસે રેલવેઝના ૨૪૧ રન સામે દિલ્હીએ પહેલી ઇનિંગ્સમાં સાત વિકેટે ૩૩૪ રન ફટકારીને ૯૩ રનની લીડ મેળવી લીધી

અરુણ જેટલી સ્ટેડિયમમાં ચાલી રહેલી દિલ્હી અને રેલવેઝ સામેની રણજી મૅચના બીજા દિવસે પણ આખા દેશની નજર વિરાટ કોહલી પર હતી. ૧૨ વર્ષ બાદ રણજી ટ્રોફી મૅચ રમી રહેલા સ્ટાર બૅટર વિરાટ કોહલીનું કમબૅક સાધારણ રહ્યું હતું. તે ભલે ફ્લૉપ રહ્યો, પણ ટીમના અન્ય પ્લેયર્સે ઇનિંગ્સ સંભાળીને મૅચમાં લીડ મેળવી હતી. રેલવેઝના ૨૪૧ રન સામે બીજા દિવસે પહેલી ઇનિંગ્સમાં સાત વિકેટે ૩૩૪ રન ખડકીને દિલ્હીએ મૅચમાં ૯૩ રનની લીડ મેળવી હતી.

ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાને ઑફ સ્ટમ્પ ઉખેડીને કિંગ કોહલીને આઉટ કર્યો.

બીજા દિવસે દિલ્હીની ટીમે ૪૧/૧ના સ્કોરથી રમવાની શરૂઆત કરી હતી. યશ ધુલ (૩૨ રન)ની વિકેટ પડતાં જ સ્ટેડિયમમાં વિરાટ કોહલીની એન્ટ્રી થઈ હતી. તેણે એક ચોગ્ગાની મદદથી ૧૫ બૉલમાં માત્ર ૬ રનની ઇનિંગ્સ રમી હતી. દિલ્હીમાં જન્મેલા ૨૯ વર્ષના રેલવેઝના ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાને ૨૭.૪મી ઓવરમાં વિરાટને ક્લીન બોલ્ડ કર્યો હતો. સ્ટાર બૅટરના ફેલ થવા છતાં કૅપ્ટન આયુષ બડોની (૭૭ બૉલમાં ૯૯ રન) અને સુમિત માથુર (૧૮૯ બૉલમાં ૭૮ રન)ની ઇનિંગ્સના આધારે દિલ્હીની ટીમ કમબૅક કરવામાં સફળ રહી હતી.

વિરાટ આઉટ થઈને પૅવિલિયન પરત ફર્યો અને ફૅન્સે નિરાશ થઈને સ્ટેડિયમ છોડ્યું. 

લગભગ ૧૦.૩૦ વાગ્યે કિંગ કોહલી ક્રીઝ પર પહોંચ્યો ત્યારે દર્શકોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું, પણ ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાને ઑફ સ્ટમ્પને ઉખેડીને આખા સ્ટેડિયમને શાંત કરી દીધું હતું. વહેલી સવારથી કોહલીની બૅટિંગ જોવા આવેલા ફૅન્સે થોડી જ મિનિટમાં નિરાશ થઈને સ્ટેડિયમ છોડવું પડ્યું હતું. મૅચ પહેલાં ફૅન્સથી ભરેલું સ્ટેડિયમ થોડા જ સમયમાં ખાલીખમ જોવા મળ્યું હતું. દર્શકોને હવે દિલ્હીની બીજી ઇનિંગ્સમાં કોહલીને બૅટિંગ કરતો જોવાની તક મળશે. આ સાંગવાનની કરીઅરની સૌથી કીમતી વિકેટ હતી, જેની ઉજવણી તેણે ખૂબ જ ઉત્સાહથી કરી હતી.

બીજા દિવસની રમત બાદ હિમાંશુ સાંગવાનનો ઇન્ટરવ્યુ લેવા લાગી પત્રકારોની ભીડ.

દિલ્હી રેલવે-સ્ટેશન પર ટિકિટ-કલેક્ટરનું કામ કરી ચૂક્યો છે હિમાંશુ સાંગવાન

રેલવેઝના ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાને દિલ્હી સામે પહેલી ઇનિંગ્સમાં હમણાં સુધી ૨૦માંથી ૬ ઓવર મેઇડન કરીને ૪૬ રનની અંદર બે વિકેટ ઝડપી છે. ૨૯ વર્ષના આ ક્રિકેટરે દિલ્હી માટે અન્ડર-19 ક્રિકેટ રમીને પોતાની કરીઅર શરૂ કરી હતી, પણ ૨૦૧૯માં તેણે રેલવેઝ તરફથી રમવાનું શરૂ કર્યું. તેણે ન્યુ દિલ્હી રેલવે-સ્ટેશન પર ટિકિટ-કલેક્ટરનું પણ કામ કર્યું છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૨૩ મૅચમાં તેણે ૧૯.૯૨ની બોલિંગ-ઍવરેજ સાથે ૭૭ વિકેટ ઝડપી છે.

ranji trophy new delhi arun jaitley virat kohli cricket news sports news sports