૧૦૦મી ટેસ્ટ રમનાર પુજારાને રણજી ટાઇટલની ગિફ્ટ આપવી જ છે : સૌરાષ્ટ્ર કૅપ્ટન જયદેવ

16 February, 2023 02:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મૅચનો સમય સવારે ૯.૦૦ વાગ્યાથી

સૌરાષ્ટ્રનો કૅપ્ટન જયદેવ ઉનડકટ (ડાબે) અને બેન્ગોલનો સુકાની મનોજ તિવારી. તસવીર પી.ટી.આઇ.

જયદેવ ઉનડકટે ત્રણ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રને સાથી-ખેલાડીઓની મદદથી રણજી ટ્રોફીમાં ચૅમ્પિયનપદ અપાવ્યું હતું, પરંતુ આ વખતે તે ખાસ આશય સાથે ફરી આ ટાઇટલ જીતવા ઉત્સુક છે. આજે ઈડન ગાર્ડન્સમાં સૌરાષ્ટ્ર અને બેન્ગોલ વચ્ચે રણજી ટ્રોફીની પાંચ-દિવસીય ફાઇનલ શરૂ થશે અને એમાં વિજેતા થઈને ઉનડકટ સૌરાષ્ટ્રની ટીમના જૂના ને જાણીતા ખેલાડી ચેતેશ્વર પુજારાને આ બહુમૂલ્ય ટ્રોફીની ગિફ્ટ આપવા માગે છે.

પુજારા આવતી કાલથી દિલ્હીમાં કરીઅરની ૧૦૦મી ટેસ્ટ રમવાનો છે અને ઉનડકટે કહ્યું છે કે ‘રણજી ટ્રોફીનું ટાઇટલ ૧૦૦મી ટેસ્ટ રમનાર પુજારા માટે પર્ફેક્ટ ગિફ્ટ કહેવાશે. પુજારાએ જે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું એ ટેસ્ટ માટેની ટીમમાં હું પણ હતો. તેના ત્યારના અભિગમ અને નીતિ-વ્યવહાર અત્યારે પણ એવા જ છે. ખાસ કોઈ ફરક નથી. મારા મતે તેને રણજીનું ટાઇટલ આપવાથી મોટી બીજી કોઈ બક્ષિસ નથી. હું તેમ જ પુજારા અને રવીન્દ્ર જાડેજા નૅશનલ કૅમ્પમાં હોઈએ ત્યારે સૌરાષ્ટ્રની રણજી ટીમને બરાબર ફૉલો કરતા હોઈએ છીએ. પુજારા અને જાડેજાએ રણજી ફાઇનલ માટે સૌરાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે અને અમે ટ્રોફી જીતીને તેમને પણ ગૌરવ મેળવવાનો મોકો આપીશું.’

સૌરાષ્ટ્ર સામે આજથી ફાઇનલમાં રમનાર બેન્ગોલની ટીમના સુકાનીપદે મનોજ તિવારી છે. ફાસ્ટ બોલિંગ માટે જાણીતી તેની ટીમમાં મુકેશ કુમાર, આકાશદીપ, ઈશાન પોરેલ ઉપરાંત અભિમન્યુ ઈશ્વરન, શાહબાઝ અહમદ, અભિષેક પોરેલ (વિકેટકીપર), અનુષ્ટુપ મજુમદાર, સુમંતા ગુપ્તા, સુદીપ ઘરામી અને આકાશ ઘાટકનો સમાવેશ છે.

સૌરાષ્ટ્રની ટીમમાં ઘણા મૅચ-વિનર્સ છે. ઉનડકટની ટીમમાં હાર્વિક દેસાઈ, સ્નેલ પટેલ, વિશ્વરાજ જાડેજા, જય ગોહિલ, શેલ્ડન જૅક્સન, અર્પિત વસાવડા, ચિરાગ જાની, પ્રેરક માંકડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ડોડિયા અને ચેતન સાકરિયા છે.

10

બેન્ગોલ પહેલું રણજી ટાઇટલ આઝાદી પૂર્વે આટલાં વર્ષ અગાઉ જીત્યું હતું અને બીજું ટાઇટલ ૫૦ વર્ષ બાદ મેળવ્યું હતું.

33
બેન્ગોલ છેલ્લે આટલાં વર્ષ પહેલાં જે ટાઇટલ જીતેલું એ ૧૭ વર્ષના સૌરવ ગાંગુલી માટે યાદગાર હતું, કારણ કે ત્યારે રણજીમાં ડેબ્યુ કર્યા બાદ તે મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલીની જગ્યાએ ફાઇનલમાં રમ્યો હતો.

sports news sports cricket news test cricket ranji trophy ranji trophy champions eden gardens cheteshwar pujara ravindra jadeja saurashtra bengal jaydev unadkat