મહારાષ્ટ્રના બોલિંગ આક્રમણ સામે બ્રેબર્નમાં મુંબઈનો સંઘર્ષ

26 January, 2023 04:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૈસવાલ પહેલા જ બૉલમાં આઉટ, પણ પ્રસાદ પવાર ૯૯ રને નૉટઆઉટ : મુંબઈ હજી ૧૯૭ રન પાછળ

મુંબઈનો વિકેટકીપર પ્રસાદ પવાર ગઈ કાલે પ્રથમ સદીથી એક જ ડગલું દૂર હતો (ડાબે). મહારાષ્ટ્રના દાવમાં તેણે તુષાર દેશપાંડેના બૉલમાં મહારાષ્ટ્રના વિકી ઓસ્તવાલનો કૅચ છોડ્યો હતો (જમણે). તસવીર પી.ટી.આઇ./અતુલ કાંબળે

સી.સી.આઇ.ના બ્રેબર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે રણજી ટ્રોફીના છેલ્લા લીગ રાઉન્ડની ચાર-દિવસીય મૅચના બીજા દિવસે અજિંક્ય રહાણેના સુકાનમાં મુંબઈની ટીમે મહારાષ્ટ્રના બોલિંગ-અટૅક સામે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રના પ્રથમ દાવના ૩૮૪ રનના જવાબમાં મુંબઈએ ગઈ કાલે ૧૮૭ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને યજમાન ટીમ હજી ૧૯૭ રનથી પાછળ હતી. આ મૅચમાં મેદાન મારનાર ટીમ જ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવાની છે. ગ્રુપ ‘બી’માંથી સૌરાષ્ટ્રની ટીમ ક્વૉર્ટરમાં પહોંચી ગઈ છે.

ટીમનો મુખ્ય બૅટર સરફરાઝ ખાન તાવને કારણે આ મૅચમાં નથી રમ્યો અને ઓપનર પૃથ્વી શૉ ન્યુ ઝીલૅન્ડ સામેની આગામી ટી૨૦ સિરીઝ માટેની ટીમમાં હોવાને લીધે બ્રેબર્નના મહત્ત્વના મુકાબલામાં નથી રમી રહ્યો. આ સ્થિતિમાં ઓપનર યશસ્વી જૈસવાલ (૦) ગઈ કાલે દાવના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. તે પેસ બોલર પ્રવીણ દધેના બૉલમાં એલબીડબ્લ્યુ થયો હતો. મુંબઈના મોટા ભાગના બૅટર્સ મહારાષ્ટ્રની બોલિંગને વળતો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ ત્રીજી જ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમતા વિકેટકીપર પ્રસાદ પવારે (૯૯ નૉટઆઉટ, ૧૭૦ બૉલ, ૧૨ ફોર) ખૂબ સમજદારીથી રમીને લડત આપી હતી. તે વનડાઉન આવ્યા બાદ રમતના અંત સુધી ક્રીઝ પર રહ્યો હતો. દિવ્યાંશ સક્સેનાએ ૩૫ રન, રહાણેએ ૧૪, અરમાન જાફરે ૧૯ અને સુવેદ પારકરે ૨૦ રન બનાવ્યા હતા. દધેએ બે તેમ જ આશય પાલકર, સત્યજિત બછાવ અને વિકી ઓસ્તવાલે એક-એક વિકેટ લીધી હતી.

અન્ય રણજી મૅચમાં શું બન્યું?

(૧) ચેન્નઈમાં તામિલનાડુએ ત્રણ હાફ સેન્ચુરીની મદદથી ૩૨૪ રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર વતી કૅપ્ટન રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ ૬૬ રન બનાવનાર બાબા ઇન્દ્રજિતની વિકેટ લીધી હતી. યુવરાજસિંહ ડોડિયાએ ચાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ત્રણ વિકેટ લીધી હતી. ચિરાગ જાનીને બે વિકેટ મળી હતી. સાકરિયાને વિકેટ નહોતી મળી. સૌરાષ્ટ્રની ટીમ ૯૨ રનમાં ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી.

(૨) અમદાવાદમાં ગુજરાત સામે રેલવેએ પહેલા દાવમાં ૫૦૮ રન બનાવ્યા હતા, જેમાં એકેય પ્લેયરની સદી નહોતી. જોકે પાંચ બૅટર્સની હાફ સેન્ચુરી હતી અને એમાં વિવેક સિંહ (૯૭) તથા પ્રથમ સિંહ (૯૬) ટૉપ સ્કોરર હતા. ગુજરાત વતી ચિંતન ગજા અને હાર્દિક પટેલે ચાર-ચાર વિકેટ લીધી હતી. ગુજરાતે ૧૮૮ રનમાં ૯ વિકેટ ગુમાવી દીધી હતી.

(૩) વડોદરામાં બરોડાના ૫૬૧/૬ ડિક્લેર્ડના જવાબમાં નાગાલૅન્ડે ૧૩૦ રનમાં આઉટ થયા બાદ ફૉલો-ઑન પછી ૧૯ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી.

sports sports news cricket news test cricket ranji trophy mumbai ranji team ravindra jadeja