રમેશ પોવાર ફરી બન્યો ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો કોચ

14 May, 2021 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૮માં તેના કોચિંગ હેઠળ ભારતીય ટીમ સતત ૧૪ ટી૨૦ મૅચ જીતી હતી અને ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલ સુધી પહોંચી હતી

રમેશ પોવાર

ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ૪૩ વર્ષના રમેશ પોવારની નિયુક્તિની જાહેરાત કરી હતી. હેડ કોચ માટેની જાહેરાત બાદ બોર્ડને ૩૫ અરજી મળી હતી. સુલક્ષણા પંડિત, મદન લાલ અને આર. પી. સિંહની ત્રણ મેમ્બરની ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીએ આ બધાને ચકાચ્યા બાદ એણે રમેશ પોવારને પસંદ કર્યો હતો. 

ભૂતપૂર્વ ઇન્ટરનૅશનલ ખેલાડી પોવાર ભારત વતી બે ટેસ્ટ અને ૩૧ વન-ડે રમ્યો હતો. રિટાયરમેન્ટ બાદ ક્રિકેટ કાચિંગને કરીઅર તરીકે અપનાવીને એ માટે તેણે કોર્સ પણ કર્યો હતો. 

આ પહેલાં ૨૦૧૮માં જુલાઈથી નવેમ્બર દરમ્યાન ભારતીય મહિલા ટીમને કોચિંગ આપી ચૂક્યો છે અને એ સમયગાળામાં ટીમ ટી૨૦ વિમેન્સ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી હતી અને સતત ૧૪ ટી૨૦ મૅચ પણ જીતી હતી.  

આ ઉપરાંત મુશ્તાક અલીમાં મુંબઈ સિનિયર ટીમના નબળા પર્ફોર્મન્સ બાદ વિજય હઝારે ટ્રોફી માટે રમેશ પોવારને જવાબદારી સોંપાઈ હતી અને તેણે મુંબઈને ચૅમ્પિયન બનાવ્યું હતું. રમેશ પોવાર નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં બોલિંગ કોચ પણ રહી ચૂક્યો છે. 

મિતાલી સાથે વિવાદ થતાં થઈ હતી વિદાય
પોવારના કોચિંગ હેઠળ ભારતીય મહિલા ટીમ શાનદાર પર્ફોર્મ કરી રહી અને ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી હતી. જોકે એ સેમી ફાઇનલમાં પોવારે શાનદાર ફૉર્મમાં રમી રહેલી મિતાલી રાજને ડ્રૉપ કરી હતી અને ટીમ એ મૅચ હારી ગઈ હતી. આ હાર બાદ મિતાલી અને પોવારે એકબીજા સામે ગંભીર આરોપ કર્યા હતા. આ વિવાદ બાદ ક્રિકેટ બોર્ડે પોવારનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ નહોતો કર્યો.

indian womens cricket team cricket news sports news sports