આખરે દ્રવિડ માન્યો ખરો

17 October, 2021 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૩ના વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમનો કોચ બનશે : ગાંગુલી અને જય શાહની મહેનત રંગ લાવી

સૌરવ ગાંગુલી અને જય શાહ

ભારતના બૅટિંગ- દિગ્ગજ અને ભૂતપૂર્વ કૅપ્ટન રાહુલ દ્રવિડ યુએઈમાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમના હેડ કોચની જવાબદારી સંભાળશે. શરૂઆતમાં આનાકાની કર્યા બાદ દ્રવિડે ભારતીય ક્રિકેટ બોર્ડે આપેલા પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. ૪૮ વર્ષનો દ્રવિડ ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી પૈકી એક છે અને છેલ્લાં ૬ વર્ષથી ભારતીય એ-ટીમ અને અન્ડર-19 ટીમના કોચ તરીકે કામ કરે છે. વળી તેના માર્ગદર્શન હેઠળ રિષભ પંત, અવેશ ખાન, પૃથ્વી શૉ, હનુમા વિહારી અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ તૈયાર થયા છે.

લાંબી ચર્ચા બાદ થયો તૈયાર

હાલ બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીનો હેડ છે. તાજેતરમાં પૂરી થયેલી આઇપીએલ દરમ્યાન તે પોતાના ભૂતપૂર્વ સાથીખેલાડી અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ સાથે રાહુલે દુબઈમાં લાંબી ચર્ચા કરી હતી. નામ ન જણાવવાની શરતે ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે ‘૨૦૨૩ના વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમના કોચ બનવાની તૈયારી તેણે દર્શાવી છે. શરૂઆતમાં ના પાડતો હતો, પરંતુ લાંબી ચર્ચા બાદ ગાંગુલી અને શાહ દ્રવિડને સમજાવવામાં સફળ રહ્યા હતા.’

કોહલીને કોઈ જાણ નથી

ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં કોહલીને દ્રવિડની કોચ તરીકેની નિમણૂકને લઈને પૂછ‍વામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘આ મામલે શું થઈ રહ્યું છે એ વિશે મને કાંઈ ખબર નથી. આ વિશે કોઈ ચર્ચા થઈ નથી.’ દ્રવિડનો સાથી પારસ મ્હામ્બ્રે બોલિંગ-કોચ બનશે તેમ જ બૅટિંગ-કોચ તરીકે વિક્રમ રાઠોડને યથાવત્ રાખવામાં આવશે. જોકે આ નિમણૂક પહેલાં લોઢા સમિતિની ભલામણ મુજબ એક જાહેરાત પણ આપશે તેમ જ ક્રિકેટ સલાહકાર સમિતિની પણ નિમણૂક કરવામાં આવશે.’

તમામ કોચનો હેડ

દ્રવિડના અનુભવ અને જ્ઞાનનો ભારતીય ટીમ પૂરેપૂરો લાભ લેવા માગે છે એથી તેને માત્ર નૅશનલ ટીમનો ચીફ કોચ જ નહીં બનાવે, પરંતુ ઇન્ડિયા-એ અવાા અન્ડર-19 ટીમના કોચ, ક્રિકેટના તમામ ડિપાર્ટમેન્ટ અને એનસીએ સ્ટાફને રિપોર્ટ કરશે. ગાંગુલીએ જ્યારે ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી ત્યારે તેણે નૅશનલ ટીમ અને અન્ય ટીમો વચ્ચેના સંકલન પર ભાર મક્યો હતો. શાસ્ત્રીએ કોચ તરીકે ઘણી સફળતા મેળવી છે એથી ક્રિકેટ બોર્ડ એક ભારતીયને જ કોચ બનાવવા માગતું હતું, પરંતુ એની સમકક્ષ હોય એવાં નામ મળતાં નહોતાં. જ્યાં સુધી કોહલી ભારતીય ટીમનો ટેસ્ટ અને વન-ડેનો કૅપ્ટન હોય ત્યાં સુધી કોચ તરીકેની જવાબદારી સ્વીકારવાની એક ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને દિગ્ગજ ખેલાડીએ ના પાડી દીધી હતી.

શાસ્ત્રી કરતાં પણ વધુ પગાર

તમામ નિર્ણય કોહલી જ લેતો હોવાની છાપ હોવાથી ઘણાં મોટાં નામે આ જવાબદારી સ્વીકારવા માટે ખચકાતા હતા, પરંતુ ઑસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ચિત્ર બદલાઈ ગયું. કોહલીની ગેરહાજરી છતાં ટીમે ઑસ્ટ્રેલિયાને પરાજિત કર્યું હતું. શાસ્ત્રીને ક્રિકેટ બોર્ડ વર્ષે ૮.૫ કરોડ રૂપિયા આપે છે. એના કરતાં પણ વધુ રકમ તેને ઑફર કરવામાં આવી છે. અગાઉ દીકરા નાના હોવાથી દ્રવિડે ના પાડી દીધી હતી. આગીમી બે વર્ષમાં કોહલી, રોહિત તેમ જ અન્ય ખેલાડીઓ નિવૃત્ત થાય એવી શક્યતાને જોતાં સમગ્ર પ્રક્રિયા વ્યવસ્થિત રીતે પાર પડે એ માટે પણ દ્રવિડને આ જવાબદારી સોંપવામાં આવી છે.

sports sports news cricket news india rahul dravid