હાથમાં આવેલી બાજી ગુમાવી પંજાબે

22 September, 2021 02:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાન સામે છેલ્લી બે ઓવરમાં ૮ અને છેલ્લી ઓવરમાં ચાર રન ન બનાવી શક્યા

હાથમાં આવેલી બાજી ગુમાવી પંજાબે

દુબઈમાં ગઈ કાલે પંજાબ કિંગ્સે ફરી એક વખત છેલ્લી ઘડીએ ફસડાઈ પડવાના સિલસિલાને જાળવી રાખતાં રાજસ્થાન રૉયલ્સ સામે જીતેલી બાજી બે રનથી ગુમાવી દીધી હતી. ૧૮૬ રનના ટાર્ગેટ સામે ઓપનરો મયંક અગરવાલ (૬૭) અને લોકેશ રાહુલે (૪૯) ૧૧.૫ ઓવરમાં ૧૨૦ રનની પાર્ટનરશિપ કરીને ટીમની જીતનો પાયો નાખ્યો હતો. ત્યાર બાદ એઇડન મારક્રમ અણનમ ૨૬ અને નિકોલસ પૂરન ૩૨ રન સાથે ટીમને જીતના દ્વાર સુધી લઈ ગયા હતા, પણ છેલ્લી બે ઓવરમાં તેમને જીતવા માટે ફક્ત ૮ રન અને છેલ્લી ઓવરમાં માત્ર ચાર રનની જરૂર હતી, પણ પંજાબના મિસ્તફિઝુર રહેમાનની ૧૯મી ઓવરમાં ચાર અને છેલ્લી કાર્તિક ત્યાગીની ઓવરમાં બે વિકેટ ગુમાવીને માત્ર એક જ રન કરી શક્યું હતું. આ અણઘારી જીત સાથે પૉઇન્ટ-ટેબલ પર એ પાંચમા નંબરે પહોંચી ગયું હતું. 
આ પહેલાં રાજસ્થાનના ઓપનરો એવિન લુઇસ (૩૬) અને યશસ્વી જયસ્વાલે (૪૯) ૫૪ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે મજબૂત શરૂઆત કરાવી આપી હતી. ત્યાર બાદ લિયામ લિવિંગસ્ટન (૨૫) અને મહિપાલ લોમરર (૪૩) ટીમને મોટા સ્કોર તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે પંજાબના યુવા પેસ બોલર અર્શદીપ સિંહે ૩૨ રનમાં પાંચ અને અનુભવી મોહમ્મદ શમીએ ૨૧ રનમાં ૩ વિકેટ સાથે દમ બતાવતાં રાજસ્થાન ૧૮૫ રન સુધી પહોંચી શક્યું હતું. 

બર્થ-ડે બૉય ક્રિસ ગેઇલને પંજાબે ગઈ કાલે ટીમમાં સામેલ નહોતો કર્યો.

 

sports news sports cricket news ipl 2021