ઑસ્ટ્રેલિયન લેજન્ડ દ્વારા રહાણેની કૅપ્ટન્સીનાં વખાણ સાંભળીને ગર્વ થાય

31 December, 2020 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન લેજન્ડ દ્વારા રહાણેની કૅપ્ટન્સીનાં વખાણ સાંભળીને ગર્વ થાય

સુનીલ ગાવસકર

અન્ડરપ્રેશર અને વિરાટ કોહલી સહિત ચારેચાર દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમને ઐતિહાસિક જીત અપાવનાર અજિંક્ય રહાણેની કૅપ્ટન્સી પર હર કોઈ ફિદા થઈ ગયા છે.

ભારતના જ નહીં, ઑસ્ટ્રેલિયન લેજન્ડ ખેલાડીઓ રહાણેની ચતુરાઈભરી કૅપ્ટન્સીનાં ભૂરપેટ વખાણ કરી રહ્યાં છે. સુનીલ ગાવસકરને ઑસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીઓ દ્વારા રહાણેના નેતૃત્વનાં વખાણ કરતાં જોઈને ગર્વ થઈ રહ્યો છે. ગાવસકરે એક મીડિયા ચૅનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે રહાણેના નેતૃત્વનાં વખાણ માટે ખુશી એટલા માટે થઈ રહી છે કે જે લોકો રહાણેની નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી રહ્યાં હતાં એમાં રિકી પૉન્ટિંગ, ઍડમ ગિલક્રિસ્ટ, માઇક હસી, શેન વૉર્ન જેવા દિગ્ગજો સામેલ છે.

જોકે ગાવસકરે સ્પષ્ટતા કરી હતી કે વિરાટ કોહલી જ ટીમનો કૅપ્ટન છે અને તે જ્યારે બાળકના જન્મ બાદ ટીમમાં પાછો ફરશે ત્યારે રહાણેએ જવાબદારી પાછી તેને સોંપી દેવી જોઈએ. ગાવસકરે કહ્યું હતું કે ‘રહાણે એ કાર્યવાહક કૅપ્ટન છે. કાર્યવાહક કૅપ્ટન અથવા કાર્યવાહક બૅટ્સમૅન કે ન્યુ બોલર અથવા ઑફ સ્પિનર તરીકે તમને તક મળે ત્યારે બેસ્ટ કરવાનું હોય છે, પણ જ્યારે ટીમનો મુખ્ય ખેલાડી પાછો આવી જાય ત્યારે તમારે તેની માટે માર્ગ કરી આપવો જોઈએ.’

મેલબર્ન ટેસ્ટની હાર બાદ હવે ઑસ્ટ્રેલિયન ટીમ પર પ્રેશર હશે? એવા એક પ્રશ્નના જવાબમાં ગાવસકરે કહ્યું હતું કે ‘ચોક્કસ, આવી પરિસ્થિતિઓની તેમને આદત નથી. દરેક વખતે પહેલી ટેસ્ટ જીત્યા બાદ તેઓ સિરીઝ જીતી લેતા હોય છે. તેઓ હરીફોને કચડી નાખતા હોય છે. ઘણા ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો ૪-૦થી જીતી જશું, ભારતને કચડી નાખીશું વગેરે વાતો કરતા હતા. હવે તમને જાણી ગયા હશે એ કેવી ટીમ છે. એ એવી ટીમ જરાય નથી જે ચિત થઈ જશે અને તમને હાવી થવાનો મોકો આપી દેશે.’

ઑસ્ટ્રેલિયન ટીમની સમસ્યાની વાત કરતાં ગાવસકરે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયન ટીમ ઘણી સમસ્યાઓથી લડી રહી છે. તેઓ સારી ઓપનિંગ જોડી શોધી રહ્યા છે, તેઓ એક એવા બોલરને શોધી રહ્યા છે કે જે ચોથા કે પાંચમા બોલરની જરૂરત પૂરી કરે. ભારતીય ટીમમાં પણ આ સમસ્યા છે. તેમણે પણ ઓપનિંગ જોડી અને મિડલ ઑર્ડર અંગે વિચારણા કરવી પડશે. જોકે તેમનું બોલિંગ અટૅક મજબૂત છે અને જરાય ચિંતા કરવાની જરૂરત નથી.’

ઓપનિંગ બોલરોએ કરી કમાલ

ગાવસકરે ભારતના શાનદાર કમબૅકનો શ્રેય ઓપનિંગ બોલરોને આપતાં કહ્યું હતું કે ‘ઓપનિંગ બોલરોએ ઑસ્ટ્રલિયનોને મજૂબત શરૂઆત કરતા રોક્યા હતા અને એને કારણે જ ભારત આ શાનદાર કમબૅક કરી શક્યું હતું. જો તેમણે ૭૦ કે ૧૦૦ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે શરૂઆત કરી હોત તો ભારતીય ટીમનો માઇનસેટ બદલાઈ ગયો હોત અને નેગેટિવ થઈ ગયા હોત. પણ શરૂઆતમાં જ વિકેટો મળી જતાં ટીમમાં કૉન્ફિડન્સ આવી ગયો હતો.’

જાડેજાને લીધે ટીમ બૅલૅન્સ

ગાવસકરે ટીમ મૅનેજમેન્ટના રવીન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવાના નિર્ણયનાં પણ વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે ‘આ ટીમ મૅનેજમેન્ટનો એક બહાદુરીભર્યો નિર્ણય હતો. જાડેજાના સમાવેશને લીધે ટીમમાં પરફેક્ટ બૅલૅન્સ આવી ગયું હતું. બૅટિંગમાં પણ તે ખીલી રહ્યો છે, તેની બોલિંગને લીધે પેસબોલરો બુમરાહ અને ઉમેશને થોડો આરામ મળી રહે છે અને તે એક અદ્ભુત ફીલ્ડર પણ છે.’

મયંકને વધુ એક મોકો આપો

મયંક અગરવાલ અંગે ગાવસકરે કહ્યું હતું કે ‘તેણે છેલ્લા દોઢેક વર્ષમાં તેની ટૅલન્ટનો પરચો બતાવ્યો છે. એથી તેને હજી એક મોકો આપવો જોઈએ. ત્રીજી ટેસ્ટમાં તેણે અને રોહિત શર્માએ ઓપનિંગ કરવું જોઈએ. મયંકે હવે તેની ખામીઓ દૂર કરીને ફરી મોટી ઇનિંગ્સ રમવી પડશે.’

sports sports news cricket news india australia ajinkya rahane sunil gavaskar