ટેસ્ટ રમવાની ના પાડનારા ખેલાડીઓ આઇપીએલ રમવા દુબઈ માટે રવાના

12 September, 2021 07:43 AM IST  |  Mumbai | Agency

મુંબઈ, હૈદરાબાદ અને બૅન્ગલોરની ટીમે પ્લેયરોને યુકેથી યુએઈમાં લાવવા માટે કરી ચાર્ટર્ડ ફ્લાઇટ

પ્રતીકાત્મક તસવીર

આઇપીએલ સાથે જોડાયેલા ભારતીય ટીમના ક્રિકેટરો મૅન્ચેસ્ટરમાં કરવામાં આવેલી આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતાં ચાર્ટર્ડ ફ્લાઇટ તેમ જ કમર્શિયલ ફ્લાઇટ દ્વારા યુએઈ જવા માટે રવાના થઈ ગયા છે. આઇપીએલની વિવિધ ફ્રૅન્ચાઇઝી ટીમોએ આ ખેલાડીઓના પ્રવાસ માટેની વ્યવસ્થાઓ કરી હતી. ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફના સભ્યોને કોરોના થતાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મોકૂફ રાખવામાં આવી હતી, જેને કારણે આઇપીએલના બીજા તબક્કાની સીઝન માટે ખેલાડીઓ વહેલા જવા રવાના થયા હતા. 
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ખેલાડીઓએ તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં મૅચ રમવાની ના પાડી હતી, કારણ કે ટીમનો અસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમાર મૅચ શરૂ થાય એ પહેલાં જ કોરોના સંક્રમિત થયો હતો. ખેલાડીઓને એવો ડર હતો કે તેમને પણ કોરોના થઈ શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ કહ્યું હતું કે શુક્રવારે બીજી વખત ખેલાડીઓનો તેમ જ સપોર્ટ સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો એથી તમામ આઇપીએલ માટે દુબઈ જવા રવાના થયા હતા.’
ખેલાડીઓ અલગ-અલગ જૂથ બનાવીને રવાના થયા હતા. મુંબઈ અને હૈદરાબાદની ટીમોએ પોતાના ખેલાડીઓ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરાવી હતી તો ચેન્નઈની ટીમના ખેલાડીઓ કમર્શિયલ ફ્લાઇટમાં રવાના થયા હતા. ખેલાડીઓની સલામતીને ધ્યાનમાં રાખીને બૅન્ગલોરની ટીમે કૅપ્ટન વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ માટે ચાર્ટર્ડ ફ્લાઇટનો બંદોબસ્ત કર્યો હતો. આ તમામ ખેલાડીઓએ દુબઈમાં છ દિવસ માટે ક્વૉરન્ટીન થવું પડશે ત્યાર બાદ જ તેઓ ટીમના બાયો-સિક્યૉર બબલમાં જોડાશે. 

sports news sports cricket news test cricket ipl 2021