આઇપીએલમાં ત્રણ ભારતીય કૅપ્ટન પર પર્ફોર્મન્સનું પ્રેશર

28 March, 2023 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેસ્ટના અને વન-ડેના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા, કે. એલ. રાહુલ અને શિખર ધવને ૩૧ માર્ચથી સુકાન સંભાળવાની સાથે સારું રમી પણ બતાવવું પડશે

શિખર ધવન , કે. એલ. રાહુલ અને રોહિત શર્મા

શુક્રવાર, ૩૧ માર્ચે અમદાવાદમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વાર ચૅમ્પિયન બની ચૂકેલા ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની પહેલી મૅચ સાથે આઇપીએલની ૧૬મી સીઝનની શરૂઆત સાથે જ આ ટુર્નામેન્ટના ખાસ કરીને ત્રણ ભારતીય કૅપ્ટન પર સુકાન સંભાળવાની સાથોસાથ સારું પર્ફોર્મ કરવાનું પણ પ્રેશર સતત રહ્યા કરશે.

આઇપીએલ પછી ભારતીય ખેલાડીઓ ખાસ કરીને જૂનમાં લંડનના ઓવલમાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ રમશે. ત્યાર પછી મુખ્યત્વે ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ફરી એક વાર ત્રણ વન-ડેની સિરીઝ રમાશે અને એ બાદ એશિયા કપ અને પછી ઘરઆંગણે વન-ડેનો વર્લ્ડ કપ શરૂ થશે.

આ બધું જોતાં રોહિત શર્મા (કૅપ્ટન, મુંબઈ ઇન્ડિયન્સ), કે. એલ. રાહુલ (કૅપ્ટન, લખનઉ સુપર જાયન્ટ્સ) અને શિખર ધવન (કૅપ્ટન, પંજાબ કિંગ્સ)એ આઇપીએલમાં સારું તો રમી જ બતાડવું પડશે, ફિટનેસ પણ જાળવવી પડશે.

મુંબઈ ગયા વર્ષે છેલ્લે હતું

રોહિત શર્માએ જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મુંબઈને જિતાડવા થોડો સંઘર્ષ કરવો પડશે. તે આઇપીએલની છેલ્લી છમાંથી એક જ સીઝનમાં ૪૦૦-પ્લસ રન બનાવી શક્યો છે. ગયા વર્ષે મુંબઈની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં છેક છેલ્લા નંબર પર હતી.

રાહુલે અસલ ટચ બતાવવો પડશે

કે. એલ. રાહુલ છેલ્લી પાંચેય આઇપીએલમાં (પ્રત્યેક સીઝનમાં) ૫૯૦થી વધુ રન બનાવી ચૂક્યો છે, પરંતુ થોડા સમયથી ટીમ ઇન્ડિયામાં ફૉર્મ ગુમાવી બેઠો હોવાથી એમાં કમબૅક કરવા આઇપીએલમાં અસલ ટચ બતાડવો જ પડશે.

આ પણ વાંચો: બેરસ્ટૉ-પાટીદાર પણ ઈજાગ્રસ્તોમાં જોડાતાં આઇપીએલની ‘ઇન્જર્ડ સ્ક્વૉડ’ તૈયાર!

શિખરની સમસ્યા ઘટશે?

શિખર ધવન થોડા સમયથી ટીમ ઇન્ડિયામાં સામેલ નથી કરાતો, પરંતુ ઓપનિંગની મજબૂત જોડી શોધવામાં ભારત હજી નિષ્ફળ રહ્યું હોવાથી ધવન આશા ન પણ છોડે. આઇપીએલના બીજા ભારતીય કૅપ્ટનોમાં હાર્દિક પંડ્યા (ગુજરાત ટાઇટન્સ) ત્રણેય ફૉર્મેટની ટીમમાં ફિટ છે, મહેન્દ્રસિંહ ધોની (ચેન્નઈ સુપર કિંગ્સ) નિવૃત્ત થઈ ચૂક્યો છે, જ્યારે રાજસ્થાન રૉયલ્સનો સુકાની સંજુ સૅમસન પણ આઇપીએલમાં ઝળકીને ભારતની વન-ડે કે ટી૨૦ ટીમમાં ફરી સ્થાન મેળવવા જરૂર ઉત્સુક હશે. કલકત્તા નાઇટ રાઇડર્સનો મુખ્ય કૅપ્ટન શ્રેયસ ઐયર ઈજાને લીધે શરૂઆતમાં નહીં રમે એટલે એ ટીમનું સુકાન ૨૯ વર્ષના નીતિશ રાણાને સોંપાયું છે જે બે વર્ષ પહેલાં  ભારત વતી એક વન-ડે અને બે ટી૨૦ રમી ચૂક્યો છે.

આઇપીએલની બાકીની ત્રણ ટીમના કૅપ્ટન પદે વિદેશી ખેલાડી છે : સનરાઇઝર્સ હૈદરાબાદ (એઇડન માર્કરમ), દિલ્હી કૅપિટલ્સ (ડેવિડ વૉર્નર) અને ફૅફ ડુ પ્લેસી (રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર).

શ્રેયસના સ્થાને નીતિશ રાણા કલકત્તાનો કૅપ્ટન

લેફ્ટ-હૅન્ડ બૅટર નીતિશ રાણાને થોડા દિવસ પહેલાં પગની ઘૂંટીની નજીવી ઈજા થઈ હતી, પરંતુ તે શુક્રવાર, ૩૧ માર્ચે શરૂ થનારી આઇપીએલમાં શરૂઆતથી રમશે. પીઠની ઈજાને કારણે શરૂઆતથી ન રમનાર શ્રેયસ ઐયરના સ્થાને રાણાને કલકત્તા નાઇટ રાઇડર્સની કૅપ્ટન્સી સોંપાઈ છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હીની ટીમનું ૧૨ મૅચમાં સુકાન સંભાળી ચૂક્યો છે.

sports news sports cricket news t20 indian premier league royalchallengersbangalore chennaisuperkings delhicapitals kolkataknightriders mumbaiindians gujarattitans shikhar dhawan rohit sharma kl rahul