05 November, 2025 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાન પેસબોલર હારિસ રઉફ
સપ્ટેમ્બરમાં એશિયા કપ દરમ્યાન થયેલી ફરિયાદો વિશે દોઢ મહિના બાદ ફેંસલો આવ્યો છે. ગઈ કાલે દુબઈમાં શરૂ થયેલી ICCની મીટિંગમાં આ ફરિયાદો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. એમાં પાકિસ્તાનના પેસબોલર હારિસ રઉફ મૅચ દરમ્યાન બાઉન્ડરી લાઇન પર ઑપરેશન સિંદૂર દરમ્યાન ભારતનાં છ જેટ પ્લેન તોડી પાડ્યાનો ઇશારો કરવાના મામલે દોષી જાહેર થયો હતો. રઉફ સામેની બન્ને ફરિયાદોમાં તેને દોષી ગણાવીને બન્નેમાં ૩૦-૩૦ ટકા મૅચ-ફી અને બે-બે ડીમેરિટ પૉઇન્ટનો દંડ ફટકાવામાં આવ્યો હતો. આમ તેના કુલ ચાર ડીમેરિટ પૉઇન્ટ થતાં તેના પર આગામી બે મૅચ માટે બૅન લાગી ગયો હતો. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં પૉલિટિકલ કમેન્ટ કરીને નિયમ ભંગ કરવા બદલ ભારતીય કૅપ્ટન સૂર્યકુમારને ૩૦ ટકા મૅચ-ફીનો દંડ થયો હતો જેથી તેના ખાતામાં બે ડીમેરિટ પૉઇન્ટ જમા થઈ ગયા હતા. જસપ્રીત બુમરાહને પણ તેની સામેની ફરિયાદમાં દોષી માની એક ડીમેરિટ પૉઇન્ટનો દંડ થયો હતો. જોકે અર્શદીપ સિંહ અને સાહિબઝાદા ફરઝાન સામેની ફરિયાદ સામે કોઈ પણ દંડ નહોતો કર્યો.