ન્યૂઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

22 June, 2021 12:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાની જ ભારતીય મહિલા હૉકી ટીમની કૅપ્ટન; ઉસેન બોલ્ટ બન્યો ટ્વિન્સ બાળકોનો પપ્પા અને વધુ સમાચાર

એમ એમ ધોની શિમલામાં

કુલુ ટોપી સાથે મૂછવાળો ધોની

ભૂતપૂર્વ કૅપ્ટન રિટાયરમેન્ટ બાદ તેના ફાર્મહાઉસમાં અને જુદી-જુદી જગ્યાએ ફૅમિલી સાથે ફરવાનો આનંદ માણી રહ્યો છે. આઇપીએલની આ ૧૪મી સીઝનની બાકીની મૅચો માટે તૈયારીઓ શરૂ કરતાં પહેલાં ધોની હાલમાં શિમલામાં ફરી રહ્યો છે. શિમલાના ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામં અપલોડ કર્યા હતા, જે ભારે વાઇરલ થયા હતા. ફોટોમાં ધોનીએ શિમલાની ટ્રેડિશનલ ટોપી જેને કુલુ ટોપી પણ કહેવામાં આવે છે એ પહેરી છે. ટોપી ઉપરાંત ધોનીનો મૂછવાળો નવો લુક તેના ચાહકોને ખૂબ ગમ્યો હતો.

 

રાની જ ભારતીય મહિલા હૉકી ટીમની કૅપ્ટન

ઑલિમ્પિક્સમાં ભારતીય હૉકી ટીમની કમાન અપેક્ષા પ્રમાણે અનુભવી અને હાલની કૅપ્ટન રાનીને સોંપવામાં આવી છે. હૉકી ઇન્ડિયાએ ગઈ કાલે આ જાહેરાત કરી હતી. છેલ્લાં ચાર વર્ષથી રાની ભારતીય ટીમની કૅપ્ટન છે અને તેના નેતૃત્વમાં જ ભારતે ૨૦૧૭માં એશિયા કપ, ૨૦૧૮માં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ અને ૨૦૧૯માં એફઆઇએચ સિરીઝ જીતી છે. આ ઉપરાંત ડિફેન્ડર દીપ ગ્રેસ એક્કા અને અનુભવી ગોલકીપર સવિતાને વાઇસ-કૅપ્ટન જાહેર કરવામાં આવી હતી.

 

ઑલિમ્પિક્સમાં નહીં જોવા મળે મહિલા આર્ચરી ટીમ

ભારતીય મહિલા આર્ચરી ટીમ ટોક્યો ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય ન થઈ શકી. રવિવારે પૅરિસમાં છેલ્લી ઑલિમ્પિક્સ ક્વૉલિફાયરમાં બીજા જ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. દીપિકાકુમારી, અંકિતા ભાકત, કોમલિકા બારી જેવી ખેલાડીઓવાળી સેકન્ડ સીડેડ ભારતીય ટીમ આ સ્પર્ધા જીતવા માટે ફેવરિટ મનાતી હતી, પણ કોલમ્બિયા સામે આશ્ચર્યજનક રીતે હારી ગઈ હતી.

 

ઉસેન બોલ્ટ બન્યો ટ્વિન્સ બાળકોનો પપ્પા

દુનિયાનો સૌથી ઝડપી દોડવીર ઉસેન બોલ્ટ બીજી વાર પિતા બન્યો છે અને તેની પાર્ટનર કૅસી બેનેટે ટ્વિન્સ દીકરાઓને જન્મ આપ્યો છે. ફાધર ડેએ બોલ્ટે ફૅમિલી સાથેનો ફોટો સાથે આની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા. બાળકોનાં નામની પણ તેણે જાહેરાત કરી હતી. એકનું નામ થન્ડર બોલ્ટ અને બીજાનું નામ સેન્ટ લિઓ બોલ્ટ રાખ્યું છે.. બોલ્ટે ૨૦૨૦માં જન્મેલી તેની પ્રથમ પુત્રીનું નામ ઑલિમ્પિયા લાઇટનિંગ બોલ્ટ રાખ્યું હતું.

આમ જરા હટકે બાળકોનાં નામ પણ સોશ્યલ મીડિયમાં ભારે વાઇરલ થયાં હતાં. બાળકોનો જન્મ ક્યારે થયો હતો એની કોઈ સ્પષ્ટતા બોલ્ટે નહોતી કરી.

sports sports news ms dhoni mahendra singh dhoni hockey indian womens hockey team