ન્યૂઝ શોર્ટમાં: વાંચો આજે સ્પોર્ટ્સ જગતમાં શું ચાલી રહ્યું છે

16 June, 2021 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી સોશ્યલ મીડિયા પરનાં સૌથી લોકપ્રિય યુગલોમાં ગણાય છે.

યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી

ચહલ અને પત્ની ધનશ્રીનો ડાન્સ-વિડિયો વાઇરલ
ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી સોશ્યલ મીડિયા પરનાં સૌથી લોકપ્રિય યુગલોમાં ગણાય છે. તેઓ ‘ફુટવર્ક કપલ’ તરીકે ઓળખાય છે અને તાજેતરમાં તેમણે પોતાના ડાન્સનો એક વિડિયો અપલોડ કર્યો હતો જે વાઇરલ થયો છે. ધનશ્રી જાણીતી કોરિયોગ્રાફર છે.

રાહુલ દ્રવિડ શ્રીલંકામાં ભારતીય ટીમનો કોચ
મહાન ક્રિકેટર રાહુલ દ્રવિડ નિવૃત્તિ પછી ઘણાં વર્ષોથી ભારતના ઊગતા ખેલાડીઓને નૅશનલ ઍકૅડેમીમાં તેમ જ અન્ડર-19 તથા ઇન્ડિયા ‘એ’ ટીમને કોચિંગ આપતો આવ્યો છે, પરંતુ દેશના કરોડો ક્રિકેટપ્રેમીઓને તે ભારતના મુખ્ય ખેલાડીઓને ક્યારે કોચિંગ આપે એ જોવાની ઇચ્છા હતી. જોકે, એ દિવસ આવી ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે ગઈ કાલે કહ્યું હતું કે શિખર ધવનના સુકાનમાં ભારતની જે ટીમ શ્રીલંકામાં મર્યાદિત ઓવરની સિરીઝ રમવા જવાની છે એ ટીમને રાહુલ દ્રવિડ કોચિંગ આપશે. એ.એ.આઇ.ના અહેવાલ મુજબ ભારતીય ટીમ સોમવારે એકત્રિત થઈ હતી અને મુંબઈમાં ૭ દિવસના સઘન ક્વૉરન્ટીન બાદ ૭ દિવસના સૉફ્ટ ક્વૉરન્ટીનનો ગાળો પસાર કરશે જેમાં તેઓ ઇન્ડોર પ્રૅક્ટિસ કરશે.

એરિક્સને હૉસ્પિટલમાંથી ચાહકોને કહ્યું, ‘થૅન્ક્સ’
શનિવારે યુરો કપની પ્રથમ મૅચમાં ફિનલૅન્ડ સામેની મૅચ દરમ્યાન રમતી વખતે હૃદયરોગના હુમલાનો ભોગ બનેલા ડેન્માર્કના ફુટબોલર ક્રિસ્ટિયન એરિક્સને હૉસ્પિટલના બેડ પરથી અસંખ્ય ચાહકોનો આભાર માન્યો હતો. વિશ્વભરમાં અસંખ્ય ફુટબૉલપ્રેમીઓએ એરિક્સન જલદી સ્વસ્થ થઈ જાય એવી શુભેચ્છા સોશ્યલ મીડિયા પર વ્યક્ત કરી હતી. એરિક્સને ટ્વિટર પર લખ્યું હતું, ‘વિશ્વભરમાંથી મારા માટે જે મધુર શબ્દોમાં અને અદ્ભુત શુભેચ્છા ધરાવતા સંદેશા મોકલવા બદલ હું તમામ લોકોનો ખૂબ આભાર માનું છું. તમારી શુભકામના અને પ્રાર્થના મારા માટે અને મારા પરિવાર માટે જે મહત્ત્વ ધરાવે છે એને હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી.’

રાનીને કોવિડના યોદ્ધાઓ માટે ઑલિમ્પિક્સ મેડલ જીતવું છે
ભારતની મહિલા હૉકી ટીમની સુકાની રાની રામપાલે ગઈ કાલે સંકલ્પ કર્યો હતો કે તે અને તેની ટીમ આગામી ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક મેડલ જીતવા કોઈ કસર નહીં છોડે અને એ ચંદ્રક કોવિડ-19ની મહામારીમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને સેવા-સારવારના ક્ષેત્રે આગળ પડતી ભૂમિકા ભજવનારા કોવિડ વૉરિયર્સને સમર્પિત કરશે. રાનીએ એવું પણ કહ્યું હતું કે બૅન્ગલોરમાં આ અઠવાડિયે ભારતીય ટીમની સિલેક્શન ટ્રાયલ યોજાશે અને એ રીતે ૨૩ જુલાઈએ શરૂ થનારી ટોક્યો ઑલિમ્પિક ગેમ્સ માટેની ટીમ નક્કી કરવા માટેનું મહત્ત્વનું પગલું ભરવામાં આવશે.

cricket news sports news sports football