ન્યૂઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો સ્પોર્ટ્સ સંબંધિત તમામ સમાચાર

28 April, 2021 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે છતાં ત્યાં આઇપીએલની મૅચોને કોઈ વાંધો નહીં આવે.

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં આઇપીએલની મૅચોને કોઈ વાંધો નહીં આવે
ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે છતાં ત્યાં આઇપીએલની મૅચોને કોઈ વાંધો નહીં આવે. ગુજરાત સરકારના ગૃહવિભાગે કોરોનાના મુદ્દે ગઈ કાલે જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં જાહેર કર્યું છે કે પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ-સંકુલમાં પ્રેક્ષકો વગર ક્રિકેટની રમત ચાલુ રાખી શકાશે.’ આ જાહેરાત થતાં અમદાવાદમાં આઇપીએલ મૅચો અવરોધ વિના રમી શકાશે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આઠેક લીગ મૅચ ઉપરાંત પ્લે-ઑફ અને ફાઇનલ જંગ પણ રમાવાનો છે. ગુજરાત સરકારે ૨૦ એપ્રિલથી પાંચ મે સુધી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતનાં ૨૯ શહેરોમાં રાતે ૮થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ-કરફ્યુ જાહેર કર્યો હતો.

કલકત્તાની કોડ લૅન્ગ્વેજ પર ભડક્યો વીરેન્દર સેહવાગ
પંજાબ સામેની મૅચમાં કલકત્તાએ જીત હાંસલ કરી હતી, પણ કલકત્તાએ અપનાવેલી એક રણનીતિને લીધે સોશ્યલ મીડિયામાં એની ટીકા કરવામાં આવી હતી. ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દર સેહવાગે પણ આ રણનીતિને વખોડી કાઢી હતી. વાસ્તવમાં આ રણનીતિ અંતર્ગત કલકત્તાના રણનીતિકાર નૅથન લીમન હાથમાં નંબરવાળાં પ્લૅકાર્ડ લઈને બેઠા હતા અને વારંવાર જુદા-જુદા આંકડા દર્શાવી રહ્યા હતા, જેનો કૉમેન્ટેટર, ક્રિકેટપ્રેમી વર્ગ અને નિષ્ણાતોએ પોતાની રીતે અર્થ કાઢ્યો હતો. સેહવાગનું કહેવું હતું કે ‘જો કલકત્તા મૅચના ડગઆઉટમાંથી કન્ટ્રોલ કરવા માગતું હોય તો વર્લ્ડ કપ વિનર કૅપ્ટનની શું જરૂર છે? ક્યારેક સંદેશો મોકલવામાં આવે એમાં કોઈ વાંધો હોતો નથી, પણ વારંવાર ખુલ્લેઆમ કૅપ્ટનને યાદ દેવડાવવામાં આવે એ યોગ્ય ન કહેવાય.’ 

લોકોને મદદરૂપ થવા પુનિયા સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ
ભારતીય રેસલર બજરંગ પુનિયાએ કોરોના સામે લડી રહેલા નાગરિકોને મદદરૂપ થવા સોશ્યલ મીડિયા પર ફરીથી ઍક્ટિવ થવાનો નિર્ણય કર્યો છે. ઑલમ્પિકની તૈયારી પર ધ્યાન આપવા બજરંગે સોશ્યલ મીડિયાનો ત્યાગ કર્યો હતો. બજરંગે કહ્યું કે ‘ઑલિમ્પિક પર ધ્યાન આપવા મેં સોશ્યલ મીડિયા પરથી ધ્યાન હટાવ્યું હતું, પણ હવે દેશમાં કોરોનાને લીધે થયેલી ખરાબ પરિસ્થિતિને જોતાં હું ફરીથી સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ થાઉં છું. મેં જીવનમાં જેકંઈ પ્રાપ્ત કર્યું છે તમારી શુભેચ્છાઓને કારણે જ મેળવ્યું છે. એક ખેલાડી તરીકે જો હું મારા દેશવાસીઓ માટે આગળ નહીં આવું તો મેં જેકંઈ પ્રાપ્ત કર્યું છે એનો કોઈ અર્થ નહીં રહે. પરીક્ષાની આ ઘડીમાં હું લોકોને મદદ કરવા માગું છું.’

વૅક્સિન લેવાનો નિર્ણય ખેલાડીઓ કરશે : બોર્ડ
દેશમાં હવે ૧ મેથી ૧૮ વર્ષથી ઉપરના નાગરિકો કોરોનાની વૅક્સિન લઈ શકે છે. એવામાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ આઇપીએલની વર્તમાન સીઝનમાં રમી રહેલા ખેલાડીઓ પર એ નિર્ણય છોડ્યો છે કે તેમણે વૅક્સિન લેવી કે ન લેવી? આઇપીએલમાં રમનાર દરેક ખેલાડી ૧૮ વર્ષથી મોટી ઉંમરનો છે માટે વૅક્સિન લેવી કે ન લેવી એ તેમનો વ્યક્તિગત નિર્ણય રહેશે. નોંધનીય છે કે આઇપીએલની ૧૪મી સીઝન શરૂ થતાં પહેલાં પાંચેક ખેલાડીઓ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા હતા.

cricket news sports news ipl 2021 indian premier league motera stadium