News in Short: એક ક્લિકમાં વાંચો સ્પોર્ટ્સ સંબંધિત તમામ સમાચાર

14 May, 2021 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ નંબર-વન મહિલા સિંગલ્સ ખેલાડી સેરેના વિલિયમ્સનું કમબૅક અને લૅન્ડમાર્ક એટીપી ટૂરની સિંગલ્સની ૧૦૦૦મી મૅચ બન્ને ફ્લૉપ રહ્યાં હતાં.

સેરેના વિલિયમ્સ

સેરેના માટે ૧૦૦૦મી મૅચ બની વસમી
ભૂતપૂર્વ નંબર-વન મહિલા સિંગલ્સ ખેલાડી સેરેના વિલિયમ્સનું કમબૅક અને લૅન્ડમાર્ક એટીપી ટૂરની સિંગલ્સની ૧૦૦૦મી મૅચ બન્ને ફ્લૉપ રહ્યાં હતાં. સેરેના ઑસ્ટ્રેલિયન ઓપનમાં ઇન્જરીને લીધે ખસી ગયા બાદ કમબૅક કરતાં ઇટાલિયન ઓપનમાં રમી રહી હતી. બુધવારે રાતે પહેલા રાઉન્ડમાં બાય બાદ બીજા રાઉન્ડની મૅચમાં નાદિયા પોડોરોસ્કા સામે ૭-૬, ૭-૫ એમ સીધા સેટમાં હારીને બહાર થઈ ગઈ હતી. સેરેનાના આ ૧૦૦૦મી સિંગલ્સ મૅચના માઇલસ્ટોન બદલ નોવાક જૉકોવિચ સહિત અનેક ટેનિસ-દિગ્ગજોએ અભિનંદન આપ્યાં હતાં. 

કોરોનામાં મૃત્યુ પામનાર દિગ્ગજ હૉકી ‍પ્લેયરના પરિવારને પાંચ લાખની સહાય
સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરેન રિજિજુએ કોરોનાને લીધે મૃત્યુ પામનાર ભૂતપૂર્વ હૉકી ખેલાડીઓ એમ. કે. કૌશિક અને રવીન્દર પાલ સિંહના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. કૌશિક અને રવીન્દર પાલ ૧૯૮૦માં મૉસ્કો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર હૉકી ટીમના મેમ્બર હતા. બન્ને લેજન્ડ ખેલાડીઓનું ગયા શનિવારે કોરોનાને લીધે મૃત્યુ થયું હતું. રિજિજુએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘કોરોનાને લીધે આપણે બે હૉકી લેજન્ડ્સ ગુમાવી દીધા છે. ભારતીય ખેલજગતમાં એમ. કે. કૌશિક અને રવીન્દર પાલ સિંહજીના યોગદાનને હંમેશાં યાદ રખાશે. આ દુઃખની ઘડીમાં અમે તેમના પરિવારજનોની સાથે છીએ અને ખેલ મંત્રાલય તરફથી સહાયરૂપે તેમને પાંચ-પાંચ લાખ રૂપિયા અપાશે.’

બે મહિના બાદ જોફ્રા આર્ચરનું કમબૅક
માર્ચમાં ભારત સામે પાંચમી ટી૨૦માં રમ્યા બાદ ઇન્જરીને લીધે આઉટ થઈ જનાર ઇંગ્લૅન્ડના પેસ બોલર જોફ્રા આર્ચરે ગઈ કાલે ઇંગ્લિશ કાઉન્ટીમાં કમબૅક કર્યું હતું. ઇન્જરીને લીધે આર્ચર આ વખતે આઇપીએલમાં પણ રમવા નહોતો આવી શક્યો. આ ઉપરાંત કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં આર્ચર ૨૦૧૮ બાદ પહેલી વાર રમ્યો હતો. બીજી જૂનથી ન્યુ ઝીલૅન્ડ સામે શરૂ થતી ટેસ્ટ સિરીઝ પહેલાં ફિટનેસ અને લયને ચેક કરવા જ આર્ચરે કાઉન્ટીમાં રમવાનું નક્કી કર્યું હતું. 

૨૦૧૪ બાદ પહેલી લીગ ટ્રોફી જીતની નજીક ઍૅટલેટિકો મૅડ્રિડ
બુધવારે રિયલ સોસિડૅડ સામે ૨-૧થી જીત સાથે જ ઍટલેટિકો મૅડ્રિડે સ્પૅનિશ લીગ ટાઇટલ માટેની દાવેદારી મજબૂત કરી લીધી હતી. લીગમાં હવે મૅચ રાઉન્ડ બાકી છે અને ઍટલેટિકો મૅડ્રિડે એના નજીકના હરીફ બાર્સેલોનાથી ચાર પૉઇન્ટ અને રિયલ મૅડ્રિડથી પાંચ પૉઇન્ટની લીડ લીધી છે. જો ઍટલેટિકો મૅડ્રિડ આ ટાઇટલ જીતવામાં સફળ થશે તો ૨૦૧૪ બાદ સ્પેનમાં તેમનું આ પહેલું ટાઇટલ્સ હશે. 

મેસી અને રોનાલ્ડોને પછાડીને કોનોર મૅક્‍ગ્રેગર બન્યો સૌથી વધુ કમાતો ખેલાડી
‘ફૉર્બ્સ’એ ૨૦૨૧ માટે બહાર પાડેલી સૌથી વધુ કમાતા ખેલાડીઓની યાદીએ બધાને ચોંકાવી દીધા લિઓનલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા દિગ્ગજોને ખસેડીને ૧૮૦ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૧૩૨૫ કરોડ રૂપિયાની કમાણી સાથે આયરલૅન્ડનો મિક્સ માર્શલ આર્ટ્સ ફાઇટર કોનોર મૅક્‍ગ્રેગર પહેલા નંબરે પહોંચી ગયો છે. ગયા વર્ષે તે આ યાદીમાં ૧૬મા ક્રમાંકે હતો. મૅક્‍ગ્રેગર આ વર્ષ દરમ્યાન ૧૧,૬૨,૧૯,૫૮,૬૦૦ રૂપિયા જાહેરખબરમાંથી કમાયો છે, જ્યારે રમતમાંથી ૧,૬૧,૮૩,૫૭,૪૦૦ રૂપિયા કમાયો છે. 
આ યાદીમાં મેસી બીજા અને રોનાલ્ડો ત્રીજા નંબરે છે. 

શેફાલી અને રાધા હવે બિગ બૅશ ગજાવશે
લાગે છે ભારતીય ક્રિકેટ બોર્ડે તેમની ખાસ કરીને મહિલા ક્રિકેટને લગતી પૉલિસીમાં બદલાવ કર્યો છે. થોડા દિવસ પહેલાં ઇંગ્લૅન્ડમાં નવી શરૂ થઈ રહેલી ધ હન્ડ્રેડ લીગમાં હરમન પ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, જૅમિમાહ રૉડ્રિગ્સ વગેરેને રમવા માટે પરમિશન આપ્યા બાદ હવે ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ માટે  શેફાલી વર્મા અને રાધા યાદવને પણ પરમિશન આપી દીધી છે. ટૅલન્ટેડ ઓપનર બૅટ્સવુમન ૧૭ વર્ષની શેફાલી વર્મા અને લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવ આ વર્ષે વુમન બિગ બૅશ ગજાવશે. શેફાલી બે વખતની ચૅમ્પિયન સિડની સિક્સર્સ વતી રમશે, જ્યારે રાધાની પણ સિડનીની જ એક ટીમ સાથે વાતચીત ચાલી રહી છે. વર્લ્ડ નંબર-વન ટી૨૦ ઇન્ટરનૅશનલ બૅટ્સવુમન શેફાલી ધ હન્ડ્રેડ લીગમાં પણ રમવાની છે. આ પહેલાં ૨૦૧૬-’૧૭ની બિગ બૅશની સીઝનમાં હરમન પ્રીત કૌર અને સ્મૃતિ મંધાના રમી હતી, જ્યારે ૨૦૧૭-’૧૮ની સીઝનમાં વેદા કૃષ્ણમૂર્તિ રમી હતી.

cricket news sports news sports ipl 2021 lionel messi cristiano ronaldo serena williams