News In Short : બોલના ઇમરાન, આઉં ક્યા?

24 September, 2021 04:18 PM IST  |  New Delhi | Agency

ન્યુ ઝીલૅન્ડે ટૂર રદ કરવા બદલ પાકિસ્તાનના પ્રધાને મુંબઈના રૅપર ઓમપ્રકાશ મિશ્રાને ગણાવ્યો જવાબદાર

ઇમરાન ખાન (ફાઇલ ફોટો)

ન્યુ ઝીલૅન્ડની ટીમે તાજેતરમાં સલામતીના કારણસર પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો. ઘણા દિવસો બાદ પાકિસ્તાને એવો આરોપ મૂક્યો હતો કે ધમકીભરી ઈ-મેઇલ ભારતે મોકલી હતી. પાકિસ્તાનના ઇન્ફર્મેશન મિનિસ્ટર ફવાદ ચૌધરીએ એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે તહરિકે પાકિસ્તાનના નામથી એક ધમકીભરી ઈ-મેઇલ મોકલવામાં આવી હતી. ઇંગ્લૅન્ડના ઇન્ટરપોલે આ મામલે વાત કરી હતી, જેમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ પર બૉમ્બ-બ્લાસ્ટની ધમકી હતી. આ ઈ-મેઇલ આઇડી હમઝા આફ્રિદીના નામે હતું. આ ઈ-મેઇલ ભારતથી મોકલવામાં આવી હતી, પરંતુ લોકેશન વીપીએન દ્વારા સિંગાપોર બતાવવામાં આવ્યું હતું. ચૌધરીએ આરોપ મૂક્યો છે કે મુંબઈના ઓમપ્રકાશ મિશ્રાએ આ ઈ-મેઇલ મોકલી હતી. 
ભારતીય માટે ઓમપ્રકાશ મિશ્રા એક જાણીતો રૅપર છે. મુંબઈના આ રૅપરે ૨૦૧૭માં ‘આંટી કી ઘંટી’ નામનું ગીત ગાયું હતું, પછી તો ટ્વિટર પર ઓમપ્રકાશ મિશ્રા નામ વાઇરલ થયું. એના એક ગીતને થોડું બદલીને ‘બોલના આંટી આઉં ક્યા’ને બદલે ‘બોલના ઇમરાન આઉં ક્યા?’ કરવામાં આવ્યું. જેમ ઓમપ્રકાશ મિશ્રા ઘણો ટ્રેન્ડ થયો છે તેમ જ જાતજાતના મીમ્સ પણ બન્યાં છે. ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ જર્નલિસ્ટ ડેનિસ ફ્રિડમૅને પ્રધાનની ટીકા કરતાં કહ્યું કે પહેલાં મને એમ કે આ કોઈ પાકિસ્તાનનો કૉમેડિયન હશે, પરંતુ પછી ખબર પડી કે એ તો પાકિસ્તાનનો પ્રધાન છે. 

ઍશિઝમાં ફેમિલી પરના પ્રતિબંધને હટાવો : જૉન્સન

ડિસેમ્બરમાં ઇંગ્લૅન્ડની ટીમ ઍશિઝ માટે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ટી૨૦ વર્લ્ડ કપ બાદ ટીમ તરત જ ઑસ્ટ્રેલિયાના બોયો-બબલમાં પ્રવેશશે. માનસિક થાક ઓછો થાય એ માટે ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ પરિવારને સાથે લઈ જવાની માગણી કરી હતી, પરંતુ કોરોનાના કડક નિયમોને કારણે ઑસ્ટ્રેલિયાની સરકારે આ માગણીને નકારી કાઢી હતી. ઇંગ્લૅન્ડના વડા પ્રધાન બોરિસ જૉન્સને આ મામલે મધ્યસ્થી કરતાં વૉશિંગ્ટન ડીસીમાં એક મીટિંગ દરમ્યાન ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિસન સમક્ષ આ મામલે વાતચીત કરી હતી. જૉનસને કહ્યું હતું કે આ મામલે કોઈ ઉકેલ લાવવા માટે તેમણે વચન આપ્યું છે. ખેલાડીઓ ક્રિસમસના તહેવાર દરમ્યાન પણ પોતાના પરિવારથી દૂર હોય એ ઘણું મુશ્કેલ છે. ઍશિઝની પહેલી ટેસ્ટ ૮ ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં શરૂ થશે. 

ઓડિશામાં રમાશે મેન્સ જુનિયર હૉકી વર્લ્ડ કપ 

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે કહ્યું કે ૨૪ નવેમ્બરથી પાંચમી ડિસેમ્બર સુધી ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ઇન્ટરનૅશનલ હૉકી ફેડરશનનો મેન્સ જુનિયર હૉકી વર્લ્ડ કપ રમાશે. 

આર્ચરીમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાની તક

છ વખત ફાઇનલમાં પહોંચ્યા છતાં ભારતીય ટીમ એક પણ વખત વર્લ્ડ આર્ચરી ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી શકી નથી. અમેરિકાના સાઉથ ડકોટામાં ચાલી રહેલી સ્પર્ધામાં ભારતની કમ્પાઉન્ડ વિમેન ટીમ અને મિક્સ્ડ ટીમ ફાઇનલમાં પહોંચી છે અને દેશ માટે એ પહેલી વખત આજે ગોલ્ડ મેડલ જીતવાનો પ્રયાસ કરશે. 

sports news sports cricket news new zealand mumbai pakistan imran khan