News In Short : હવે બોલરો માત્ર વર્ચ્યુઅલ બોલિંગ મશીન બની ગયા છે: ઇયાન ચૅપલ

22 November, 2021 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘વધુ ને વધુ સારાં બૅટ અને ટૂંકી બાઉન્ડરી-લાઇનોએ મોટા ભગના બોલરોની કરીઅરને જોખમમાં મૂકી દીધી’

હવે બોલરો માત્ર વર્ચ્યુઅલ બોલિંગ મશીન બની ગયા છે : ઇયાન ચૅપલ

ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-લેજન્ડ ઇયાન ચૅપલનું કહેવું છે કે વધુ ને વધુ સારાં બૅટ તથા ટૂંકી બાઉન્ડરી-લાઇનના વિચિત્ર સંયોજનને કારણે આજના ક્રિકેટમાં બોલર માત્ર એક વર્ચ્યુઅલ બોલિંગ-મશીન બનીને રહી ગયો છે.
આવું જણાવીને ચૅપલે ક્રિકેટના રખેવાળ ગણાતા શાસકોને કહ્યું છે કે ટી૨૦ ક્રિકેટમાં રમત અને મનોરંજન વચ્ચે સમતુલા જળવાઈ રહે એની તકેદારી તમારે રાખવી જ રહી.
ચૅપલે બીજા શબ્દોમાં કહ્યું કે વહીવટકારોએ બૅટ અને બૉલ વચ્ચે યોગ્ય સમતુલા જળવાય અને ક્રિકેટરસિકો સુધી ક્રિકેટનાં ખરાં મૂલ્યો પહોંચે એ જોવાની તમારી જવાબદારી છે. ચૅપલે એક કૉલમમાં લખ્યું છે કે ‘જો કોઈ બોલરનો ખરાબ બૉલ પડે અને એમાં બૅટર જોરદાર ફટકો લગાવીને બૉલ કોઈ સ્ટૅન્ડમાં મોકલી દે તો સમજી શકાય, પણ બૅટરના મિસ-હિટ (ખરાબ શૉટ)માં પણ જો બૉલ બાઉન્ડરી-લાઇનને પાર જાય તો બોલરને ગુસ્સો આવે એ સમજી શકાય એવી બાબત છે. આ બાબત અને માત્ર બોલિંગ-મશીન બની રહેવા જેવી હાલત સારા બોલરની કરીઅરને બગાડી શકે.’

ચાહર, ઈશાનને સાઉથ આફ્રિકા મોકલવામાં આવશે

ન્યુ ઝીલૅન્ડ સામે ગઈ કાલે કલકત્તામાં ત્રીજી ટી૨૦ રમનાર પેસ બોલર દીપક ચાહર અને વિકેટકીપર ઈશાન કિશનને હવે સાઉથ આફ્રિકા મોકલવામાં આવશે, જ્યાં તેઓ ઇન્ડિયા ‘અે’ ટીમ વતી ચાર દિવસની ત્રણ ટેસ્ટ-મૅચ રમશે. ચાહર અને ઈશાન ૨૩ નવેમ્બરે ટીમ સાથે સાઉથ આફ્રિકા જશે. એવું મનાય છે કે ઈશાનને મોકલવા પાછળનો હેતુ એ જ છે કે ચેતન શર્માની સિલેક્શન કમિટીએ ઇન્ડિયા ‘એૅ ટીમમાં ભૂલથી એક જ વિકેટકીપર રેલવેના ઉપેન્દ્ર યાદવનો સમાવેશ કર્યો હતો. ગુજરાતનો પ્રિયાંક પંચાલ ઇન્ડિયા ‘એ’ ટીમનો કૅપ્ટન છે.

મુશ્તાક અલી ટી૨૦માં આજે તામિલનાડુ અને કર્ણાટકની ફાઇનલ

પાટનગર દિલ્હીમાં આજે સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટુર્નામેન્ટમાં તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે ફાઇનલ રમાશે. પહેલી સેમી ફાઇનલમાં તામિલનાડુએ હૈદરાબાદને ૩૪ બૉલ બાકી રાખીને ૮ વિકેટના માર્જિનથી આસાનીથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તામિલનાડુના પેસ બોલર પી. સર્વણાકુમારની પાંચ વિકેટને કારણે હૈદરાબાદની ટીમ માત્ર ૯૦ રનમાં ઑલઆઉટ થઈ ગયા બાદ તામિલનાડુએ ૧૪.૨ ઓવરમાં બે વિકેટે ૯૨ રન બનાવી લીધા હતા, જેમાં કૅપ્ટન વિજયશંકરના અણનમ ૪૩ રન હતા. બીજી સેમી ફાઇનલમાં કર્ણાટકે રોહન કદમના ૮૭ અને મનીષ પાન્ડેના ૫૪ રનની મદદથી ૭ વિકેટે ૧૭૬ રન બનાવ્યા બાદ વિદર્ભને ૬ વિકેટે ૧૭૨ રન સુધી સીમિત રાખીને ચાર રનથી મૅચ જીતી લીધી હતી.

આઇએસએલમાં આજે પ્રથમ મૅચ મુંબઈ-ગોવા વચ્ચે

ભારતીય ફુટબૉલની ટોચની પ્રોફેશનલ ટુર્નામેન્ટ ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)માં આજે પ્રારંભિક અને હાઈ-વૉલ્ટેજ મૅચ ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ સિટી એફસી અને એફસી ગોવા વચ્ચે રમાશે. મડગાંવથી મળેલા અહેવાલ મુજબ બન્ને ટીમે એકમેક સામે ૧૮ વાર મુકાબલા કર્યા છે જેમાં મુંબઈ પાંચ વાર અને ગોવા સાત વાર વિજેતા બન્યું છે તેમ જ છ મૅચ ડ્રૉમાં પરિણમી છે. ગઈ સીઝનમાં ચોથા નંબર પર આવેલી ગોવાની ટીમે પોતાના મોટા ભાગના મુખ્ય ખેલાડીઓને રીટેન કર્યા છે.

cricket news sports sports news australia