News in Short: લાહોરમાં ન્યુ ઝીલૅન્ડને ઐતિહાસિક ટેસ્ટ જિતાડનાર બ્રુસ મરેનું નિધન

11 January, 2023 02:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાઇટ-હૅન્ડ ઓપનિંગ બૅટર બ્રુસ ૧૯૬૮થી ૧૯૭૧ દરમ્યાન ૧૩માંથી ૭ ટેસ્ટ ભારત સામે રમ્યા હતા.

બ્રુસ મરે

લાહોરમાં ન્યુ ઝીલૅન્ડને ઐતિહાસિક ટેસ્ટ જિતાડનાર બ્રુસ મરેનું નિધન

ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ઓપનર બ્રુસ મરેનું અવસાન થયું છે. તેઓ ૮૨ વર્ષના હતા. રાઇટ-હૅન્ડ ઓપનિંગ બૅટર બ્રુસ ૧૯૬૮થી ૧૯૭૧ દરમ્યાન ૧૩માંથી ૭ ટેસ્ટ ભારત સામે રમ્યા હતા. લાહોરમાં પાકિસ્તાન સામે પહેલા દાવમાં તેમણે જે ૯૦ રન બનાવ્યા હતા એ રેકૉર્ડ-બુકમાં આવી ગયા છે. કારણ એ છે કે તેમના એ ૯૦ રનની મદદથી ન્યુ ઝીલૅન્ડ પહેલી જ સિરીઝ-વિજય મેળવી શકી હતી. 

શેફાલીએ ભારતને વૉર્મ-અપ મૅચ જિતાડી આપી

આ અઠવાડિયે સાઉથ આફ્રિકામાં શરૂ થનારા સૌપ્રથમ વિમેન્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં સોમવારે ભારતે વૉર્મ-અપ મૅચમાં ઑસ્ટ્રેલિયાને ૧૮ રનથી હરાવ્યું હતું. ભારતે રિશિતા બાસુના ૨૮ રનની મદદથી ૮ વિકેટે ૯૭ રન બનાવ્યા હતા. મુંબઈની વાગડ સમાજની હર્લી ગાલાએ એક ફોરની મદદથી ૭ રન બનાવ્યા હતા. કૅપ્ટન શેફાલી વર્મા ૧૦ રનની નબળી ઇનિંગ્સ બાદ બોલિંગમાં ચમકી હતી. તેણે ૮ રનમાં ત્રણ વિકેટ તથા પાર્શ્વી ચોપડાએ ૧૪ રનમાં બે વિકેટ લીધી હતી, જેને કારણે હરીફ ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટે માત્ર ૭૯ રન બનાવી શકી હતી. આજે ભારતની બંગલાદેશ સામે વૉર્મ-અપ મૅચ છે.

ઑસ્ટ્રેલિયાની ગાર્ડનર વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થ

ઑસ્ટ્રેલિયાની ઑફ-સ્પિન ઑલરાઉન્ડર ડિસેમ્બર ૨૦૨૨ માટેનો આઇસીસી વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીતી છે. તાજેતરમાં ભારતમાં ટી૨૦ સિરીઝમાં તેણે ઑસ્ટ્રેલિયાને વિજેતા બનાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. એ પર્ફોર્મન્સને લીધે તે અત્યારે વિમેન્સ ટી૨૦ ઑલરાઉન્ડર્સના રૅન્કિંગ્સમાં મોખરે છે. તેણે ભારત સામેની શ્રેણીમાં ૧૬૬.૬૬ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ ૧૧૫ રન બનાવ્યા હતા અને ૭ વિકેટ લીધી હતી. આ પુરસ્કાર માટે ન્યુ ઝીલૅન્ડની સુઝી બેટ્સ અને ઇંગ્લૅન્ડની શાર્લી ડીન પણ રેસમાં હતી. ગાર્ડનર આ અવૉર્ડ મેળવનાર રૅચલ હેઇન્સ, અલીસા હિલી અને તાહલિઆ મૅક્ગ્રા પછીની ચોથી ઑસ્ટ્રેલિયન છે.

ઇંગ્લૅન્ડના હૅરી બ્રુક માટે ડબલ બોનાન્ઝા

ઇંગ્લૅન્ડના યુવાન બૅટર હૅરી બ્રુકે તાજેતરમાં આઇપીએલના પ્લેયર્સ ઑક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો ૧૩.૨૫ કરોડ રૂપિયાનો એક સીઝનનો કૉન્ટ્રૅક્ટ મેળવ્યો ત્યાર બાદ હવે તેણે આઇસીસી મેન્સ પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ પણ જીતી લીધો છે. ડિસેમ્બરમાં તેણે પાકિસ્તાન સામે ત્રણેય ટેસ્ટમાં સદી (૮૭ અને ૧૫૩, ૧૦૮ અને ૯ તેમ જ ૧૧૧) ફટકારી હતી. ઇંગ્લૅન્ડે પાકિસ્તાનનો ૩-૦થી ઐતિહાસિક વાઇટવૉશ કર્યો હતો. બ્રુકને આ પુરસ્કાર માટે બાબર આઝમ અને ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડની હરીફાઈનો સામનો કરવો પડ્યો હતો.

ફ્રાન્સના ફુટબૉલ કૅપ્ટન હ્યુગો લૉરિસની નિવૃત્તિ

કતાર ફુટબૉલ વર્લ્ડ કપની રનર-અપ ટીમ ફ્રાન્સના ૩૬ વર્ષના કૅપ્ટન ગોલકીપર અને ૨૦૧૮ વિશ્વકપના ચૅમ્પિયન ખેલાડી હ્યુગો લૉરિસે ઇન્ટરનૅશનલ ફુટબૉલમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. ફ્રાન્સ વતી ૧૪૫ મૅચ રમનાર લૉરિસ ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ટૉટનમ ક્લબ વતી રમતો રહેશે. તેણે ૨૦૦૮માં ઉરુગ્વે સામે રમીને ફ્રાન્સ વતી ડેબ્યુ કર્યું હતું.

સાઇના અને શ્રીકાંત પહેલા રાઉન્ડમાં હારી ગયાં

ભારતનાં ટોચનાં બે બૅડ્મિન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંત ગઈ કાલે ક્વાલા લમ્પુરની મલેશિયન ઓપનમાં સિંગલ્સની પહેલા જ રાઉન્ડની મૅચમાં હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગયાં છે. સાઇના ચીનની હાન યુઇને જોરદાર લડત આપ્યા પછી ૧૨-૨૧, ૨૧-૧૭, ૧૨-૨૧થી હારી ગઈ હતી. શ્રીકાંતનો જપાનના કેન્તા નિશિમોતો સામે ૧૯-૨૧, ૧૪-૨૧થી પરાજય થયો હતો. જોકે કૉમનવેલ્થ ગેમ્સની બ્રૉન્ઝ મેડલ વિજેતા વિમેન્સ જોડી ત્રિશા જૉલી અને ગાયત્રી પુલેલા ગોપીચંદે હૉન્ગકૉન્ગની યુન્ગ એન્ગા ટિન્ગ તથા યુન્ગ પુઇ લેમની જોડીને ૨૧-૧૯, ૨૧-૧૪થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

sports news sports cricket news test cricket new zealand sunrisers hyderabad indian premier league saina nehwal