News in Short: વાંચો સ્પોર્ટ્સ સંબંધિત તમામ સમાચાર

15 May, 2021 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલ સસ્પેન્ડ થતાં ઇંગ્લૅન્ડ પહોંચી જવા છતાં ગર્લફ્રેન્ડને તેના બર્થ-ડેના દિવસે ન મળી શકવા બદલ ઑલરાઉન્ડર સૅમ કરૅને માફી માગી હતી.

સૅમ કરૅન અને તેની ગર્લફ્રેન્ડ ઇસાબેલા

કરૅને ગર્લફ્રેન્ડને બર્થ-ડે વિશ કરીને માફી માગી
આઇપીએલ સસ્પેન્ડ થતાં ઇંગ્લૅન્ડ પહોંચી જવા છતાં ગર્લફ્રેન્ડને તેના બર્થ-ડેના દિવસે ન મળી શકવા બદલ ઑલરાઉન્ડર સૅમ કરૅને માફી માગી હતી. કરૅનની ગર્લફ્રેન્ડ ઇસાબેલા સાયમન્ડ્સ વિલમોટનો ગઈ કાલે બર્થ-ડે હતો. કરૅન લંડન પહોંચી ગયો છે, પણ પ્રોટોકોલ પ્રમાણે ૧૦ દિવસના કવૉરન્ટીનમાં હોવાથી તેને મળવા નહોતો જઈ શક્યો.એ બદલ માફી માગતાં ટ્વિટર પર દિલની વાત શૅર કરતાં કરૅને લખ્યું હતું, ‘જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા. સૉરી, હું આજે તારી સાથે નથી. આશા કરું કે આજનો તારો દિવસ ખૂબ શાનદાર રહે. તને મળવા માટે ખૂબ જ ઉત્સુક છું. થૅન્ક્યુ ફૉર એવરીથિંગ.’

૫૦ પ્લસ રણજી ખેલાડીઓને સહાય
કોરોનાકાળમાં રાજ્યના ભૂતપૂર્વ રણજી ખેલાડીઓને મદદરૂપ થવા ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિએશન આગળ આવ્યું છે. તેમણે રાજ્યમાં ૫૦ કરતાં વધુ ઉંમરના રણજી ખેલાડીઓને તેમણે રમેલી મૅચ પ્રમાણે એક વખતની સહાય કરવાનું જાહેર કર્યું છે. જાહેરાત પ્રમાણે એકથી પાંચ મૅચ રમનારને ૫૦,૦૦૦, ૬થી ૧૫ મૅચ રમનારને ૭૫,૦૦૦, ૧૬થી ૨૪ મૅચો રમનારને ૧,૦૦,૦૦૦ રૂપિયાની સહાય મળશે. 

ટોક્યો ઑલિમ્પિક્સમાં હવે ૧.૮૦ લાખને બદલે માત્ર ૮૦૦૦૦ અધિકારીઓને પ્રવેશ
ટોક્યો ઑલિમ્પિક્સને આડે હવે માત્ર અઢી મહિના જેટલો સમય રહ્યો છે ત્યારે ઑર્ગેનાઇઝિંગ કમિટીએ ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિક્સ માટે આવતા વિદેશી અધિકારીઓની સંખ્યામાં ૬૦ ટકાનો કાપ મૂકી દીધો છે. આ બન્ને ઇવેન્ટ માટે આશરે ૧ લાખ ૮૦ હજાર અધિકારીઓ આવવાના હતા, પણ હવે માત્ર ૮૦,૦૦૦ જ આવી શકશે. આયોજન  પ્રમાણે લિમ્પિક્સ ૨૪ જુલાઈ અને પૅરલિપિક્સ ૨૪ ઑગસ્ટથી શરૂ થવાની છે. આ ઉપરાંત જપાનમાં કોરોનાનો કેર વધતાં વધુ શહેરોમાં ઇમર્જન્સી જાહેર કરી દીધી છે અને બીજું, ઑલિમ્પિક્સને કૅન્સલ કરવા માટેની માગણી પણ વધી રહી છે. જપાને ભારતથી આવતી ફ્લાઇટ પર બૅન જાહેર કરતાં ભારતીય સંઘ અને ખેલાડીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. 

વર્લ્ડ કપમાં વધુ ટીમને સમાવવાનો ગેમ-પ્લાન ઘડી રહી છે આઇસીસી 
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ટી૨૦ વર્લ્ડ અને વન-ડે વર્લ્ડ કપમાં વધુ ટીમનો સમાવેશ કરીને ક્રિકેટને વધુ દેશોમાં વિસ્તારવાનો ગેમ-પ્લાન તૈયાર કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર ટી૨૦ વર્લ્ડ કપમાં ૧૬ને બદલે ૨૦ ટીમનો સમાવેશ કરવાનો વિચાર ચાલી રહ્યો છે. આ વખતનો ટી૨૦ વર્લ્ડ કપ ઑક્ટોબરમાં ભારતમાં યોજાવાનો છે. જોકે એમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ ૨૦૧૪ના વર્લ્ડ કપથી વધુ ટીમનો સમાવેશ કરવાનો પ્લાન ઘડાઈ રહ્યો છે. બીજું, વન-ડે વર્લ્ડ કપમાં પણ ટીમની સંખ્યા વધી શકે છે. આ પહેલાં ૨૦૧૯ વર્લ્ડ કપમાં ટીમની સંખ્યા ૧૪થી ઘટાડીને ૧૦ કરવામાં આવી હતી. ત્યારે બ્રૉડકાસ્ટર્સને ધ્યાનમાં રાખીને અને મૅચોને વધુ સંઘર્ષમય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ હવે ફરી ૧૪ ટીમને સમાવવાની તૈયારી ચાલી રહી છે. 

cricket news sports news sports ipl 2021 international cricket council