ટૉમ લૅથમની સેન્ચુરીથી ન્યુ ઝીલૅન્ડે કબજે કરી સિરીઝ

24 March, 2021 10:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બંગલા દેશ સામે ફસડાઈ પડેલી કિવી ટીમની નૈયાને લગાવી પાર

ટૉમ લૅથમન

ન્યુ ઝીલૅન્ડ અને બંગલા દેશ વચ્ચે ત્રણ વન-ડે ​મૅચની સિરીઝમાંની બીજી વન-ડે ગઈ કાલે ક્રાઇસ્ટ ચર્ચના ઓવલ મેદાનમાં રમાઈ હતી જે ન્યુ ઝીલૅન્ડે પાંચ વિકેટે જીતી લીધી હતી. આ મૅચ જીતીને તેમણે ૨-૦થી સિરીઝ પણ કબજે કરી લીધી હતી.​ કિવી ટીમ માટે ટૉમ લૅથમે અણનમ ૧૧૦ રન કરીને બંગલા દેશ માટે અપસેટ સરજ્યો હતો, જેને લીધે તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

બંગલા દેશની સરખામણીમાં ન્યુ ઝીલૅન્ડની શરૂઆત નબળી રહી હતી અને તેમણે ૫૩ રનમાં ત્રણ મહત્ત્વની વિકેટ ગુમાવી દીધી હતી. માર્ટિન ગપ્ટિલ ૨૦ રને, હેન્રી નિકોલ્સ ૧૩ રને અને વિલ યંગ માત્ર એક રન કરીને આઉટ થયા હતા. વન-ડાઉન આવેલા ડેવોન કોનવે અને કૅપ્ટન વિકેટકીપર-બૅટ્સમૅન ટૉમ લૅથમે ચોથી વિકેટ માટે ૧૧૩ રનની પાર્ટનરશિપ કરી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. કોનવે ૯૩ બૉલમાં ૭ ચોગ્ગા ફટકારીને રમતો હતો, પણ રનઆઉટ થતાં તેણે પૅવિલિયનભેગા થવું પડ્યું હતું. ત્યાર બાદ જેમ્સ નીશૅમ પણ ૩૦ રન કરીને આઉટ થયો હતો. જોકે એક બાજુ લૅથમ ટીમની ઇનિંગ્સ સંભાળી રાખીને ૧૦૮ બૉલમાં ૧૦ ચોગ્ગા ફટકારી અણનમ ૧૧૦ રનની ઇનિંગ્સ રમ્યો હતો, જેને લીધે ન્યુ ઝીલૅન્ડે ૪૮.૨ ઓવરમાં ૨૭૨ રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

ન્યુ ઝીલૅન્ડે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો, જેમાં બંગલા દેશે બૅટિંગ કરતાં ૬ વિકેટે ૨૭૧ રન કર્યા હતા. બંગલા દેશે લિટન દાસની વિકેટ બીજી જ ઓવરમાં ગુમાવી હતી. જોકે ઓપનર અને કૅપ્ટન તમીમ ઇકબાલે ટીમ માટે સૌથી વધારે ૧૦૮ બૉલમાં ૧૧ ચોગ્ગા ફટકારી ૭૮ રન કર્યા હતા. ત્યાર બાદ પાંચમા ક્રમે આવેલલો મોહમ્મદ મિથુન અણનમ ૭૩ રનની ઑલરાઉન્ડર ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ૫૭ બૉલમાં ૬ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. આ બન્ને પ્લેયરને બાદ કરતાં સૌમ્ય સરકાર અને મુશફિકુર રહિમે અનુક્રમે ૩૨ અને ૩૪ રન કર્યા હતા. સેન્ટનરે સૌથી વધારે બે વિકટે લીધી હતી, જ્યારે ટ્રેન્ટ બોલ્ટ, મૅટ હેન્રી અને કાઇલ જેમિસનને એક-એક વિકેટ મળી હતી.

101 - ગઈ કાલે રમાયેલી બંગલા દેશ સામેની વન-ડે ટૉમ લૅથમના વન-ડે કરીઅરની આટલામી વન-ડે હતી અને સામા પક્ષે ભારત-ઇંગ્લૅન્ડ આટલામી વાર આમને-સામને થયાં હતાં.

42 - બંગલા દેશ અને ન્યુ ઝીલૅન્ડે એકમેકને કુલ આટલા એક્સ્ટ્રા રન આપ્યા હતા, જેમાં ન્યુ ઝીલૅન્ડના ૨૪ અને બંગલા દેશના ૧૭ રન હતા.

સૉફ્ટ સિગ્નલના આઉટની બબાલ

ભારત-​ઇંગ્લૅન્ડ સિરીઝ બાદ ન્યુ ઝીલૅન્ડ-બંગલા દેશની સિરીઝ દરમ્યાન પણ સૉફ્ટ સિગ્નલ આઉટની બબાલ થઈ હતી. વાસ્તવમાં બંગલા દેશની ૧૫મી ઓવરના પાંચમા બૉલ પર તમીમ ઇકબાલે શૉટ ફટકાર્યો હતો. આ ઓવર કાયલ જેમિસન નાખી રહ્યો હતો. તમીમે શૉટ ફટકારતાં હવામાં રહેલો બૉલ કૅચ કરવાનો જેમિસને પ્રયાસ કર્યો હતો. તેણે કૅચ તો પકડી લીધો હતો, પણ તેનો હાથ જમીનને અડી ગયો હતો. ફીલ્ડ અમ્પાયરે તેને સૉફ્ટ સિગ્નલ દ્વારા આઉટ આપ્યો હતો, પણ થર્ડ અમ્પાયરે પછીથી એ કૅચ તપાસવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ તમીમને નૉટઆઉટ આપવામાં આવતાં સૉફ્ટ સિગ્નલ ફરીથી ચર્ચાનો વિષય બન્યું હતું.

sports sports news cricket news bangladesh new zealand