ન્યુ ઝીલૅન્ડની ડબલ ડેબ્યુ સેન્ચુરીથી ક્લીન સ્વીપ

27 March, 2021 02:25 PM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

ડેવોન કોનવે અને ડેરિલ મિચલની સેન્ચુરી કિવી ટીમને ફળી: બોલરો જેમ્સ નીશૅમ અને મૅટ હેનરીનો તરખાટ પણ કારગત નીવડ્યો

વિજેતા ટ્રોફી સાથે ન્યુ ઝીલૅન્ડની ટીમ. (તસવીર: પી.ટી.આઇ.)

વેલિંગ્ટનમાં ન્યુ ઝીલૅન્ડ અને બંગલા દેશ વચ્ચે ગઈ કાલે ત્રણ વન-ડે મૅચની સિરીઝમાંની ત્રીજી અને અંતિમ વન-ડે રમાઈ હતી જેમાં ન્યુ ઝીલૅન્ડે બંગલા દેશને ૧૬૪ રનના વિશાળ માર્જિનથી મહાત આપીને સિરીઝમાં ક્લીન સ્વીપ આપી હતી. ન્યુ ઝીલૅન્ડે ૬ વિકેટે બનાવેલા ૩૧૮ રન સામે બંગલા દેશ ૪૨.૪ ઓવરમાં ૧૫૪ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ડેવોન કોનવેને પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

ન્યુ ઝીલૅન્ડ પાસેથી મળેલા ૩૧૯ રનના ટાર્ગેટને હાંસલ કરવા ઊતરેલા બંગલા દેશે નબળી શરૂઆત કરતાં સતત વિકેટ ગુમાવી હતી. પહેલી વિકેટ ૧૦ રને ગુમાવ્યા બાદ મિડલ ઑર્ડરમાં આવેલા એકમાત્ર મહમુદુલ્લાહ સારી ફાઇટ આપતાં ૭૩ બૉલમાં ૬ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકારી અણનમ ૭૬ રનની ​ઇનિંગ્સ રમ્યો હતો. તેને બાદ કરતાં ટીમનો કોઈ ખેલાડી ૨૫ રનનો આંકડો પારી કરી શક્યો નહોતો અને આઠ પ્લેયર એકઅંકી સ્કોરમાં આઉટ થયા હતા. જેમ્સ નીશૅમે સૌથી વધારે પાંચ વિકેટ, જ્યારે મૅટ હેનરીએ ચાર વિકેટ લીધી હતી. કાયલ જેમિસનને એક વિકેટ મળી હતી.

ન્યુ ઝીલૅન્ડે ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. માર્ટિન ગપ્ટિલ ૨૬, હેનરી નિકોલ્સ ૧૮ અને રૉસ ટેલર ૭ રને આઉટ થયા બાદ વન-ડાઉન પ્લેયર ડેવોન કોનવે અને ટૉમ લૅથમ વચ્ચે ચોથી વિકેટ માટે ૬૩ રનની ભાગીદારી થઈ હતી. લૅથમ ૧૮ રન કરી આઉટ થયો હતો અને ત્યાર બાદ પાંચમી વિકેટ માટે કોનવે અને ​ડેરિલ મિચલ વચ્ચે ૧૫૯ રનની જબરદસ્ત ભાગીદારી થઈ હતી. કોનવેએ ૧૧૦ બૉલમાં ૧૭ ચોગ્ગા ફટકારી ૧૨૬ બનાવી પોતાની ડેબ્યુ સિરીઝમાં પહેલી વન-ડે સેન્ચુરી ફટકારી હતી. ડેરિલ મિચલ પણ આ પરાક્રમ કરવામાં સફળ રહ્યો હતો. તેણે ડેબ્યુ વન-ડે સિરીઝની પહેલી અણનમ વન-ડે સેન્ચુરી ૯૨ બૉલમાં ૯ ચોગ્ગા અને બે સિક્સર ફટકારીને પૂરી કરી હતી. નસીબજોગે મૅચના છેલ્લા બૉલમાં રનઆઉટ થતાં બચી ગયો હતો અને પોતાની પહેલી સેન્ચુરી કરવામાં સફળ રહ્યો હતો. રુબેલ હુસેને સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી.

બન્ને દેશ વચ્ચે હવે ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ આવતી કાલથી શરૂ થશે. પહેલી મૅચ હેમિલ્ટનમાં રમાશે. ત્યાર બાદ બીજી અને ત્રીજી ટી૨૦ ૩૦ માર્ચ અને પહેલી એપ્રિલે અનુક્રમે નેપિયર અને ઓકલૅન્ડમાં રમાશે.

sports sports news cricket news new zealand bangladesh