કોન્વેની સદીને લીધે ન્યુ ઝીલૅન્ડ મજબૂત સ્થિતિમાં

02 January, 2022 02:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ સામેની પહેલી ટેસ્ટમાં પહેલા દિવસે પાંચ વિકેટે ફટકાર્યા ૨૫૮ રન

ડેવોન કોન્વે

ડેવોન કોન્વેની સદી તેમ જ યુવા ખેલાડી વિલ યંગની અર્ધ-સદીને કારણે ન્યુ ઝીલૅન્ડે બંગલાદેશ સામે ગઈ કાલથી માઉન્ટ માઉંગાનુઈના મેદાનમાં બંગલાદેશ સામે શરૂ થયેલી પહેલી ટેસ્ટના પહેલા દિવસે કૅપ્ટન ટૉમ લૅથમની વિકેટ ગુમાવ્યા છતાં પાંચ વિકેટે ૨૫૮ રન બનાવી લીધા હતા. ચોથી ઓવરમાં કૅપ્ટન લૅથમની વિકેટ ગુમાવ્યા છતાં કોન્વે (૧૨૨) અને યંગ (૫૨)ની ૧૩૮ રનની પાર્ટનરશિપને કારણે ન્યુ ઝીલૅન્ડનો પહેલાં બે સેશનમાં દબદબો રહ્યો હતો.
કોન્વેએ પોતાની પહેલી જ ટેસ્ટમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી અને ગઈ કાલે ચોથી ટેસ્ટમાં તેણે બીજી સદી ફટકારી છે. ટૉસ જીતીને બંગલાદેશના કૅપ્ટન મોમિનુલ હકે યજમાન ટીમને બૅટિંગ આપી હતી. શોરિફુલ ઇસ્લામે વિકેટકીપર લિટન દાસના હાથમાં લૅથમને કૅચઆઉટ કરાવીને ટીમને પહેલી સફળતા અપાવી હતી. લંચ સુધી ટીમે ૧ વિકેટ ગુમાવીને ૬૬ રન કર્યા હતા. બન્ને બૅટરોએ બોલરોને કોઈ તક ન આપતાં કૅપ્ટનનો પહેલાં ફીલ્ડિંગ પસંદ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. સિંગલ રન લેવાની ઉતા‍વળમાં યંગ રનઆઉટ થયો હતો. ત્યાર બાદ રૉસ ટેલર રમવા ઊતર્યો હતો. દરમ્યાન કોન્વેએ પોતાની બીજી ટેસ્ટ સેન્ચુરી પૂર્ણ કરી હતી. ટેલરને શાદમાન ઇસ્લામે ૩૧ રનમાં આઉટ કર્યો હતો. કોન્વેની વિકેટ મોમિનુલે લીધી હતી. એબીદોટ હૌસેને ટૉમ બ્લન્ડેલની વિકેટ લીધી હતી. હેન્રી નિકોલસ ૩૨ રને નૉટઆઉટ હતો.  

sports sports news cricket news test cricket new zealand bangladesh