28 November, 2026 01:02 PM IST | Christchurch | Gujarati Mid-day Correspondent
ફાસ્ટ બોલર આકાશ દીપ અન્ય સાથી પ્લેયર્સ સાથે વિકેટની ઉજવણી કરતો જોવા મળ્યો
ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલના મેદાનમાં ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની બીજી અને નિર્ણાયક મૅચ શરૂ થઈ હતી. ટૉસ હારીને પ્રથમ બૅટિંગ કરનાર ન્યુ ઝીલૅન્ડે પહેલા દિવસે ત્રણ ફિફ્ટી પ્લસ રનની મદદથી ૮૫ ઓવરમાં ૨૪૬-૫નો સ્કોર કર્યો હતો. કિવી ટીમે પ્રથમ સેશનમાં ૧ વિકેટ ગુમાવીને ૭૭ રન, બીજા સેશનમાં ૩ વિકેટ ગુમાવીને ૫૪ રન અને ત્રીજા સેશનમાં ૧ વિકેટ ગુમાવીને ૧૧૫ રન કર્યા હતા.
કિવી ઓપનર્સે ૨૬ ઓવરમાં ૭૭ રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. કૅપ્ટન ટૉમ લૅધમે ૧૨૮ બૉલમાં ૬ ફોરની મદદથી ૫૯ રનની સંયમવાળી ઇનિંગ્સ રમી હતી. ડેવોન કૉન્વેએ ૭૯ બૉલમાં ૪ ફોરની મદદથી ૩૧ રન કર્યા હતા.
હેન્રી નિકોલ્સ ૪૬ બૉલમાં ૧૬ રન અને રચિન રવીન્દ્ર ૯ બૉલમાં એક પણ રન કર્યા વગર તંબુભેગા થયા હતા. ૪૪મી ઓવરના અંતે કિવી ટીમનો સ્કોર ૧૧૦-૪નો હતો.
અહીથી પાંચમી વિકેટ માટે ૭૪ રન અને છઠ્ઠી વિકેટ માટે અણનમ ૬૨ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. ૫૦મી ટેસ્ટ-મૅચ રમી રહેલા વિકેટકીપર બૅટર ટૉમ બ્લન્ડેલે ૧૧૭ બૉલમાં ૬ ફોરની મદદથી અણનમ ૫૩ રન કર્યા હતા. તે આ બન્ને ભાગીદારીમાં સામેલ રહ્યો હતો.
પાંચમા ક્રમે રમવા આવેલા ડૅરિલ મિચલે ૭૪ બૉલમાં ૪ ફોરની મદદથી ૩૧ રન કર્યા હતા. સાતમા ક્રમે રમવા આવેલો ગ્લેન ફિલિપ્સ ૬૪ બૉલમાં પાંચ ફોર ફટકારીને ૩૬ રને નૉટઆઉટ રહ્યો હતો.
પહેલી ૬૦ ઓવરમાં સતત ફાસ્ટ બોલર્સ પાસે બોલિંગ કરાવનાર ભારતીય ટીમ માટે આકાશ દીપે ૨૧ ઓવરમાં બાવન રન આપીને બે વિકેટ લીધી હતી.બૅક-ટુ-બૅક ઓવરમાં તેની વિકેટને કારણે ૪૧.૩થી ૪૪મી ઓવર દરમ્યાન ન્યુ ઝીલૅન્ડે ૧૧૦ રનના સ્કોર પર એક સાથે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અશુંલ કમ્બોજ, ગુરનૂર બરાડ અને વૉશિંગ્ટન સુંદરે ૧-૧ વિકેટ લીધી હતી. મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ૧૯ ઓવરમાં ૩૭ રન આપીને વિકેટલૅસ રહ્યો હતો.
જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગ ઍક્શનમાં ફેરફાર કર્યો
બીજી ટેસ્ટ-મૅચમાં વર્લ્ડ નંબર ટૂ ટેસ્ટ-બોલર જસપ્રીત બુમરાહે તેના બોલિંગ રન-અપમાં મોટો ફેરફાર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સામાન્ય રીતે બુમરાહ બૉલને બન્ને હાથથી પકડી રાખે છે અને બૉલ ફેંકતી વખતે જ બન્ને હાથ અલગ કરે છે. જોકે ગઈ કાલે તે રન-અપની શરૂઆતથી જ બૉલને જમણા હાથમાં પકડીને અને બન્ને હાથ અલગ રાખીને દોડતો જોવા મળ્યો હતો.
ફાસ્ટ બોલર આકાશ દીપે કહ્યું કે ‘જો જસપ્રીત બુમરાહ કંઈક કરી રહ્યો છે તો એની પાછળ ચોક્કસ કોઈ મજબૂત કારણ હશે. હું તેના પર કમેન્ટ કરનારો કોણ? તે મૅચ પહેલાં પણ પ્રૅક્ટિસ દરમ્યાન આ પ્રકારની બોલિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. કદાચ તેના મનમાં કોઈ ચોક્કસ યોજના છે એના કારણે તે આવું કરી રહ્યો છે.’
સંજય માંજરેકરના ૩૨ વર્ષ જૂના રેકૉર્ડની બરાબરી કરી યશસ્વી જાયસવાલે
ગઈ કાલે ભારતના ઓપનર યશસ્વી જાયસવાલે ડેબ્યુ પછી અલગ અલગ મેદાનમાં સૌથી વધુ સળંગ ૩૩ ટેસ્ટ-મૅચ રમવાના વિશ્વ રેકૉર્ડની બરાબરી કરી હતી.યશસ્વીએ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ-મૅચમાં પોતાની ૩૩મી ટેસ્ટ-મૅચમાં આ સિદ્ધિ મેળવી હતી.
ભારત માટે ૩૭ ટેસ્ટ-મૅચ રમનાર મુંબઈના ભૂતપૂર્વ ડોમેસ્ટિક પ્લેયર સંજય માંજરેકરે ૧૯૮૭થી ૧૯૯૪ દરમ્યાન દિલ્હીથી મોહાલી સુધી સતત ૩૩ મેદાનો પર પોતાની પહેલી ૩૩ ટેસ્ટ-મૅચ રમી હતી. યશસ્વીએ ૩૨ મેદાનનો રેકૉર્ડ ધરાવતા સચિન તેન્ડુલકરને પાછળ છોડીને ૩૨ વર્ષ જૂના આ રેકૉર્ડની બરાબરી કરી છે.
WTCની વર્તમાન સીઝનનો ટૉપ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ટેસ્ટ-મૅચ રમ્યા વગર ટૂરથી પરત ફરશે
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ન્યુ ઝીલૅન્ડમાં સતત બીજી ટેસ્ટ-મૅચમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. ડિસેમ્બર ૨૦૨૦થી ટેસ્ટ-ક્રિકેટ રમી રહેલા મોહમ્મદ સિરાજને પહેલી વખત વિદેશી ટેસ્ટ-સિરીઝમાં એક પણ મૅચ રમવાની તક મળી નથી. વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની વર્તમાન સીઝનમાં મોહમ્મદ સિરાજ ભારતનો નંબર વન બોલર છે. તેણે માત્ર ૧૧ ટેસ્ટ-મૅચમાં ૪૩ વિકેટ લીધી છે.
ક્રાઇસ્ટચર્ચમાં ટેસ્ટ-મૅચ શરૂ થવાની હતી એ પહેલાં મોહમ્મદ સિરાજ ઇમોશનલ જોવા મળ્યો હતો.ટ્રેઇનિંગ સમયે આંખ પર બ્લૅક ગૉગલ્સ પહેરીને મોહમ્મદ સિરાજ પોતાની ભીની આંખો છુપાડતો જોવા મળ્યો હતો. ન્યુ ઝીલૅન્ડની વર્તમાન ટૂર પર મોહમ્મદ સિરાજે એક અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ રમીને ૪ વિકેટ લીધી હતી અને એક વન-ડે મૅચ રમીને બે વિકેટ લીધી હતી.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ફરી એક વખત મુસ્લિમ ધર્મને કારણે રમવાની તક નથી મળી રહી એવી ચર્ચા શરૂ થઈ છે. હર્ષા ભોગલે સહિતના કૉમેન્ટેટર્સ મોહમ્મદ સિરાજને સતત અવગણનાને અન્યાય ગણાવી રહ્યા છે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં નંબર વન કિવી બૅટર બન્યો ટૉમ લૅધમ
વેલિંગ્ટન ટેસ્ટ-મૅચમાં બે વખત ઝીરો પર આઉટ થયા પછી ગઈ કાલે કૅપ્ટન ટૉમ લૅધમે ૧૨૮ બૉલમાં ૫૯ રનની સંયમવાળી ઇનિંગ્સ રમી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ઇતિહાસમાં ન્યુ ઝીલૅન્ડ માટે ટૉમ લૅધમ સૌથી વધુ રન કરનાર બૅટર બન્યો છે. ટૉમ લૅધમે ૪૭ મૅચોમાં ૩૦૩૮ રન કર્યા છે.અગાઉ કેન વિલિયમસને ૨૦૧૯થી ટીમ માટે ૩૨ મૅચમાં ૩૦૨૫ રન કર્યા હતા.
જોકે ટેસ્ટ-ક્રિકેટમાં ભૂતપૂર્વ ક્રિકેટર કેન વિલિયમસન ૧૧૦ મૅચમાં ૯૫૧૫ રન સાથે નંબર વન કિવી બૅટર છે. આ લિસ્ટમાં ટૉમ લૅધમ ૯૭ ટેસ્ટ-મૅચમાં ૬૫૯૨ રન કરીને ચોથા ક્રમે પહોંચ્યો છે. ૧૦૧ મૅચમાં ૬૪૫૩ રન કરનાર બ્રેન્ડન મૅક્લમ પાંચમા ક્રમે સરકી ગયો છે.
૬ ફુટ પાંચ ઇંચના ગુરનૂર બરાડને ભારતની ૩૨૧ નંબરની ટેસ્ટ-કૅપ મળી
૨૬ વર્ષના ફાસ્ટ બોલર ગુરનૂર બરાડે ગઈ કાલે ભારત તરફથી ટેસ્ટ-કરીઅર શરૂ કરી હતી. જસપ્રીત બુમરાહે ગુરનૂર બરાડને ૩૨૧ નંબરની ટેસ્ટ-કૅપ આપી હતી.
પંજાબના ગુરનૂર બરાડે શુભમન ગિલની આગેવાનીમાં પાંચ મહિનાની અંદર વન-ડે અને ટેસ્ટ-ફૉર્મેટમાં ડેબ્યુ કરી લીધું છે. ભારત માટે તેણે ૧૩ જૂને વન-ડે ક્રિકેટથી ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. ૧૩ વન-ડે મૅચમાં તેણે ૨૩ વિકેટ લીધી હતી. તે બાવીસ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ-મૅચમાં ૭૧ વિકેટ લઈ ચૂક્યો છે.
ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને બદલે ગુરનૂર બરાડને બીજી ટેસ્ટ-મૅચ રમવા મળી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ પહેલી ટેસ્ટ-મૅચમાં પ્રથમ ઇનિંગ્સમાં ૧૦૦ રન આપીને ૧ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ૨૩ રન આપીને બે વિકેટ લીધી હતી.
એક જ સ્કોર પર બીજી, ત્રીજી અને ચોથી વિકેટ નવમી વખત ગુમાવી ન્યુ ઝીલૅન્ડ
ન્યુ ઝીલૅન્ડની ટીમે ૧૧૦ રનના સ્કોર પર બીજી, ત્રીજી અને ચોથી વિકેટ ગુમાવી દીધી હતી.ટેસ્ટ-ક્રિકેટમાં ન્યુ ઝીલૅન્ડ સાથે ઓવરઑલ નવમી વખત આવી ઘટના બની છે જ્યાં ટીમે એક જ સ્કોર પર બીજી, ત્રીજી અને ચોથી વિકેટ ગુમાવી હોય.છેલ્લે ૨૦૧૮માં દુબઈમાં પાકિસ્તાન સામે કિવી ટીમે ૬૧ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી હતી.
ભારત સામે આવી ઘટના પાંચમી વખત બની છે.છેલ્લે ૨૦૧૯માં ભારત સામે વેસ્ટ ઇન્ડીઝ ૧૩ રનના સ્કોર પર જસપ્રીત બુમરાહની હૅટ-ટ્રિકને કારણે બીજી, ત્રીજી અને ચોથી વિકેટ ગુમાવી દીધી હતી.