ટ્રેન્ટ બોલ્ટ માટે ફૅમિલી ફર્સ્ટ

11 August, 2022 03:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વન-ડેના નંબર-વન બોલરે પત્ની, ત્રણ બાળકોને વધુ સમય આપવા સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ જતો કર્યો

ટ્રેંન્ટ બોલ્ટ અને ગેર્ટ સ્મિથ

ઘણા સમયથી વન-ડેના બોલર્સના આઇસીસી રૅન્કિંગમાં મોખરાનું સ્થાન ધરાવતા ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પરિવારને વધુ સમય આપી શકે તેમ જ ટી૨૦ લીગ ટુર્નામેન્ટો માટે વધુ સમય ફાળવી શકે એ માટે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડ સાથેનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ જતો કર્યો છે.

૩૩ વર્ષનો બોલ્ટ આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રૉયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમી ચૂક્યો છે.

વન-ડેના બોલર્સમાં બોલ્ટ નંબર-વન અને જસપ્રીત બુમરાહ નંબર-ટૂ છે.

બોલ્ટ અને ગેર્ટ સ્મિથે પાંચ વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. તેમને ત્રણ બાળક છે. બોલ્ટે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ જતો કર્યો છે, પણ તેને આગામી ઑક્ટોબરના ટી૨૦ વર્લ્ડ કપ માટેની ટીમમાં સિલેક્ટ કરવામાં આવશે એની પાકી સંભાવના છે. બોલ્ટે ગઈ કાલે જણાવ્યું, ‘મેં પત્ની ગેર્ટ અને અમારાં ત્રણ સંતાનો માટે આ નિર્ણય લીધો છે. મારું ફૅમિલી મારા માટે હંમેશાં મૉટિવેટર બન્યું છે. હું જાણું છું કે હું ફાસ્ટ બોલર છું એટલે મારી કરીઅર બહુ લાંબી નહીં હોય, પરંતુ મારે મારા દેશ વતી હજી ઘણું રમવું છે.’

વન-ડે રમવાનું છોડી દેશે?

ક્રિકેટની કરીઅર લંબાવવા તેમ જ વધુ ને વધુ ટી૨૦ લીગ ટુર્નામેન્ટમાં રમી શકાય એ હેતુથી છેલ્લા થોડા મહિના દરમ્યાન કેટલાક ખેલાડીઓએ વન-ડે રમવાનું યા તો છોડી દીધું છે અથવા એને તિલાંજલિ આપવાનો સંકેત આપી દીધો છે. ટ્રેન્ટ બોલ્ટ હવે આવનારા મહિનાઓમાં બહુ જ ઓછી મૅચો રમશે એ તો નક્કી જણાય છે. તેણે ૧૧ વર્ષની કરીઅરમાં ૯૩ વન-ડેમાં ૧૬૯ વિકેટ લીધી છે. ૭૮ ટેસ્ટમાં તેની ૩૧૭ વિકેટ અને ૪૪ ટી૨૦ મૅચમાં ૬૨ વિકેટ છે.

sports news sports cricket news new zealand t20 international