ક્રિકેટરો હોટેલમાં જ રહ્યા, પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ ન મળ્યો અને પછી સિરીઝ રદ થયાનો આંચકો આવ્યો

18 September, 2021 01:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડે પાકિસ્તાનમાં પ્રથમ વન-ડેની થોડી મિનિટો પહેલાં અચાનક અસલામતીના કારણસર ટૂર રદ કરી નાખી

રાવલપિંડીમાં ગઈ કાલે પાકિસ્તાનની ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ વન-ડે રમાવાની હતી, પણ આખી ટૂર જ કૅન્સલ થતાં પોલીસ તંત્ર અને વહીવટકારો સહિત તમામની પૂર્વતૈયારીની મહેનત પાણીમાં ગઈ હતી. (તસવીર : એ.એફ.પી.)

રાવલપિંડીમાં ન્યુ ઝીલૅન્ડ ગઈ કાલે પાકિસ્તાન સામેની ત્રણ મુકાબલાવાળી વન-ડે સિરીઝની પ્રથમ મૅચ રમવાનું હતું, પરંતુ મૅચના ગણતરીના કલાકો પહેલાં કિવી ટીમે પોતાની સરકારના આદેશો તેમ જ પોતાના સલામતી સલાહકારોની સૂચનાને ધ્યાનમાં લઈને આખી ટૂર રદ કરી હતી. આ પ્રવાસમાં પાંચ ટી૨૦ મૅચો પણ રમાવાની હતી. હવે ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટરો પાકિસ્તાનમાંથી રવાના થવાની તૈયારીમાં છે.

ન્યુ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા આવી હોય એવો પોણાબે દાયકા પછીનો આ પહેલો જ બનાવ હતો, પરંતુ એ પણ શક્ય ન થયું. છેલ્લે કિવીઓ પાકિસ્તાનમાં ૨૦૦૩ની સાલમાં વન-ડે રમ્યા હતા અને સિરીઝ ૦-૫થી હાર્યા હતા. ત્યાર બાદ કિવીઓ અને પાકિસ્તાનની સિરીઝો ન્યુ ઝીલૅન્ડમાં અથવા યુએઇમાં રમાઈ હતી.

ગઈ કાલે બન્ને દેશ વચ્ચેની પહેલી વન-ડે શ્રેણીનો દિવસ હતો, પરંતુ સવારે બેઉ ટીમના ખેલાડીઓ હોટેલમાં જ રહ્યા હતા અને સ્ટેડિયમમાં પ્રેક્ષકોને નહોતા આવવા દેવાયા. આનું કારણ એ હતું કે પાકિસ્તાનમાં સલામતી સામે ખતરો હોવાના કારણસર કિવીઓ ટૂર શરૂ જ નહોતા કરવા માગતા.

પીસીબીને અભૂતપૂર્વ ફટકો

ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડના ચીફ ડેવિડ વાઇટે એવું નિવેદન બહાર પાડ્યું હતું કે ‘અમને નવેસરથી જે સૂચના મળી છે એને જોતાં અમે ટૂર ચાલુ રાખી શકીએ એમ નથી. મને ખ્યાલ છે કે આનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને આર્થિક રીતે મોટો ફટકો પડશે, પણ ખેલાડીઓની સલામતી અમારા માટે સૌથી મોટો મુદ્દો છે એટલે ટૂર રદ કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.’

અમારે ત્યાં સલામતી સામે ખતરા જેવું કંઈ નથી : પાકિસ્તાન

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ‘સિરીઝ મુલતવી રાખવાનો ન્યુ ઝીલૅન્ડ બોર્ડનો આ એકપક્ષી નિર્ણય છે. અમે બધી ટીમ માટે ફુલપ્રૂફ સિક્યૉરિટી રાખીએ છીએ અને કિવીઓ માટે પણ એવી જ સલામતી રાખી હતી અને પૂરી સલામતીની એને ખાતરી પણ આપી હતી છતાં તેમણે ટૂર રદ કરી. સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, વગેરે દેશો અમારે ત્યાં રમી જ ગયા છે. ન્યુ ઝીલૅન્ડે કેમ આવું પગલું ભર્યું?’

કિવીઓની પ્રવાસી ટીમમાં કેન વિલિયમસન, ટ્રેન્ટ બૉલ્ટ, કાઇલ જૅમિસન અને લૉકી ફર્ગ્યુસન જેવા ટોચના ખેલાડીઓ નહોતા. પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમે કહ્યું હતું કે ૅમને મારા દેશની સલામતી એજન્સીઓની ક્ષમતા પર પૂરો ભરોસો છે. તેમણે પૂરી સલામતી પૂરી પાડી હતી. પાકિસ્તાન ઝિંદાબાદ!’

ઇમરાન ખાનનું પણ કંઈ ન ચાલ્યું

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પોતે ન્યુ ઝીલૅન્ડનાં પ્રાઇમ મિનિસ્ટર જેસિન્ડા આર્ડર્નને ફોન કરીને કહ્યું હતું કે ‘પ્લીઝ, તમે તમારી ક્રિકેટ ટીમને અમારે ત્યાંની ટૂર ચાલુ રાખવાનું કહો. અમે વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય એવી ગુપ્તચર પદ્ધતિને અનુસરીએ છીએ એટલે ચિંતા કરવા જેવું કંઈ નથી. અમારે ત્યાં પ્રવાસી ટીમ માટે અસલામતી જેવું કંઈ જ નથી.’

જોકે વડા પ્રધાન ઇમરાન ખાનની આ વિનંતી પછી પણ કિવી ટીમે પાકિસ્તાનની ટૂર પ્રથમ વન-ડે પહેલાં જ રદ જાહેર કરી દીધી છે.

18

ન્યુ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં આટલા વર્ષ બાદ પહેલી વાર રમવા આવી હતી, પરંતુ હવે આ સમયગાળો વધુ લંબાશે.

4

ન્યુ ઝીલૅન્ડે એશિયામાં ટૂર રદ કરી હોય એવો આટલામો બનાવ છે. ૨૦૦૨માં કરાચીમાં, ૧૯૯૨માં શ્રીલંકામાં કિવીઓની હોટેલની બહાર અને ૧૯૮૭માં કોલંબોમાંના હુમલાને પગલે તેમણે પ્રવાસ ટૂંકાવી દીધો હતો.

ન્યુ ઝીલૅન્ડે તો પાકિસ્તાન ક્રિકેટની કતલ જ કરી નાખી. ન્યુ ઝીલૅન્ડે એ યાદ રાખવું જોઈએ કે થોડા વર્ષો પહેલાં ક્રાઇસ્ટચર્ચમાં જે હુમલો થયો હતો એમાં ૯ પાકિસ્તાનીઓના મૃત્યુ થયા હતા. જોકે, એ પછી પણ અને કોવિડ કાળમાં પણ પાકિસ્તાને પોતાની ટીમને ન્યુ ઝીલૅન્ડમાં રમવા મોકલી હતી. - શોએબ અખ્તર

આઇસીસીમાં અમે તમને જોઈ લઈશું: રમીઝ રાજા

ભૂતપૂર્વ કૅપ્ટન રમીઝ રાજા તાજેતરમાં પીસીબીના ચીફ બન્યા અને તેમણે પાકિસ્તાનમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટને પહેલાંની માફક રાબેતા મુજબનું કરવા જનતાને ખાતરી આપી હતી, પરંતુ તેમને માટે પણ કિવી ટીમના પાછા ચાલ્યા જવું મોટા આંચકા સમાન છે.

રમીઝે ગઈ કાલે ટ્વિટર પર લખ્યું હતું કે ૅઆજે તો હેરાન થઈ ગયા. ક્રિકેટપ્રેમીઓ અને ખેલાડીઓએ જે આશાઅો રાખી હતી એના પર પાણી ફરી વળ્યું એ બદલ મને ખૂબ દુખ થયું છે. અસલામતીનું કારણ આપીને એકપક્ષી રીતે ટૂરમાંથી નીકળી જવું એ તો બહુ ખોટું કહેવાય. ન્યુ ઝીલૅન્ડ કઈ દુનિયામાં રહે છે? અમે ભાર દઈને કહેલું કે અમારે ત્યાં પૂરેપૂરી સલામતી છે. કિવી ક્રિકેટ બોર્ડના મોવડીઓએ આઇસીસીમાં અમારા આકરા સવાલોના જવાબ આપવા પડશે.’

હવે ઇંગ્લૅન્ડની પાક-ટૂર પણ ડાઉટફુલ : આજ-કાલમાં નિર્ણય

ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનમાં ગઈ કાલે સિરીઝ શરૂ કર્યા વગર જ સલામતી સામેના ખતરાનું કારણ આપીને ટૂર રદ કરી નાખી એ પછી હવે ઇંગ્લૅન્ડ પણ પોતાના પાક-પ્રવાસ વિશે ગડમથલમાં છે. એનું ક્રિકેટ બોર્ડ કહે છે કે અમે પાકિસ્તાનમાં ટીમને મોકલતાં પહેલાં ખાસ વિચાર કરીશું અને ૪૮ કલાકની અંદર અમારો નિર્ણય જાહેર કરી દઈશું.

બ્રિટિશ ટીમનું ૨૦૦૫ની સાલ પછી પહેલી જ વાર (ઑક્ટોબરમાં) પાકિસ્તાન આવવાનું નક્કી થયું છે. એ પ્રવાસમાં તેઓ માત્ર બે ટી૨૦ મૅચ રમવાના છે.

sports news sports cricket news new zealand pakistan