કેટલાક લોકોએ માની લીધેલું કે હું ભારતીય મૂળનો છું : રૉસ ટેલર

12 August, 2022 12:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નિવૃત્ત કિવી ક્રિકેટરનો આત્મકથામાં ઘટસ્ફોટ : ન્યુ ઝીલૅન્ડની ક્રિકેટમાં હું રંગભેદ અને જાતિવાદનો શિકાર થયેલો

રૉસ ટેલર

ન્યુ ઝીલૅન્ડના નિવૃત્ત ક્રિકેટર રૉસ ટેલરે આત્મકથામાં સનસનાટીભરી જાહેરાતમાં ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા રંગભેદ અને જાતીયતાના દૂષણની વાત કરી છે.
કિવી ક્રિકેટ-લેજન્ડે ‘રૉસ ટેલર બ્લૅક ઍન્ડ વાઇટ’ ટાઇટલવાળી ઑટોબાયોગ્રાફીમાં લખ્યું છે કે ‘ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ વાઇટ સ્પોર્ટ તરીકે ઓળખાય અને મેં પોતે ડ્રેસિંગરૂમમાં જાતિવાદ અનુભવ્યો હતો. મજાકના રૂપમાં મારા વિશે જાતિવાદલક્ષી કમેન્ટ્સ થતી હતી. મારી ગણના જાણે વૅનિલા લાઇન-અપમાં બ્રાઉન ફેસ તરીકે થતી હતી. લોકો અને સાથીઓ મને અલગ રીતે સંબોધિત કરતા હતા. કરીઅરમાં મોટા ભાગના સમયમાં હું જાતિવાદરૂપી વિષમતાનો શિકાર થતો રહ્યો હતો.’

પૉલિનેશ્યન સમુદાયનો છે

રૉસ ટેલર પૉલિનેશ્યન સમુદાયનો છે. આ સમુદાયના લોકો અશ્વેત તરીકે ઓળખાય છે. ટેલરની મમ્મી સેમોઆ ટાપુના ગામની પૉલિનેશ્યન સમુદાયની છે અને પિતા ન્યુ ઝીલૅન્ડના છે. ક્રિકેટમાં આ જાતિનો ભાગ્યે જ કોઈ ક્રિકેટર આવ્યો છે. રૉસ ટેલરે લખ્યું છે કે ‘મારી ચામડીના રંગના આધારે ક્યારેક લોકો એવું માની બેસતા કે હું મૂળ ભારતીય છું. કેટલાક મને માઓરી તરીકે પણ ઓળખાવતા. એક સાથીખેલાડીએ તો મને એક વાર કહ્યું કે રૉસ તું અડધો જ સારો છે.’

પત્નીએ રંગભેદનો સંકેત શોધ્યો

રૉસ ટેલરે પત્નીનો ઉલ્લેખ કરતાં લખ્યું છે, ‘મારી પત્ની વિક્ટોરિયા સ્પોર્ટ્સ ડિગ્રીના ભાગરૂપે જાતિવાદ વિશે થોડુંઘણું ભણી છે. હું રમતો ત્યારે તેણે એક વાર જાણ્યું હતું કે હું જો ખરાબ શૉટ રમી બેસતો ત્યારે તેને મારી માનસિકતાની ખામી ગણાવીને મગજના વિસ્ફોટ તરીકે ઓળખાવવામાં આવતો હતો, પરંતુ અન્ય કોઈ બૅટર જો ખરાબ શૉટ રમતો તો તેને એકાગ્રતાના અભાવ અથવા પુઅર શૉટ સિલેક્શન તરીકે ગણાવવામાં આવતો હતો.’

રૉસ ટેલરે આ વર્ષે એપ્રિલમાં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તે ૧૧૨ ટેસ્ટ, ૨૩૬ વન-ડે અને ૧૦૨ ટી૨૦ રમ્યો છે. ટેલરે વધુમાં લખ્યું છે કે ‘ટીમમાં મજાકના રૂપમાં મારી સાથે જાતિવાદનો દાવ રમવામાં આવતો ત્યારે મને થતું કે સામો જવાબ આપવો કે પછી સહન કરી લેવું. મને ચિંતા એ હતી કે જો અવાજ ઉઠાવીશ તો સમસ્યા વધશે અને જાતિવાદનો મુદ્દો ઉખેડવાનો મારા પર જ ખોટો આક્ષેપ થશે. જાડી ચામડીના બનીને સમસ્યાને બાજુએ હડસેલી દેવી સહેલું છે, પરંતુ શું એ ઠીક કહેવાય?’

 ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડ પૂર્ણપણે રંગભેદ કે જાતિવાદની વિરુદ્ધ છે. અમે માનવ અધિકાર પંચના સપોર્ટર છીએ. રૉસ ટેલર સાથે જે પ્રકારનો વ્યવહાર અને વર્તન થયાં એ જાણીને અમને ખૂબ આઘાત લાગ્યો છે. અમે ટેલરને મળીને આ મુદ્દે જરૂર ચર્ચા કરીશું. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડના એક પ્રવક્તા

sports news sports cricket news new zealand