ટેસ્ટ-સિરીઝ પહેલાં શેખી મારનાર ઑસ્ટ્રેલિયન કોચ લૅન્ગરે સ્વીકાર્યું...

20 January, 2021 10:26 AM IST  |  Brisbane | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ-સિરીઝ પહેલાં શેખી મારનાર ઑસ્ટ્રેલિયન કોચ લૅન્ગરે સ્વીકાર્યું...

જસ્ટિન લૅન્ગર

બોર્ડર-ગાવસકર ટ્રોફી શરૂ થતાં પહેલાં અનેક ઑસ્ટ્રેલિયન ભૂતપૂર્વ પ્લેયરે બડાઈ હાંકતાં કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયા આ સિરીઝ જીતીને ટીમ ઇન્ડિયાને પરાજિત કરશે, પણ ગઈ કાલે ભારતની યુવા ક્રિકેટ ટીમ અનુભવી ઑસ્ટ્રેલિયન પ્લેયર પર ભારે પડી ગઈ હતી અને સિરીઝ 2-1થી જીતવામાં સફળ રહી હતી. ઑસ્ટ્રેલિયન ટીમના હેડ કોચ જસ્ટિન લૅન્ગરે પણ પોતાની ભૂલ સ્વીકારતાં કહ્યું હતું કે ‘આ સિરીઝમાંથી અમને શીખવા મળ્યું છે કે ભારતીય ટીમને ક્યારેય ઓછી આંકવી ન જોઈએ.

આ સંદર્ભે વિગતવાર વાત કરતાં જસ્ટિન લૅન્ગરે કહ્યું કે ‘આ ટેસ્ટ સિરીઝ ઘણી અવિશ્વસનીય રહી અને અંતે કોઈ જીતે છે તો કોઈ હારે છે. આજે ટેસ્ટ ક્રિકેટ જીત્યું છે. અમને ઘણું હર્ટ થયું છે, પણ જીતનું પૂરું શ્રેય ભારતને જાય છે. ભારતીય ખેલાડીઓ જબરદસ્ત મૅચ રમ્યા અને અમે એમાંથી પાઠ શીખ્યા. પહેલી વાત એ કે ક્યારેય કોઈ વસ્તુ હલકામાં ન લેવી અને બીજી વાત એ કે ભારતીયોને ક્યારેય ઓછા ન આંકવા. તેઓ ૧.૫ અબજ ભારતીયો છે અને એમાં પણ જો તમે શરૂઆતના ૧૧ લોકો સામે રમો તો એ અઘરું જ હોવાનું છે, નહીં? ભારતીય ટીમની જેટલી પ્રશંસા કરો એટલી ઓછી છે. પહેલી ટેસ્ટ મૅચમાં ૩૬ રનમાં ઑલઆઉટ થયા બાદ તેમણે હિંમત ગુમાવ્યા વિના શાનદાર અને જોરદાર કમબૅક કર્યું. અમારા માટે આ ઘણી મોટી શીખ છે કે ક્યારેય ભારતને હલકામાં ન લેવું.’

ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ પ્લેયરોની ગેરહાજરી હોવા છતાં આ ચોથી ટેસ્ટ મૅચ જીતવામાં સફળ રહી. રિષભ પંતની ઇનિંગનાં વખાણ કરતાં લૅન્ગરે કહ્યું કે ‘પંતનો પ્રયાસ ઉત્તમ હતો. રિષભ પંતની ઇનિંગ્સે મને બેન સ્ટોક્સની હેડિંગ્લીમાં રમાયેલી ઇનિંગ્સની યાદ અપાવી દીધી. તે જ્યારે મેદાનમાં આવ્યો ત્યારે નીડર હતો અને પછી તેણે બિન્દાસ રમવાનું શરૂ કર્યું. ખરેખર એ  અવિશ્વસનીય અને અદ્ભુત ઇનિંગ્સ હતી. શુભમન ગિલ પણ બહુ સારું રમ્યો હતો. તેમના યુવા

બોલિંગ-અટૅકે સતત અમને પ્રેશરમાં રાખ્યા હતા અને આ વાતનું સંપૂર્ણ શ્રેય ભારતને જાય છે. અમારા પ્લેયર્સે પણ સારી મહેનત કરી હતી, પણ કદાચ તેમનો એ દિવસ સારો નહોતો.’

sports sports news cricket news test cricket india australia