આટલો બધો અસહાય ક્યારેય નથી લાગ્યો: સુરેશ રૈના

06 May, 2021 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ઑલરાઉન્ડર સુરેશ રૈનાએ આઇપીએલના સસ્પેન્શન બાદ દેશની હાલત પર ટ્વિટર પર ઠાલવી દિલની વેદના

સુરેશ રૈના

ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને ચેન્નઈ સુપર કિંગ્સના આધારસ્તંભ સુરેશ રૈનાએ આઇપીએલને સસ્પેન્ડ કરવાના નિર્ણયને સમર્થન આપીને કોરોનાને લીધે દેશની સ્થિતિ અંગે ટ્વીટ કરીને પોતાના દિલની વાત કરી હતી. મંગળવારે સિક્યૉર બાયો-બબલમાં પણ કોરોનાના કેસ મળી આવતાં ક્રિકેટ બોર્ડે તરત જ આઇપીએલને સ્થગિત કરી દીધી હતી. 

ભારતમાં લગાતાર કોરોનાના કેસ વધી રહ્યા છે અને હવે તો લોકો હૉસ્પિટલ, બેડ અને ઑક્સિજન માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ અંગે દુખ વ્યક્ત કરતાં રૈનાએ ટ્વીટ કર્યું હતું કે ‘આ હવે કોઈ મજાક નથી રહી. કેટલી બધી જિંદગીઓ દાવ પર લાગી છે. મારા જીવનમાં મારી જાતને આટલી બધી અસહાય ક્યારેય મહેસૂસ નથી કરી. આપણે મદદ કરવાનું કેટલું પણ ઇચ્છીએ, પણ આપણી પાસે સાધનો જ ખલાસ થઈ રહ્યાં છે. આ દેશની દરેક વ્યક્તિ સલામને હકદાર છે જે જીવન બચાવવા માટે એકબીજાની સાથે ઊભી છે.’ 

રૈના ગઈ સીઝનમાં સંકટકાળમાં ફૅમિલી સાથે રહેવા યુએઈની ટુર્નામેન્ટ શરૂ થાય એ પહેલાં ટીમને છોડીને ભારત પાછો આવી ગયો હતો. જોકે આ વખતે ભારતમાં આઇપીએલનું આયોજન થતાં પાછો ચેન્નઈ ટીમ સાથે જોડાઈ ગયો હતો.

ipl 2021 indian premier league cricket news sports news suresh raina chennai super kings