ક્યારેય પિચની ફરિયાદ નથી કરી એ જ છે અમારી સફળતાનું રહસ્ય: વિરાટ કોહલી

04 March, 2021 10:00 AM IST  |  Ahmedabad

ક્યારેય પિચની ફરિયાદ નથી કરી એ જ છે અમારી સફળતાનું રહસ્ય: વિરાટ કોહલી

ટેનિસ બૉલથી પ્રૅક્ટિસ : આજે રમાનારી મૅચ પહેલાં ગઈ કાલે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓએ ટેનિસ બૉલથી પ્રૅક્ટિસ કરી હતી. તસવીર : પી.ટી.આઇ.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ-મૅચ આજથી શરૂ થઈ રહી છે. ત્રીજી ટેસ્ટ-મૅચ માત્ર બે દિવસમાં પૂરી થઈ જતાં આ છેલ્લી મૅચ માટે બન્ને ટીમને તૈયારી કરવાના કેટલાક વધારાના દિવસ મળી રહ્યા હતા. સ્પિનિંગ પિચ પર ફાસ્ટ બોલરોને લઈને ઊતરવાની જો રૂટની ગણતરીને ભારોભાર વખોડવામાં આવી હતી, જ્યારે ભારતીય સ્પિનરોનો દબદબો જળવાઈ રહેતાં એ મૅચ કબજે કરવામાં તેઓ સફળ રહ્યા હતા.

સ્પિનરો પર આધાર

છેલ્લી બે ટેસ્ટ-મૅચમાં ભારતીય સ્પિનરોએ ઇંગ્લૅન્ડને ખાસ્સા હેરાન કર્યા હતા. ચોથી ટેસ્ટ-મૅચમાં પણ સ્પિનરો પોતાનું ટૅલન્ટ બતાવી મહેમાન ટીમને હરાવી સિરીઝ ૩-૧થી કબજે કરી આપે એવી સૌકોઈને આશા રહેશે, જ્યારે ઇંગ્લૅન્ડ ૨-૨થી સિરીઝ ડ્રૉ કરી પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવા પ્રયાસ કરશે. ખાસ કરીને રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ પર સૌકોઈની નજર રહેશે, જેમણે સાથે મળીને આ સિરીઝમાં કુલ ૪૨ વિકેટ મેળવી છે. આ બન્ને પ્લેયરનો તોડ કાઢવા ઇંગ્લૅન્ડ પોતાની ટીમમાં શું ફેરફાર કરે છે એ જોવા જેવું રહેશે.

કેવી રહેશે પિચ : ગઈ કાલે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન અમદાવાદની પિચનું નિરીક્ષણ કરતાં ઇંગ્લૅન્ડની ટીમના ખેલાડીઓ. તસવીર : પી.ટી.આઇ.

ઉમેશનું કમબૅક?

જસપ્રીત બુમરાહ આજની ચોથી ટેસ્ટ-મૅચ નથી રમવાનો અને સંભવત: ટીમમાં ઉમેશ યાદવ કમબૅક કરી શકે છે. ઈશાંત શર્મા અને મોહમ્મદ સિરાજમાંથી પણ કયા બોલરને લઈને ટીમ મેદાનમાં ઊતરે છે એ પણ જોવા જેવું રહેશે. રોહિત શર્મા અત્યાર સુધી ઇંગ્લૅન્ડના સ્પિનરો સામે સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે, જ્યારે વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ જોઈએ એવું નોંધનીય પ્રદર્શન નથી કરી શક્યા. સામા પક્ષે જૅક લીચ સાથે જો રૂટ કયા સ્પિનરો સાથે રમવા ઊતરશે એ મૅચ વખતે જ ખબર પડશે. છેલ્લા કેટલાક દિવસથી ઇંગ્લૅન્ડના પ્લેયર્સ બિમાર હોવાની રૂટે જાણકારી આપી હતી.

પિચ પર રહેશે સૌકોઈની નજર

ચેન્નઈની પિચ પર ભારતીય સ્પિનરોને મળેલી સફળતા બાદ અમદાવાદની પિચ પર પણ તેઓ સફળ રહ્યા હતા. બે દિવસમાં જ પિન્ક બૉલ મૅચ સમાપ્ત થતાં અનેકોએ પિચને વખોડવાની શરૂ કરી દીધી હતી. તેમ છતાં, અજિંક્ય રહાણે અને ઝૅક ક્રૉલીને લાગે છે કે આ અંતિમ ટેસ્ટ-મૅચની પિચ પણ છેલ્લી બે ટેસ્ટ-મૅચ જેવી જ રહી શકે છે. વળી આ મૅચ પારંપરિક લાલ બૉલથી રમાવાની હોવાથી એ બે દિવસથી તો લાંબી ચાલશે એવી આશા પણ કેટલાક નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચૅમ્પિયનશિપની ફાઇનલમાં કોણ ટકરાશે?

ભારતે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરવા ઇંગ્લૅન્ડને કમસે કમ ૩-૧ અથવા ૨-૧થી હરાવવી જરૂરી હતી. હાલના પૉઇન્ટ ટેબલ મુજબ ભારતે ૨-૧થી લીડ લઈ લીધી છે અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરવા આજની છેલ્લી ટેસ્ટ એણે કમસે કમ ડ્રૉ કરાવડાવવી પડશે. જો ભારતને આ મૅચમાં પરાજય આપી ઇંગ્લૅન્ડ સિરીઝ ડ્રૉ કરાવવામાં સફળ થાય તો ઑસ્ટ્રેલિયા માટે ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરવાના દરવાજા ખૂલી જશે અને ભારત માટે આગળ વધવાનો માર્ગ લગભગ બંધ થઈ જશે. એવામાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ન્યુ ઝીલૅન્ડને ફાઇનલમાં ટક્કર આપવા કઈ ટીમ આગળ વધશે એ જોવા જેવું રહેશે. ઇંગ્લૅન્ડ આ રેસમાંથી પહેલાં જ બહાર થઈ ગયું છે.

નહી કરીએ કે નથી કરી પિચની ફરિયાદ

મૅચની પૂર્વસંધ્યાએ મીડિયા સાથે વાત કરતાં પિચના મુદ્દે આલોચકોને વળતો જવાબ આપી વિરાટ કોહલીએ કોહલીએ કહ્યું કે ‘મને ખબર નથી કે પિચ અને બૉલ પર આટલી ચર્ચા શા માટે થાય છે, જ્યારે ચર્ચા તો બૅટિંગ પર થવી જોઈએ. ટર્નિંગ ટ્રૅકની હંમેશાં ચર્ચા થાય છે અને ફાસ્ટ પિચ પર જ્યારે પેસરોને મદદ મળે છે ત્યારે કોઈ કંઈ બોલતું નથી. ન્યુ ઝીલૅન્ડ ટૂર પર જ્યારે અમે ત્રીજા દિવસે ૩૬ ઓવરમાં જ આઉટ થઈને હારી ગયા હતા ત્યારે કોઈ કંઈ નહોતું બોલ્યું. એ વખતે ફક્ત ભારતની બૅટિંગ પર જ ચર્ચા થઈ હતી અને કોઈએ નહોતું જોયું કે બૉલ કેવો થઈ રહ્યો છે, પિચ પર ઘાસ કેટલું છે. ટૂંકમાં અમારી સફળતાનું રહસ્ય એ જ છે કે અમે કોઈ પણ પિચ પર રમીએ છીએ, એની ફરિયાદ ક્યારેય નથી કરતા અને ભવિષ્યમાં પણ નહીં કરીએ.’

ઇંગ્લૅન્ડ ટીમ છે તૈયાર

ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે ગઈ કાલે જણાવ્યું હતું કે આ અઠવાડિયાની શરૂઆતમાં ઇંગ્લૅન્ડની ટીમના પ્લેયરો અલગ-અલગ બીમારીથી ઝઝૂમી રહ્યા હતા, પણ તેઓ કઈ બીમારીથી હેરાન થઈ રહ્યા હતા એ વિશે ચોખવટ કરવામાં નથી આવી. તેમ છતાં રૂટે ચોખવટ કરી હતી કે તમામ ઇંગ્લૅન્ડના પ્લેયરોએ ટ્રેઇનિંગ કરી હતી અને છેલ્લી ટેસ્ટના સિલેક્શન માટે તેઓ ઉપલબ્ધ રહેશે. જોકે ખેલાડીઓની ખરાબ તબિયતને લીધે તેમને પોતાનો સ્ક્વૉડ જાહેર કરવામાં પણ સમય લાગ્યો હતો. આ ઉપરાંત રૂટે એ વાત પણ સ્વીકારી હતી કે ચોથી ટેસ્ટ-મૅચની પિચ છેલ્લી ટેસ્ટ-મૅચ જેવી જ દેખાઈ રહી છે.

ઉમેશ પાસેથી ઉમ્મીદ

ઑસ્ટ્રેલિયા-ટૂરમાં ઈજાગ્રસ્ત થયેલો ઉમેશ યાદવ હવે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે અને કદાચ આજથી ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી ચોથી અને અંતિમ ટેસ્ટ-મૅચમાં વ્યક્તિગત કારણસર બહાર થયેલા જસપ્રીત બુમરાહના સ્થાને રમી પણ શકે છે. જો ઉમેશ આ ટેસ્ટ મૅચ રમે અને એમાં બે વિકેટ મેળવી લે તો ટેસ્ટ-ક્રિકેટમાં ૧૫૦ વિકેટનો આંકડો પ્રાપ્ત કરી લેશે. અત્યાર સુધી તેણે ઘરઆંગણે ટેસ્ટ-ક્રિકેટમાં ૯૬ અને વિદેશની ધરતી પર બાવન વિકેટ મેળવી છે. ચાર વિકેટ મેળવી લેતાં તે ઘરઆંગણે ૧૦૦ વિકેટ લેનારો પાંચમો ભારતીય ફાસ્ટ બોલર બની જશે.

ઝહીરનો રેકૉર્ડ તોડવાની અશ્વિનને તક

ઇંગ્લૅન્ડ સામેની ત્રણ ટેસ્ટ-મૅચમાં રવિચંદ્રન અશ્વિન અત્યાર સુધી ૨૪ વિકેટ લઈ ચૂક્યો છે. આજથી શરૂ થતી ચોથી ટેસ્ટ-મૅચમાં આઠ વિકેટ મેળવતાં તે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૬૧૦ વિકેટ લેવાનો ઝહીર ખાનનો રેકૉર્ડ તોડી ભારત તરફથી સૌથી વધારે ઇન્ટરનૅશનલ વિકેટ લેનારો ચોથો બોલર બની જશે. અશ્વિનના નામે હાલમાં ૬૦૩ ઇન્ટરનૅશનલ વિકેટ છે.

india england ahmedabad narendra modi stadium motera stadium cricket news sports news