ભારત સામે પહેલી બે ટેસ્ટ મૅચમાં બેરસ્ટોને આરામ

25 January, 2021 12:27 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ભારત સામે પહેલી બે ટેસ્ટ મૅચમાં બેરસ્ટોને આરામ

જૉની બેરસ્ટો, નાસિર હુસેન, માઇકલ વૉન

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે હવે પાંચમી ફેબ્રુઆરીથી પહેલી ટેસ્ટ મૅચ શરૂ થવાની છે અને એ માટેની પૂર્વતૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બન્ને ટીમે આ ટેસ્ટ સિરીઝ માટેની પહેલી બે ટેસ્ટ મૅચ માટે પ્લેયરોની જાહેરાત કરી દીધી છે. આ બે ટેસ્ટ મૅચ માટે ઇંગ્લૅન્ડ ટીમની જે સ્ક્વૉડ નક્કી કરવામાં આવી છે એમાં વિકેટકીપર-બૅટ્સમૅન જૉની બેરસ્ટોને આરામ આપવામાં આવ્યો છે, એનાથી ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેન અને માઇકલ વૉન જરાય ખુશ નથી.

નાસિર હુસેનની નારાજગી

બેરસ્ટોને આરામ અપાતાં નારાજગી વ્યક્ત કરતાં નાસિર હુસેને કહ્યું કે ‘મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આ ચિંતાનો વિષય છે, કેમ કે સ્પિનરની સામે ઇંગ્લૅન્ડના ત્રણ બેસ્ટ બૅટ્સમૅન જો રૂટ, જૉની બેરસ્ટો અને બેન સ્ટોક્સમાંનો એ એક છે છતાં તેને સ્વદેશ પાછો બોલાવ્યો છે અને બાકીના પ્લેયર્સે ચેન્નઈ જવાનું છે. આ વાત પર ફરીથી વિચાર કરવો પડશે. ખેલાડીઓ હમણાં કોરોનાના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યા છે. તેણે પાછલી સીઝનમાં, આઇપીએલમાં બાયો-બબલમાં દિવસ પસાર કર્યા હતા. પછી તેઓ સાઉથ આફ્રિકા ગયા, હમણાં શ્રીલંકામાં છે અને પછી ભારત જશે અને પછી પાછા આઇપીએલ રમશે. જ્યારે વિકેટ ટર્ન લેતી હોય ત્યારે ઇંગ્લૅન્ડનો દર્શક પહેલાં જુએ છે કે સ્કોર બે વિકેટે ૨૦ રન થઈ ગયો છે અને પછી તેઓ સવાલ ઉઠાવે છે. હું અમારા બેસ્ટ બૅટ્સમેનોને સ્પિનરો સામે રમતા જોવા માગું છું જેમાંનો બેરસ્ટો એક છે. જો આ સિરીઝ પછીની ટેસ્ટ બ્રિસ્બેનમાં ઍશિઝની હોત તો શું આપણે આપણી બેસ્ટ ટીમ ન મોકલત? તો વિશ્વની બેસ્ટ ટીમમાંની એક ભારત સામેની પહેલી ટેસ્ટ મૅચ માટે આપણી બેસ્ટ ટીમ કેમ ન મોકલી શકીએ?’

ઉલ્લેખનીય છે કે બેરસ્ટો સહિત માર્ક વુડ અને સૅમ કરેનને પણ પહેલી બે ટેસ્ટ મૅચમાંથી આરામ આપવામાં આવ્યો છે; જ્યારે બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને રૉરી બર્ન્સ આ બે ટેસ્ટ મૅચ રમશે.

વૉર્નની ટિપ્પણી

પોતાની વાત ટ્વિટરના માધ્યમથી જણાવતાં માઇકલ વૉને કહ્યું કે ‘ઇંગ્લૅન્ડના ટૉપ ત્રણમાંનો એકમાત્ર ખેલાડી જે કોઈ પણ નિયંત્રણ કે સ્વસ્થતા સાથે સબ-કૉન્ટિનેન્ટની સ્થિતિમાં રમી શકે છે તેને વિશ્વની શ્રેષ્ઠ ટીમ ઇન્ડિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો છે. દુનિયા ખરેખર પાગલ છે.’

ભારત પહોંચ્યો બેન સ્ટોક્સ

ઇંગ્લૅન્ડની ટેસ્ટ ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મૅચ રમી રહી છે, પણ એ ટેસ્ટ સિરીઝમાં હિસ્સો ન બનનાર ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ ગઈ કાલે ભારત આવી પહોંચ્યો હતો. તેણે ફ્લાઇટમાં પ્રવાસ કરતો પોતાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. આ ફોટો સાથે તેણે લખ્યું હતું, ‘સી યુ સૂન ઇન્ડિયા.’

ઇન્ડિયા અને ઇંગ્લૅન્ડ ટી20 સિરીઝમાં પ્રેક્ષકોને લાવવા ક્રિકેટ બોર્ડ કરી રહ્યું છે પ્રયાસ

ઇન્ડિયા-ઇંગ્લૅન્ડ વચ્ચેની ચાર ટેસ્ટ મૅચની સિરીઝ બાદ બન્ને દેશ વચ્ચે પાંચ ટી20 મૅચની સિરીઝ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ૧૨થી ૨૦ માર્ચ દરમ્યાન રમાશે. આ ટી20 સિરીઝમાં રોમાંચકતા લાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવાનો વિચાર કરી રહ્યું છે. બીસીસીઆઇ સ્ટેડિયમની ક્ષમતાના અંદાજે ૫૦ ટકા દર્શકોને જીવંત ટી20 મૅચનો આનંદ માણવાની તક આપવા માગે છે. જોકે આ બાબતે અંતિમ નિર્ણય સરકારનો રહેશે.

ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇ કોરોનાને લીધે ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવા નથી માગતું જેને લીધે તેમણે ટેસ્ટ સિરીઝની બે ટેસ્ટ મૅચ વગર દર્શકોએ યોજવાનો નિર્ણય લીધો હતો.

sports sports news cricket news india england