ઑસ્ટ્રેલિયા અને બૅન્ગલોરની ટીમમાં મારી જવાબદારી એકસમાન છે : મૅક્સવેલ

16 April, 2021 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે આઇપીએલમાં બૅન્ગલોર વતી રમતાં હૈદરાબાદ સામેની મૅચમાં આ સીઝનની પોતાની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી.

ગ્લેન મૅક્સવેલ

ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે આઇપીએલમાં બૅન્ગલોર વતી રમતાં હૈદરાબાદ સામેની મૅચમાં આ સીઝનની પોતાની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી. જોકે તેણે આ મૅચમાં એ જ જવાબદારી ભજવી હતી જે તે ઑસ્ટ્રેલિયાની ટીમ માટે નિભાવતો હોય છે. ગયા વર્ષે આઇપીએલમાં તેણે ૧૩ મૅચમાં માત્ર ૧૦૮ રન બનાવ્યા હતા. હૈદરાબાદ સામેની મૅચમાં મૅક્સવેલે ચોથા નંબરે બૅટિંગ કરી હતી.

મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યા બાદ ખુશી વ્યક્ત કરતાં ગ્લૅન મૅક્સવેલે કહ્યું કે ‘મારા માટે આ ઘણી સારી શરૂઆત રહી. નવી ફ્રૅન્ચાઇઝીએ મને નવી જવાબદારી સોંપી છે. આ રીતે શરૂઆત કરવાનું મને ઘણું ગમ્યું. તમારા પછી પણ બૅટિંગ કરવા માટે જો બૅટ્સમૅન ઉપલબ્ધ હોય તો તમે સારી રીતે રમી શકો છો, ખાસ કરીને ત્યારે જ્યારે તમારી પાછળ ડિવિલિયર્સ જેવા ખેલાડી રમવા આવવાના હોય. મારી જે જવાબદારી ઑસ્ટ્રેલિયન ટીમમાં હતી એ જ અહીં પણ હતી. કૅપ્ટન વિરાટ કોહલીએ સારી રણનીતિ અપનાવી હતી. મારી પાછળ પણ સારા બૅટ્સમૅન બાકી હતા એ મને ઘણું ગમ્યું. મારી આ ચોથી આઇપીએલ ફ્રૅન્ચાઇઝી છે એટલે સારું પર્ફોર્મ કરવાનું એક રીતે મારા પર દબાણ હતું.’
નોંધનીય છે કે આઇપીએલમાં મૅક્સવેલે હાફ સેન્ચુરી આ પહેલાં ૨૦૧૬માં ફટકારી હતી અને ત્યાર બાદ ૨૦૧૭ અને ૨૦૧૮માં તે હાફ સેન્ચુરી કરવાની તક ચૂકી ગયો હતો. ૨૦૧૯માં તે આઇપીએલ નહોતો રમ્યો.

ipl 2021 indian premier league cricket news sports news glenn maxwell royal challengers bangalore