દુબઈમાં મુંબઈકરોએ જોયો વર્લ્ડ કપનો મુકાબલો

25 October, 2021 09:22 AM IST  |  Dubai | Shailesh Nayak

સ્ટેડિયમમાં ૮૦ ટકા ભારતીય પ્રેક્ષકો અને એમાં ૩૦ ટકા ગુજરાતીઓ

ભારતીય ત્રિરંગા સાથે સ્ટેડિયમમાં મુંબઈના મિત્રો

દુબઈમાં ગઈ કાલે રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-વૉલ્ટેજ મૅચનો રોમાંચક મુકાબલો મુંબઈના ક્રિકેટચાહકો સહિતના અસંખ્ય ભારતતરફી ફૅન્સે સ્ટેડિયમમાં બેસીને માણ્યો હતો અને ટીમ ઇન્ડિયાને ચિયર-અપ કરી હતી.

દુબઈના સ્ટેડિયમમાંથી ‘મિ-ડે’ સાથે વાત કરતાં વિલે પાર્લેના વિશાલ મેરવાણાએ મૅચની શરૂઆતમાં કહ્યું હતું કે ‘સ્ટેડિયમમાં આ મૅચને લઈને જબરદસ્ત માહોલ છે. મારા મતે સ્ટેડિયમમાં ૮૦ ટકા ઇન્ડિયન પ્રેક્ષકો છે, જેમાંથી ૨૦થી ૩૦ ટકા ગુજરાતી ક્રિકેટપ્રેમીઓ મૅચ જોવા આવ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મૅચની શરૂઆતથી જ સ્ટેડિયમમાં અમે સૌ ઉત્સાહી છીએ.’

ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાયેલી મૅચ જોવા માટે મુંબઈના કાંદિવલી, બોરીવલી, વિલે પાર્લે અને મુલુંડથી ૯ મિત્રો હેમાંગ શાહ, આશિષ પંચાલ, બંકિમ દોશી, કૌશલ શાહ, રાકેશ છેડા, ધર્મેશ શાહ, મિહિર વોરા, વિશાલ મેરવાણા અને નિખિલ દોશી દુબઈ ગયા હતા અને એકસાથે સ્ટેડિયમમાં બેસીને ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલા મોસ્ટ એક્સાઇટિંગ મુકાબલાની મોજ માણી હતી.

અંધેરીમાં રહેતી ક્રિકેટની દીવાની અને ભારત-પાકિસ્તાનની મૅચ સ્ટેડિયમમાં જોવાનો મોકો મળતાં દુબઈ ગયેલી નેહા જૈન. તે ખાસ કરીને સ્ટેડિયમમાં વાગતાં ઢોલ-નગારાં વચ્ચે ટીમ ઇન્ડિયાને ચિયર-અપ કરવાના હેતુથી તેમ જ ભારત આર્મીના મિત્રો સાથે બેસીને મૅચ જોવા ત્યાં ગઈ હતી.

ટીમ ઇન્ડિયાને ચિયર-અપ કરવા સ્ટેડિયમમાં મૅચ જોવા પહોંચેલા ભારતીય ક્રિકેટપ્રેમીઓ

વિલે પાર્લેના વિશાલ મેરવાણાએ ત્રિરંગા સાથે સ્ટેડિયમમાં પહોંચીને મૅચ માણી હતી

એક તો રવિવાર હતો અને બીજું એ કે ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની મૅચ હતી એટલે અમદાવાદમાં ઠેર-ઠેર સોસાયટીઓમાં બાળકો સહિતના ક્રિકેટપ્રેમીઓએ આ રીતે ભેગાં મળીને પ્રોજેક્ટરની મદદથી મૅચ માણવાનો માહોલ રચ્યો હતો. ભારતીય ટીમના ખેલાડીઓ ચોગ્ગા-છગ્ગા ફટકારતા હતા ત્યારે ઢોલ-નગારાં વગાડીને સૌ આનંદ માણતા હતા.

sports sports news cricket news wt20 world t20 shailesh nayak