31 October, 2026 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
MIના નવા કોચિંગ સ્ટાફની જાહેરાત!
મુંબઈ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 માટે નવા કોચિંગ ગ્રુપની નિમણૂકની જાહેરાત કરી છે. હેડ કોચ કાયરન પોલાર્ડના કોચિંગ સ્ટાફમાં રૉબિન ઉથપ્પા બૅટિંગ કોચ, મિચલ મૅક્લેનૅગ બોલિંગ કોચ, ટી. દિલીપ ફીલ્ડિંગ કોચ અને ધવલ કુલકર્ણી ડેવલપમેન્ટ બોલિંગ કોચ તરીકે જોડાયા છે.
IPLમાં ૬ ટીમો માટે રમનાર ૪૦ વર્ષનો રૉબિન ઉથપ્પા લીગની પહેલી જ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ હતો. તેણે ૨૦૧૪માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ૨૦૨૧માં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ટાઇટલ જીત્યું હતું. ૨૦૫ IPL મૅચોમાં રૉબિન ઉથપપ્પાએ ૨૭ ફિફ્ટીની મદદથી ૪૯૫૨ રન કર્યા હતા.
ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મિચલ મૅક્લેનૅગ ૨૦૧૫થી ૨૦૨૦ વચ્ચે મુંબઈ માટે રમીને ચાર વખત IPL ટ્રોફી ઉપાડી ચૂક્યો છે. IPLમાં માત્ર મુંબઈ માટે જ રમીને તેણે ૫૬ મૅચોમાં ૭૧ વિકેટ લીધી હતી.
ભારતીય પુરુષ ટીમ સાથેના સફળ કાર્યકાળ પછી ટી. દિલીપ મુંબઈ ઇન્ડિયન્સની ફીલ્ડિંગ સમસ્યામાં સુધારો કરશે. બે T20 વર્લ્ડ કપ અને એક ICC ચૅમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય કોચિંગ સ્ટાફનો તે ભાગ રહ્યો છે.
મુંબઈનો ૩૭ વર્ષનો ધવલ કુલકર્ણી IPLમાં ૩ ટીમો માટે રમીને ૯૨ મૅચમાં ૮૬ વિકેટ લઈ ચૂક્યો છે. ૨૦૦૮થી ૨૦૧૩ અને ૨૦૨૦-૨૦૨૧ વચ્ચે મુંબઈ માટે રમીને તેણે ૨૦૧૩ અને ૨૦૨૦માં ટ્રોફી પણ ઉપાડી હતી. મુંબઈ ક્રિકેટમાં જાણીતું નામ હોવા ઉપરાંત તે બહોળો અનુભવ, ભારતીય પરિસ્થિતિઓની ઊંડી સમજ અને મુંબઈ ઇન્ડિયન્સ સાથે ગાઢ જોડાણ ધરાવે છે.