ધોની જ છે સુપરકિંગ

07 May, 2021 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈના બધા ખેલાડીઓને ઘરે સુરક્ષિત રવાના કર્યા બાદ સૌથી છેલ્લે ઘરે જવા રાંચી રવાના થયો

CSK પ્લેયર્સ

આઇપીએલ સસ્પેન્ડ કર્યા બાદ આ કારમી સ્થિતિમાં દેશ-વિદેશના ખેલાડીઓને સુખરૂપ પોતાના ઘરે પહોંચાડવાની સૌથી મોટી કપરી જવાબદારી દરેક ફ્રૅન્ચાઇઝી સમક્ષ હતી. આમાં ચેન્નઈ ટીમના કૅપ્ટન ધોનીએ મૂકેલી એક શરતને લીધે તેણે ફરી લોકોનાં દિલ જીતી લીધાં હતાં. ધોનીના માતા-પિતા થોડો સમય પહેલાં જ કોરાનાગ્રસ્ત થયાં હતાં અને એ સમયે મૅચમાં વ્યસ્ત હોવા ઉપરાંત બાયો-બબલ્સમાં હોવાથી ધોની તેમની પાસે નહોતો જઈ શક્યો, પણ આઇપીએલ સસ્પેન્ડ થયા બાદ તે તરત રવાના થઈ શક્યો હતો, પણ તેણે ફ્રૅન્ચાઇઝીને સ્પષ્ટ કહી દીધું હતું કે ટીમના બધા ખેલાડીઓ, દેશ-વિદેશના રવાના થયા બાદ જ હું છેલ્લે હોટેલ છોડીશ. 

ધોનીએ કહ્યું હતું કે વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની તેની સૌથી પહેલી પ્રાથમિકતા હશે અને ત્યાર બાદ ભારતીયોને. ૩૯ વર્ષનો ધોની દિલ્હીમાં ટીમ સાથે જ હોટેલમાં રહ્યો હતો. 

ચેન્નઈ ટીમના એક ખેલાડીએ જણાવ્યું હતું કે, ‘માહીભાઈએ કહ્યું હતું કે હોટેલ છોડનાર હું છેલ્લો માણસ હોઈશ. તે પહેલાં વિદેશી ખેલાડીઓને ઘરે પહોંચાડવા માગતો હતો અને ત્યાર બાદ ભારતીય ખેલાડીઓને. ધોની આવતી કાલે બધા સુરક્ષિત ઘરે પહોંચી જશે પછી છેલ્લે રાંચી જવા રવાના થશે.’

ચેન્નઈએ ૧૦ સીટર ચાર્ર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી જેથી ખેલાડીઓને મુંબઈ અને રાજકોટ શિફટ કરી શકાય. અન્ય એક ચાર્ટર્ડ ફ્લાઇટમાં ખેલાડીઓને ચેન્નઈ મોકલવામાં આવ્યા હતા.

હસી-બાલાજીને ઍર-ઍમ્બ્યુલન્સમાં ચેન્નઈ લઈ જવાયા
ચેન્નઈના કોરોનાગ્રસ્ત બૅટિંગ-કોચ માઇક હસી અને બોલિંગ-કોચ લક્ષ્મીપતિ બાલાજીને ઍર-ઍમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીથી ચેન્નઈ લઈ જવાયા હતા. હસી અને બાલાજી બન્નેની તબિયત નૉર્મલ છે અને કોઈ સિરિયસ પ્રૉબ્લેમ નથી. માઇક હસીએ દેશ છોડતાં પહેલાં તેનો કોરોના-રિપોર્ટ નેગેટિવ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. ચેન્નઈની ટીમે કહ્યું હતું કે હસીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને ઑસ્ટ્રેલિયા મોકલવાની સ્પેશ્યલ વ્યવસ્થા થશે.

ઑસ્ટ્રેલિયનો મૉલદીવ્ઝ રવાના
ભારતથી ઑસ્ટ્રેલિયા જવા હાલમાં કોઈ સીધી ફ્લાઇટ ન હોવાથી ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ, અમ્પાયરો, કૉમેન્ટેટર્સ અને કોચિંગ સ્ટાફ ગઈ કાલે મૉલદીવ્ઝ રવાના થયા હતા. ત્યાંથી કદાચ યોગ્ય સમયે તેઓ ચાર્ર્ડ પ્લેન દ્વારા ઑસ્ટ્રેલિયા રવાના થશે.

ipl 2021 indian premier league cricket news sports news ms dhoni