31 August, 2026 10:13 AM IST | London | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ આમિર
પાકિસ્તાનના પંજાબમાં જન્મેલો ડાબોડી ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર હવે બ્રિટિશ નાગરિક બની ગયો છે. બ્રિટિશ નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી ૩૪ વર્ષના મોહમ્મદ આમિરે પાકિસ્તાન ક્રિકેટમાં પાછા ફરવાની શક્યતાને નકારી કાઢી છે.
એક ઇન્ટરવ્યુમાં મોહમ્મદ આમિરે કહ્યું કે ‘હું હવે બ્રિટિશ સ્થાનિક છું. જ્યારે તમે કાઉન્ટી ચૅમ્પિયનશિપ અને ધ હન્ડ્રેડ જેવી ટુર્નામેન્ટમાં સ્થાનિક ખેલાડી તરીકે રમો છો ત્યારે તમારે એક દસ્તાવેજ પર સહી કરવી પડે છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તમે બીજા દેશ માટે સ્થાનિક ખેલાડી તરીકે રમી શકતા નથી. એથી પાકિસ્તાન સાથેનું મારું પાછલું પ્રકરણ હવે બંધ થઈ ગયું છે.’
મોહમ્મદ આમિરે પહેલી વાર ડિસેમ્બર ૨૦૨૦માં પાકિસ્તાન ટીમ મૅનેજમેન્ટ સાથે અસંતોષ દર્શાવીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. પછીથી T20 વર્લ્ડ કપ 2024 પહેલાં તેણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો અને લગભગ ચાર વર્ષના વિરામ પછી પાકિસ્તાન ટીમમાં પાછો ફર્યો. જોકે આ પુનરાગમન અલ્પજીવી રહ્યું. ડિસેમ્બર ૨૦૨૪માં મોહમ્મદ આમિરે ફરીથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. જોકે તે પાકિસ્તાન સુપર લીગ જેવી લોકલ ટુર્નામેન્ટમાં રમી રહ્યો હતો.