17 November, 2026 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૅમિલી સાથે સચિન તેન્ડુલકર
મુંબઈ ક્રિકેટ અસોસિએશને MCA શરદ પવાર ક્રિકેટ મ્યુઝિયમમાં ‘બૅટોગ્રાફી’ નામનો એક વિશેષ વિભાગ શરૂ કર્યો છે. સચિન તેન્ડુલકરે પોતાનાં પચીસ બૅટ મ્યુઝિયમને આપી દીધાં છે જેમાં ૧૯૭૮થી ૨૦૧૩ સુધીની તેની ભવ્ય ક્રિકેટસફરની ઝલક જોવા મળે છે. સચિનની ફૅમિલીની હાજરીમાં આ વિશેષ વિભાગ લૉન્ચ કરવામાં આવ્યો હતો.
આ પચીસ બૅટમાં ૧૯૭૮માં મોટી બહેન સવિતાએ પાંચ વર્ષના સચિનને આપેલું કાશ્મીરી વિલો બૅટ અને વેસ્ટ ઇન્ડીઝ સામે મુંબઈમાં રમેલી અંતિમ ૨૦૦મી ટેસ્ટ-મૅચ સમયના બૅટનો સમાવેશ થાય છે. બૅટની સાથે સચિને મુંબઈ રણજી ટ્રોફીની જર્સી, તેની અંતિમ ટેસ્ટ-મૅચની ભારતીય જર્સી અને હેલ્મેટ, તેમ જ વાનખેડે સ્ટેડિયમ ખાતેના ઇન્ટરનૅશનલ કરીઅરના વિદાયભાષણ દરમ્યાન તેણે જે કાગળનો ઉપયોગ કર્યો હતો એ પણ ભેટમાં આપી દીધો છે.