13 August, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોનીના ૧૧ વર્ષ જૂના ૧૦૦ કરોડ રૂપિયાના માનહાનિના કેસની ટ્રાયલ શરૂ કરવાનો આદેશ મદ્રાસ હાઈ કોર્ટે આપ્યો છે. ૨૦૧૪માં ધોનીએ IPL સટ્ટાબાજી કૌભાંડ પર ટેલિવિઝન-ચર્ચા દરમ્યાન અપમાનજનક કમેન્ટ બદલ ઝી મીડિયા, એના એડિટર અને બિઝનેસ હેડ સુધીર ચૌધરી, ન્યુઝ નેશન નેટવર્ક અને આઇ. પી. એસ. અધિકારી સંપત કુમાર સામે ૧૦૦ કરોડ રૂપિયાના માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
IPL 2013ના સ્પૉટ-ફિક્સિંગ અને સટ્ટાબાજી કૌભાંડને T20 લીગના ઇતિહાસમાં એક મોટું કલંક માનવામાં આવે છે, જેમાં રાજસ્થાનની ટીમના ત્રણ ક્રિકેટરો સ્પૉટ-ફિક્સિંગમાં સંડોવાયેલા હોવાનું સાબિત થયું હતું તથા ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સને તેમના ઉચ્ચ અધિકારીઓની સટ્ટાબાજી પ્રવૃત્તિઓને કારણે બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ સમયે આ અગ્રણી મીડિયા ચૅનલોએ ચેન્નઈની ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સટ્ટાબાજી કૌભાંડ સાથે જોડ્યું હતું.
વરિષ્ઠ વકીલ પી. આર. રમણે ધોની વતી એક સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં ટ્રાયલ શરૂ કરવાની માગ કરવામાં આવી હતી. આ ટ્રાયલ છેલ્લા એક દાયકાથી પેન્ડિંગ છે, કારણ કે સંબંધિત પક્ષો વર્ષોથી રાહત માગી રહ્યા છે. જસ્ટિસ સી. વી. કાર્તિકેયને ધોનીના સેલિબ્રિટી સ્ટેટસને કારણે ભીડ ટાળવા માટે ખાનગીમાં એના પુરાવા રેકૉર્ડ કરવા માટે એક ઍડ્વોકેટ કમિશનરની નિમણૂક કરી છે. ધોની આગામી ૨૦ ઑક્ટોબરથી ૧૦ ડિસેમ્બર દરમ્યાન આ પ્રક્રિયાઓ માટે ઉપલબ્ધ રહેશે.