04 June, 2026 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લલિત મોદીની ફાઇલ તસવીર
આજે ટી૨૦ ક્રિકેટ (T20 Cricket) દુનિયાના સૌથી લોકપ્રિય ફોર્મેટમાંથી એક છે અને ટી૨૦ વર્લ્ડ કપ (T20 World Cup) કોઈપણ ક્રિકેટર માટે સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટોમાં ગણાય છે. પરંતુ વર્ષ ૨૦૦૭માં પરિસ્થિતિ તદ્દન અલગ હતી. તે સમયે ન તો ખેલાડીઓને આ ફોર્મેટ પર બહુ ભરોસો હતો અને ન તો ક્રિકેટ પ્રશાસકોને તેની લોકપ્રિયતાનો અંદાજ હતો.
વર્ષ ૨૦૦૭, ક્રિકેટના એક નવા યુગની શરૂઆતનો સમય હતો. પ્રથમ ટી૨૦ વર્લ્ડ કપ સાઉથ આફ્રિકા (South Africa)માં યોજાવાનો હતો અને આ નવા ફોર્મેટમાં ભારત (India)ના રમવા અંગે આશંકાઓ સેવાઈ રહી હતી. આ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર (Sachin Tendulkar), રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ તેમાં રમવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમનું માનવું હતું કે આ ફોર્મેટ માત્ર યુવા ખેલાડીઓ માટે જ છે અને તેમનો ખેલ ટેસ્ટ તથા વનડે ક્રિકેટ પૂરતો જ મર્યાદિત રહેવો જોઈએ. જો કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ના પૂર્વ ચેરમેન લલિત મોદી (Lalit Modi)એ આ ત્રણેય દિગ્ગજોને ટૂર્નામેન્ટમાં રમવા માટે વ્યક્તિગત રીતે વિનંતી કરી હતી. આ રસપ્રદ કિસ્સાનો ખુલાસો ખુદ લલિત મોદીએ તાજેતરમાં જ કર્યો છે.
આઈપીએલ (IPL)ના પૂર્વ કમિશનર લલિત મોદીએ સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, પ્રથમ આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થતા પહેલાં તેમણે ભારતીય ખેલાડીઓને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત રીતે વિનંતી (અનુરોધ) કરવી પડી હતી, કારણ કે તે સમયે સિનિયર ખેલાડીઓ આ નવા ફોર્મેટમાં રમવા માટે બહુ ઉત્સાહિત નહોતા.
વાસ્તવમાં, ૨૦૦૭ના ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ (England)ના પ્રવાસે હતી, જ્યાં તેમણે ત્રણ ટેસ્ટ મેચ અને ૭ વનડે મેચની સિરીઝ રમવાની હતી. ૧૯ જુલાઈથી ૮ સપ્ટેમ્બર સુધી ચાલેલા આ લાંબા પ્રવાસ બાદ, ૧૧ સપ્ટેમ્બરથી જ ટી૨૦ વર્લ્ડ કપનો પ્રારંભ થવાનો હતો.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી જેવા સિનિયર સ્ટાર્સ ટીમનો હિસ્સો હતા. પરંતુ ટી૨૦ વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓની ગેરહાજરી વચ્ચે યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી. એમએસ ધોનીના નેતૃત્વ હેઠળની આ ભારતીય ટીમમાં વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, દિનેશ કાર્તિક, આરપી સિંહ, ઈરફાન પઠાન અને અન્ય ખેલાડીઓ સામેલ હતા.
પરંતુ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી જેવા સિનિયર ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો. આ અંગેનો કિસ્સો શેર કરતા લલિત મોદીએ વાતચીતમાં (Lalit Modi on 2007 T20 World Cup) જણાવ્યું કે, ‘જ્યારે ઇન્ડિયા ૨૦૦૭માં ઇંગ્લેન્ડના પ્રવાસે હતી, ત્યારે હું ડ્રેસિંગ રૂમમાં દરેક ખેલાડી પાસે ગયો હતો અને મેં કહ્યું હતું કે— પ્લીઝ, હું તમને ટી૨૦ રમવા માટે વિનંતી કરું છું. ત્યારે તેમણે મને કહ્યું હતું કે— લલિત, શું તું મજાક કરી રહ્યો છે? આ વળી કેવો મૂર્ખામીભર્યો ગેમ છે? અમે આ રમવા નથી માંગતા. ડ્રેસિંગ રૂમમાં બધાએ મને આ જ વાત કહી હતી કે અમારો પ્રવાસ ઘણો લાંબો રહ્યો છે અને હવે અમે અમારા પરિવાર સાથે સમય વિતાવવા માંગીએ છીએ. પરંતુ, આજે શું જનતા, ખેલાડીઓ કે ક્રિકેટ પ્રશાસકો એ વાત સ્વીકારશે કે કોઈ ખેલાડી વર્લ્ડ કપ ન રમે? જો એવું થાય તો ભારે હોબાળો મચી જાય.’
લલિત મોદીએ વધુમાં જણાવ્યું કે તે સમયે બીસીસીઆઈ (BCCI) એ પણ ટી૨૦ વર્લ્ડ કપને એટલું મહત્વ આપ્યું નહોતું અને સાઉથ આફ્રિકામાં યુવા ટીમ મોકલવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે, ‘બીસીસીઆઈએ પોતાની મુખ્ય ભારતીય ટીમને સાઉથ આફ્રિકા મોકલી જ નહોતી. તેમણે નક્કી કર્યું કે એક નવી ટીમ મોકલીએ અને તેની કેપ્ટનશીપ મહેન્દ્ર સિંહ ધોનીને સોંપીએ. એ ટીમ સંપૂર્ણપણે યુવા અને બિનઅનુભવી હતી. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી જેવા ખેલાડીઓ તે વર્લ્ડ કપમાં રમ્યા નહોતા.’
તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે આજના સમયમાં કોઈ પણ વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ભારતની `બી ટીમ` મોકલવાની કલ્પના પણ કરી શકાય તેમ નથી.