કલકત્તાના વધુ બે ખેલાડીઓ કોરોના-પૉઝિટિવ

09 May, 2021 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિંગ ખાનની ટીમના વરુણ અને સંદીપ બાદ હવે ન્યુ ઝીલૅન્ડનો વિકેટકીપર-બૅટ્સમૅન ટિમ સીફર્ટ અને ઇંગ્લૅન્ડ ટૂરમાં સ્ટૅન્ડ-બાય જાહેર થયેલો પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ણા કોરોનાગ્રસ્ત

પ્રસિદ્ધ ક્રિષ્ણા

આઇપીએલની ૧૪મી સીઝન સસ્પેન્ડ થઈ અને મોટા ભાગના ખેલાડીઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા છે, પણ કોરોનાગ્રસ્ત થવાનો સિલસિલો હજી અટકતો નથી. આઇપીએલના ખેલાડીઓમાં ગઈ કાલે વધુ બે ખેલાડીઓ કોરોનાગ્રસ્ત થયા હતા અને આ બન્ને કલકત્તા નાઇડર્સ ટીમના છે. વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર બાદ કલકત્તાના વધુ બે ખેલાડીઓ ન્યુ ઝીલૅન્ડનો વિકેટકીપર-બૅટ્સમૅન ટિમ સિફર્ટ અને ભારતનો યુવા પેસ બોલર અને શુક્રવારે જાહેર થયેલી ઇંગ્લૅન્ડની ટૂર માટેની ટીમમાં સ્ટૅન્ડ-બાય તરીકે સિલેક્ટ થયેલો પ્રસિદ્ધ ક્રિષ્ણાનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. 

સીફર્ટે ભારતમાં જ રહેવું પડશે
ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રમનાર ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓ માટે બે ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. એમાં એક ઑલરેડી રવાના થઈ ગઈ હતી અને બીજી જવાની તૈયારીમાં હતી. સિફર્ટ આ બીજી ફ્લાઇટમાં જવાનો હતો, પણ રવાના થતાં પહેલાં કરવામાં આવેલી બે ટેસ્ટમાં તે પૉઝિટિવ જણાયો હતો અને તેને તરત આઇસોલેટ કરવામાં આવ્યો હતો. જોકે તેને કોઈ ગંભીર લક્ષણ નથી જણાયા. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ દિવસમાં આ પહેલાં ૭ વખત સિફર્ટની ટેસ્ટ કરવામાં આવી હતી અને એ બધી નેગેટિવ આવી હતી અને અમને ખાતરી છે કે ફ્રૅન્ચાઇઝી તેની બેસ્ટ કાળજી રાખશે.

સિફર્ટને અમદાવાદથી હવે ચેન્નઈ ઇલાજ માટે મોકલવામાં આવશે. બે વાર નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ જ સિફર્ટને ન્યુ ઝીલૅન્ડ જવાની છૂટ મળશે. 

ગઈ સીઝનનો ખેલાડી અલી ખાન ઇન્જર્ડ થતાં કલકત્તાની ટીમે સિફર્ટને સાઇન કર્યો હતો અને આ વખતે ઑક્શન પહેલાં તેને ટીમમાં જાળવી રાખ્યો હતો. 

ક્રિષ્ણા હોમ-આઇસોલેટ
ત્રીજી મેએ બે નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ અન્ય ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ ક્રિષ્ણા પણ બૅન્ગલોર તેના ઘરે જતો રહ્યો હતો. જોકે બૅન્ગલોરમાં ઘરે પહોંચ્યા બાદ કરાવેલી ટેસ્ટમાં તે પૉઝિટિવ જણાયો હતો અને હવે ઘરમાં જ આઇસોલેટ થયો છે. ક્રિકેટ બોર્ડનાં સૂત્રોનું માનવું છે કે પ્રસિદ્ધ ક્રિષ્ણા અને સંદીપ વૉરિયર બન્ને ટ્રેઇનિંગ સેશન દરમ્યાન વરુણ ચક્રવર્તીને લીધે કોરોનાગ્રસ્ત થયા છે. ક્રિષ્ણા અને વરુણ ખૂબ સારા મિત્રો છે. એક દિવસ પહેલાં ભારતીય ટીમમાં સ્ટૅન્ડ-બાય તરીકે સિલેક્ટ થયાની ખુશીના માહોલમાં બીજા જ દિવસે ભંગ પડ્યો હતો. જોકે ક્રિકેટ બોર્ડને ખાતરી છે કે ૨૫ મેએ ખેલાડીઓ બાયો-બબલ્સમાં દાખલ થશે ત્યાં સુધીમાં ક્રિષ્ણા કોરોનામુક્ત થઈ જશે.

દિલ્હી સુરક્ષિત ન જણાતાં કિવીઓ પણ મૉલદીવ્ઝમાં
ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં રમનાર ખેલાડીઓને ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે ૧૧ મે સુધી ભારતમાં જ રહેવા કહ્યું હતું અને તેઓ અહીંથી ડાયરેક્ટ ઇંગ્લૅન્ડ રવાના થવાના હતા. આમાં કૅપ્ટન કેન વિલિયમસન, મિચેલ સૅન્ટનર અને કાયલ જેમિસન તથા ફિઝિયો ટૉમી સિમસેકનો સમાવેશ છે. તેઓ બધા દિલ્હીમાં જ બાયો-બબલ્સમાં હતા. જોકે દિલ્હીમાં વધી રહેલા કોરોનાના કેરને લીધે તેઓ ડરી ગયા છે અને ઑસ્ટ્રેલિયન ટીમની જેમ તેમણે મૉલદીવ્ઝ જતા રહેવાનું પસંદ કર્યું હતું. આ પહેલા ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ અને મુંબઈ ટીમના કોચ માહેલા જયવર્દેનેએ પણ મૉલદીવ્ઝ પસંદ કર્યું હતું.

kolkata knight riders ipl 2021 indian premier league cricket news sports news