હારની હૅ​ટ-ટ્રિકથી બચવા માગશે કોહલીસેના

28 March, 2021 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વન-ડે સિરીઝનો અને ભારતના પ્રવાસનો અંતિમ મુકાબલો જીતવાના લક્ષ્યથી બટલર-બહાદુરો અને વિરાટ-વીરો સામસામે કરશે બે-બે હાથ

વિરાટ કોહલી

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રણ વન-ડે ​મૅચની સિરીઝમાંની ત્રીજી અને અંતિમ વન-ડે આજે પુણેમાં રમાશે. બન્ને ટીમ સિરીઝમાં ૧-૧ની બરાબરીએ છે જેને લીધે આજનો મુકાબલો રોચક અને નિર્ણાયક બની રહેશે. ટેસ્ટ અને ટી૨૦ સિરીઝ જીત્યા બાદ ભારત ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ પણ જીતવા માગશે, જ્યારે બીજી વન-ડેમાં દમદાર પ્રદર્શન કરનાર ઇંગ્લૅન્ડની ટીમ કમસે કમ એક સિરીઝ જીતીને પોતાનો ભારત-પ્રવાસ પૂરો કરવા માગશે.
ભારતીય ટીમમાં ફેરફાર સંભવિત
પહેલી વન-ડેમાં ૬૬ રને જીત મેળ‍વ્યા બાદ ભારતને બીજી વન-ડેમાં ૬ વિકેટે પરાજય મળ્યો હતો. પહેલી વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય બોલરો બીજી વન-ડેમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. બન્ને વન-ડેમાં કુલ ૧૯ ઓવર નાખીને કુલદીપ યાદવે ૧૫૨ રન આપ્યા હતા. સંભવ છે કે વિરાટસેના આજની નિર્ણાયક મૅચમાં કુલદીપને બહાર રાખીને યુઝવેન્દ્ર ચહલ અથ‍વા વૉશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરે. પેસરોમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ વહેલી વિકેટ લેવી પડશે. ભુવનેશ્વર કુમારે પણ પોતાના અનુભવનો સારો ઉપયોગ કરીને મહેમાન ટીમને પરાસ્ત કરવામાં અગત્યની ભૂમિકા ભજવવી પડશે.
કરવી પડશે સારી શરૂઆત
ભારતીય ટીમે બન્ને વન-ડેમાં ધીમી શરૂઆત કરી હોવા છતાં ૩૦૦થી વધારે રનનો આંકડો પાર કર્યો હતો. પહેલી મૅચમાં તેઓ રન ડિફેન્ડ કરવામાં સફળ રહ્યા હતા, પણ બીજી વન-ડેમાં જૉની બરેસ્ટૉ અને બેન સ્ટોક્સની ફટાકાબાજી ગેમ-ચેન્જર સાબિત થઈ હતી. ભારતે આ મૅચ અને ​સિરીઝ જીતવા ​ઇંગ્લૅન્ડની દમદાર બૅટિંગ લાઇનઅપને વહેલી પૅવિલિયનભેગી કરવી પડશે. કૅપ્ટન કોહલી પણ સતત ચાર વાર હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે પણ એને સેન્ચુરીમાં પરિવર્તિત નથી કરી શક્યો. 
બે વન-ડે સિરીઝ હાર્યું છે
આંકડા પ્રમાણે જોઈએ તો છેલ્લી બે વન-ડે સિરીઝમાં ભારતને પરાજય મળ્યો છે. જો આજની સિરીઝ કોહલીસેના હારી જાય તો તે સતત ત્રીજી વન-ડે સિરીઝ ગુમાવશે. આ પહેલાં ભારતે ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝ ૧-૨થી ગુમાવી હતી, જ્યારે ૨૦૧૯-’૨૦માં ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં તેમનો વ્હાઇટ વૉશ થયો હતો. ૨૦૧૯-’૨૦માં સાઉથ આફ્રિકા સામે ભારતમાં યોજાનારી સિરીઝ કોરોનાને લીધે રદ થઈ હતી.

cricket news sports sports news virat kohli