લોકેશ રાહુલને બહાર બેસાડી રાખવામાં કોઈ સેન્સ નથી લાગતું : કપિલ દેવ

26 February, 2020 04:04 PM IST  |  Mumbai

લોકેશ રાહુલને બહાર બેસાડી રાખવામાં કોઈ સેન્સ નથી લાગતું : કપિલ દેવ

ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર કપિલ દેવ

કોહલી ઍન્ડ ટીમને ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી ટેસ્ટ મૅચમાં મળેલી હારને પગલે ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર કપિલ દેવે તેમને વખોડી નાખીને પ્લેયરોને આડેહાથ લીધા છે. પહેલી ટેસ્ટ મૅચ ઇન્ડિયાએ ૧૦ વિકેટે ગુમાવી હતી. ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી મૅચ હારતાં કપિલ દેવે કહ્યું હતું કે ‘ન્યુ ઝીલૅન્ડ જે પ્રમાણે ગેમ રમ્યું છે એ પ્રમાણે તો આપણે તેમનાં વખાણ કરવાં પડે એમ છે. ત્રણ વન-ડે અને પછી ટેસ્ટ મૅચ અદ્ભુત રીતે જીત્યા. જો આ મૅચનું ક્રિટિકલ ઍનૅલિસિસ કરીએ તો મને ખબર નથી પડતી એક ટીમમાં આટલાબધા બદલાવ સતત કેમ કરવામાં આવી રહ્યા છે? દરેક મૅચમાં મોટા ભાગે નવી ટીમ જોવા મળી રહી છે. ટીમમાં કોઈ પણ પર્મનેન્ટ નથી. જો પ્લેયરોને રમવાની સિક્યૉરિટી ન મળી શકે તો તેમના પર્ફોર્મન્સ પર ચોક્કસ અસર પડે છે. એક પ્લેયર તરીકે જો તમે બે ઇનિંગમાં કમસે કમ ૨૦૦ રન પણ ન બનાવી શકો તો તમે મૅચની સ્થિતિ કઈ રીતે બદલી શકશો? તમારે પ્લાનિંગ અને સ્ટ્રૅટેજી પર કામ કરવાની જરૂર છે.’

ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝમાં પ્લેયર ઑફ ધ સિરીઝ રહેલા લોકેશ રાહુલને ટેસ્ટમાં રમાડવામાં નહોતો આવ્યો. રાહુલ સંદર્ભે કપિલ દેવે કહ્યું કે ‘અમે જે રીતે રમતા હતા અને આજે જે રમાઈ રહ્યું છે એમાં ઘણો તફાવત છે. તમે જ્યારે ટીમ બનાવો છો ત્યારે તમારે પ્લેયરોને કૉન્ફિડન્સ આપવો પડે છે. જોકે ટીમમાં સતત બદલાવ થતા રહે તો એનો કોઈ અર્થ નથી રહેતો. મૅનેજમેન્ટ ફૉર્મેટ પ્રમાણે પ્લેયરોને પસંદ કરે છે. રાહુલ સારા ફૉર્મમાં છે, પણ તેને ટીમની બહાર બેસાડી રાખવામાં કોઈ સેન્સ નથી. મારું માનવું છે કે જ્યારે પ્લેયર સારા ફૉર્મમાં હોય ત્યારે તેને રમાડવો જોઈએ.’

sports sports news india kapil dev kl rahul virat kohli cricket news board of control for cricket in india