ટી૨૦ લીગના અતિરેકથી ફુટબૉલની જેમ ક્રિકેટમાં પણ રાષ્ટ્રો વચ્ચે માત્ર વર્લ્ડ કપ જ રમાશે? : કપિલ દેવ

16 August, 2022 01:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વન-ડેના ચૅમ્પિયન-કૅપ્ટને વન-ડે અને ટેસ્ટને બચાવવા માટે આઇસીસીને કરી અપીલ

કપિલ દેવ

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવનું એવું માનવું છે કે વન-ડે અને ટેસ્ટ-ક્રિકેટને બચાવવા માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વધુ સમય આપવાની જરૂર છે.
ફ્રૅન્ચાઇઝી-આધારિત ટી૨૦ લીગ ટુર્નામેન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે, જેને કારણે ખાસ કરીને વન-ડે ક્રિકેટનું ભાવિ જોખમમાં મુકાયું છે. ટેસ્ટ-ક્રિકેટ સામે પણ થોડું જોખમ છે. ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપના સુપરસ્ટાર બેન સ્ટોક્સે તાજેતરમાં વન-ડે રમવાનું છોડ્યું એને પગલે વન-ડે ક્રિકેટના ભવિષ્ય વિશે ક્રિકેટપ્રેમીઓને વધુ ચિંતા થવા લાગી છે.

કપિલને ‘સિડની મૉર્નિંગ હેરલ્ડ’એ એવું કહેતા ટાંક્યા છે કે ‘વન-ડે ક્રિકેટનું ભાવિ ધૂંધળું થઈ રહ્યું છે એ જોતાં એને બચાવવા આઇસીસી પર જવાબદારી વધી ગઈ છે. જેમ યુરોપમાં રાષ્ટ્રો હવે ફુટબૉલમાં એકમેક સામે બહુ નથી રમતા. દર ચાર વર્ષે રમાતા વર્લ્ડ કપમાં એકમેક સામે રમતા હોય છે. મોટા ભાગે ટી૨૦ લીગ સ્પર્ધાઓ જ થાય છે. શું ક્રિકેટમાં પણ આવું બનવા જઈ રહ્યું છે? દર ચાર વર્ષે ક્રિકેટનો વર્લ્ડ કપ રમાશે એમાં જ દેશો એકબીજા સામે રમશે અને બાકીના સમયમાં આઇપીએલ, બિગ બૅશ વગેરે લીગ ટુર્નામેન્ટો જ રમાશે કે શું?’

૧૯૮૩માં કપિલની કૅપ્ટન્સીમાં ભારત વન-ડેનો ઐતિહાસિક વર્લ્ડ કપ જીત્યું હતું. ભારતની આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે સિડનીમાં ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા સ્ટ્રૅટેજિક અલાયન્સ દ્વારા આયોજિત ડિનરમાં કપિલ દેવને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘ચાલો, ક્લબ-ક્રિકેટ પણ એક વાર ચાલી જાય અને બિગ બૅશ પણ ઓકે છે, 
પરંતુ હવે તો જુઓ! સાઉથ આફ્રિકાની પણ લીગ આવી રહી છે અને યુએઈમાં પણ રમાવાની છે. જો બધા દેશો માત્ર ક્લબ ક્રિકેટ (ફ્રૅન્ચાઇઝી ક્રિકેટ) જ રમશે તો ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં માત્ર વર્લ્ડ કપ જ રમાશે.’

sports news sports cricket news t20 kapil dev international cricket council