કોહલી અને સ્મિથને પછાડીને વિલિયમસન બન્યો નંબર-વન

01 January, 2021 12:24 PM IST  |  Dubai | Agency

કોહલી અને સ્મિથને પછાડીને વિલિયમસન બન્યો નંબર-વન

કેન વિલિયમસન

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ગઈ કાલે વર્ષના અંતે ટેસ્ટ પ્લેયરોનું નવું રૅન્કિંગ્સ જાહેર કર્યું હતું. આ નવા રૅન્કિંગ્સ મુજબ ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસને ભારતના વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પછાડીને પહેલો ક્રમ પ્રાપ્ત કરી લીધો છે. જોકે આ ત્રણેય પ્લેયર્સ વચ્ચે મામૂલી અંકનું અંતર છે. કેન વિલિયમસન ૮૯૦ના રેટિંગ સાથે પહેલા ક્રમે છે, જ્યારે બીજા ક્રમે વિરાટ કોહલી ૮૭૯ અને ત્રીજા ક્રમે સ્ટીવ સ્મિથ ૮૭૭નું રેટિંગ ધરાવે છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મૅચ દરમ્યાન સેન્ચુરી ફટકારીને અજિંક્ય રહાણે આ યાદીમાં ૭૮૪ના રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે, જ્યારે ચેતેશ્વર પુજારા ૭૨૮ના રેટિંગ સાથે ૧૦મા ક્રમે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ મૅચમાં સેન્ચુરી ફટકારી હોવાને લીધે કેન વિલિયમસનને આઇસીસી રૅન્કિંગ્સમાં પહેલો ક્રમ પ્રાપ્ત કરવામાં મદદ મળી હતી. ૨૦૧૫ પછી કોઈ કિવી કૅપ્ટન આ યાદીમાં શીર્ષસ્થાને પહોંચ્યો હોવાની આ પહેલી ઘટના છે. માર્નસ લબુશેન (૮૫૦) પણ આ યાદીમાં ચોથા ક્રમે છે, જ્યારે પાકિસ્તાનનો બાબર આઝમ (૭૮૯) પાંચમા ક્રમે છે.

ટેસ્ટ ક્રિકેટના બોલરોની યાદીમાં ઑસ્ટ્રેલિયાનો પૅટ કમિન્સ ૯૦૬ના રેટિંગ સાથે પહેલા ક્રમે છે. ટૉપ-10માં રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહ અનુક્રમે ૭૯૩ અને ૭૮૩ના રૅન્કિંગ સાથે સાતમા અને નવમા ક્રમે છે.

new zealand cricket news sports news india kane williamson virat kohli steve smith