હૅટ-ટ્રિક બદલ હું કોહલીનો આભારી છું : જસપ્રીત બુમરાહ

02 September, 2019 01:27 PM IST  | 

હૅટ-ટ્રિક બદલ હું કોહલીનો આભારી છું : જસપ્રીત બુમરાહ

હાલમાં ચાલી રહેલી ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચમાં ભારતીય બોલરોની યાદીમાં જસપ્રીત બુમરાહનું નામ તેના શાનદાર પ્રદર્શનને કારણે ઘણું ચર્ચાઈ રહ્યું છે. બીજી ટેસ્ટ મૅચના બીજા દિવસે જસપ્રીત બુમરાહે હૅટ-ટ્રિક લઈને કમાલ કરી હતી અને એ બદલ ચારેકોર તેની પ્રશંસા થઈ રહી છે અને તેને શુભેચ્છાઓ અપાઈ રહી છે. જોકે બીજી બાજુ તે પોતે કૅપ્ટન વિરાટ કોહલીનો આભાર માને છે કે તેને કારણે તે હૅટ-ટ્રિક લેવાનો રેકૉર્ડ પોતાના નામે નોંધાવી શક્યો.

વાસ્તવમાં બીજા દિવસનો ખેલ પૂરા થયા બાદ જ્યારે બુમરાહ સાથે તેની ઉપલબ્ધિ વિશે વાત કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે ‘ત્રીજી વિકેટ માટે અપીલ કરવી કે ન કરવી એ વિશે હું થોડો અવઢવમાં હતો, કારણ કે મને એમ લાગતું હતું કે બૉલ બૅટને લાગ્યો છે, પણ અંતે રિવ્યુ કામ લાગ્યો. મારી હૅટ-ટ્રિક માટે હું કૅપ્ટનનો આભાર માનું છું.’

બુમરાહે ત્રીજી વિકેટના રૂપે રોસ્ટન ચેસને એલબીડબ્લ્યુ કર્યો હતો. જોકે અમ્પાયરે તેને આઉટ આપ્યો નહોતો, પણ કોહલી અને રહાણે બન્ને આ વિકેટ માટે મક્કમ હતા. ત્યાર બાદ કોહલીએ રિવ્યુની માગણી કરી અને નિર્ણય આઉટમાં પરિણમ્યો અને હૅટ-ટ્રિકનો રેકૉર્ડ બુમરાહના નામે નોંધાયો.

બુમરાહે એ વખતે પિચ પર ચાલી રહેલી હિલચાલ વિશે વાત કરતાં કહ્યું કે ‘મેદાનમાં અમારી વચ્ચે સતત વાતો ચાલી રહી હતી. મને જે પ્રમાણે વિકેટ મળી રહી હતી એ પ્રમાણે અમે સામેની ટીમ પર પ્રેશર બનાવી શક્યા હતા.’ બુમરાહે બીજા દિવસનો ખેલ સમાપ્ત થતાં પહેલાં ૧૬ રન આપીને ૬ વિકેટ મેળવી હતી અને મોહમ્મ્દ શમીને એક વિકેટ મળી હતી.

ભજ્જી અને ઇરફાને કર્યું બુમરાહનું સ્વાગત

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ મૅચના બીજા દિવસે પહેલી ઇનિંગમાં બૅટિંગ કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ પર જસપ્રીત બુમરાહ ભારે પડ્યો હતો અને તેણે આ મૅચમાં હૅટ-ટ્રિક લઈને નવો રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો જેમાં ડૅરેન બ્રાવો, શામર્હ બ્રુક્સ અને રોસ્ટન ચેસ તેના શિકાર બન્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં હૅટ-ટ્રિક લેનારો બુમરાહ ભારતનો ત્રીજો પ્લેયર બન્યો છે. આ પહેલાં હરભજન સિંહ અને ઇરફાન પઠાણ આ ઉપલબ્ધિ મેળવી ચૂક્યા છે.

બુમરાહના આ રેકૉર્ડ બદલ બન્ને પ્લેયરોએ તેને અભિનંદન આપ્યાં હતાં. ભજ્જીએ કહ્યું કે ‘સેન્સેશનલ. એક અદ્ભુત સ્પેલ બુમરાહને અભિનંદન. હૅટ-ટ્રિક ક્લબમાં તારું સ્વાગત છે. ભાઈ, તારા પર અમને ઘણો ગર્વ છે. આવી જ રીતે આગળ વધતો રહેજે.’ ઇરફાન પઠાણે ટ્વીટ કર્યું હતું, ‘હૅટ-ટ્રિક ક્લબમાં જસપ્રીત બુમરાહનું સ્વાગત છે.’

ટેસ્ટ ક્રિકેટમાં હૅટ-ટ્રિક લેનારો ભારતનો ત્રીજો પ્લેયર બન્યો

ઇન્ડિયન પ્લેયરોના શાનદાર પર્ફોર્મન્સને પગલે બીજી ટેસ્ટ મૅચમાં ભારતની સ્થિતિ મજબૂત બની ગઈ છે. હનુમા વિહારીની સેન્ચુરી, કોહલીની ઇનિંગ, ઇશાન્ત શર્માની હાફ સેન્ચુરી અને જસપ્રીત બુમરાહની જબરદસ્ત બોલિંગ સામે વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરો પહેલી ઇનિંગમાં ઘૂંટણિયે પડી ગયા છે. ખાસ કરીને બુમરાહની બોલિંગે સૌકોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું છે.

પહેલી ઇનિંગમાં બીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝની ૬ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં હૅટ-ટ્રિક લઈને નવો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. બુમરાહ પહેલાં હરભજન સિંહે ૨૦૦૧માં ઑસ્ટ્રેલિયા સામે અને ઇરફાન પઠાણે ૨૦૦૬માં પાકિસ્તાન સામે હૅટ-ટ્રિક લીધી હતી. બુમરાહે બીજા દિવસના ખેલમાં ૯.૧ ઓવરમાં માત્ર ૧૬ રન આપીને ૬ વિકેટ લીધી હતી. તેની ૯.૧ ઓવરમાં ત્રણ ઓવર મેઇડન હતી.

આ પણ વાંચો:Ind vs WI:વિરાટ કોહલીએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

નવમી ઓવર નાખવા આવેલા બુમરાહે બીજા બૉલમાં ડૅરેન બ્રાવોને લોકેશ રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ત્રીજા અને ચોથા બૉલ પર તેણે અનુક્રમે શમર્હ બ્રુક્સ અને રોસ્ટન ચેસને એલબીડબ્લ્યુ કર્યા હતા. જોકે ત્રીજી વિકેટ માટે વિરાટ કોહલીએ ડીઆરએસ લીધો હતો, જેમાં રોસ્ટન આઉટ જાહેર થયો હતો.

jasprit bumrah gujarati mid-day sports news