જાડેજાએ ફટકારી સેન્ચુરી, બુમરાહનો નવો વર્લ્ડ રેકૉર્ડ

03 July, 2022 05:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુમરાહ સ્પેશ્યલના માર્ગમાં વરસાદે નાખ્યું વિઘ્ન, ભારતના ૪૧૬ રન સામે ઇંગ્લૅન્ડે ૬૦ રનમાં ગુમાવી ૩ વિકેટ

સેન્ચુરી ફટકાર્યા બાદ રવીન્દ્ર જાડેજા

વરસાદના વિઘ્નવાળી બર્મિંગહૅમ ટેસ્ટમાં બીજા દિવસે ભારતનો હાથ મજબૂત રહ્યો હતો. તમામ ફૉર્મેટમાં રવીન્દ્ર જાડેજાએ પોતાની ઉપયોગિતા પુરવાર કરતાં શાનદાર સદી ફટકારી હતી, તો ત્યાર બાદ પહેલી વખત કૅપ્ટન્સી સંભાળી રહેલા જસપ્રીત બુમરાહે કરેલા વર્લ્ડ રેકૉર્ડને કારણે ભારતે ઇંગ્લૅન્ડ સામે ૪૧૬ રન કર્યા હતા.  બૅટિંગમાં રેકોર્ડ નોંધાવ્યા બાદ બુમરાહે બોલિંગમાં પણ તરખાટ મચાવ્યો હતો. બુમરાહે ઓપનર ઍલેક્સ લી (૬)ને બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ તેણે ઝૅક ક્રૉઉલી (૯) અને ઓલી પોપ (૧૦)ને સ્લિપમાં અનુક્રમે શુભમન ગિલ અને શ્રેયસ ઐયરના હાથે કૅચઆઉટ કરાવ્યા હતા. જો રૂટ (૧૯ રને રમતમાં) અને જૉની બેરસ્ટૉ (૬ રને રમતમાં) ક્રીઝ પર હતા ત્યારે બીજા દિવસે ત્રીજી વખત વરસાદને કારણે મૅચને અટકાવવાની ફરજ પડી હતી. ત્યારે ઇંગ્લૅન્ડે ૬૦ રનમાં ૩ વિકેટ ગુમાવી હતી. 
૧૮ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો 
જસપ્રીત બુમરાહે ૧૬ બૉલમાં ફટકારેલા નૉટઆઉટ ૩૧ રન એજબૅસ્ટન સ્ટેડિયમમાં હાજર લોકોને લાંબા સમય સુધી યાદ રહેશે, કારણ કે તેણે સ્ટુઅર્ટ બ્રૉડની એક ઓવરમાં બૅટથી કુલ ૨૯ રન ફટકાર્યા હતા, વળી એ ઓવરમાં ૬ એક્સ્ટ્રા સાથે કુલ ૩૫ રન બન્યા હતા. કૅપ્ટન તરીકે પોતાની પહેલી જ મૅચ રમી રહેલા બુમરાહે ક્યારેય વિચાર્યું નહીં હોય કે તે બ્રાયન લારા (૨૮ રન)નો ટેસ્ટની એક જ ઓવરમાં સૌથી વધુ રનનો છેલ્લાં ૧૮ વર્ષથી અકબંધ રહેલો રકૉર્ડ તોડશે. તેણે બ્રૉડની ઓવરમાં ૪ ફોર અને બે સિક્સર ફટકારીને કોચ બ્રૅન્ડન મૅક્લમની આક્રમક બૅટિંગની ફિલોસૉફીનો ડોઝ તેમની જ ટીમને આપ્યો હતો. 
જાડેજાની ત્રીજી સદી
રિષભ પંતની સદી અને જાડેજાની સદી બાદ કોઈએ વિચાર્યું નહોતું કે ભારતના ૯, ૧૦ અને ૧૧મા ક્રમાંકના ખેલાડીની મદદથી સ્કોરમાં ૯૩ રનનો વધારો થશે. ચાર મહિના પહેલાં મોહાલીમાં સદી ફટકાર્યા બાદ જાડેજાએ પોતાના કરીઅરની ત્રીજી સદી ફટકારી હતી. જોકે પરિસ્થિતિ જોતાં આ સદીનું મહત્ત્વ વધારે હતું. જાડેજાએ કુલ ૧૩ બાઉન્ડરી ફટકારી હતી. તેને લીધે જ પંત પોતાની આક્રમત રમત રમી શક્યો હતો. ટેસ્ટમાં ૨૫૦૦થી વધુ રન તેમ જ ૨૪૨ વિકેટને લીધે કપિલ દેવ બાદ તેને ભારતનો શ્રેષ્ઠ ઑલરાઉન્ડર ગણાવી શકાય. વળી ટેસ્ટમાં તેની ૩૭ કરતાં વધુની ઍવરેજ ઘણા સ્પેશ્યલિસ્ટ બૅટર કરતાં વધુ છે. 
ઍન્ડરસનની પાંચ વિકેટ
ઇંગ્લૅન્ડની બોલિંગની વાત કરીએ તો ૪૦ વર્ષ પૂર્ણ થવામાં માત્ર એક જ મહિનાની વાર છે એવા જેમ્સ ઍન્ડરસને ૬૦ રન આપીને પાંચ વિકેટ લીધી છે. તેણે કુલ ૩૨ વખત ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે, તો બ્રૉડે કુલ ૫૫૦ ટેસ્ટ-વિકેટ લીધી છે. 

sports news cricket news jasprit bumrah ravindra jadeja