ટીમમાંથી પડતા મુકાવાનું દુઃખ હું જાણું છું : કાર્તિક

19 June, 2022 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિકે આ વાત હાર્દિક પંડ્યા સાથે બીસીસીઆઇ ટીવી પર વાતચીત દરમ્યાન કરી હતી

રાજકોટમાં મૅચ જીત્યા બાદ વાતચીત કરતા હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે કહ્યું કે ‘ટીમમાંથી પડતા મુકાવાના દુઃખની મને ખબર છે. મેં વાપસી કરવાના મુદ્દાને બહુ મોટું સ્વરૂપ આપી દીધું હતું. સતત પ્રૅક્ટિસ કરીને ફરી પાછો હું આ જર્સી પહેરવા માગતો હતો.’

છેલ્લાં ત્રણ વર્ષથી ભારતીય ટીમમાં પ્રવેશવાનો પ્રયત્ન કરનાર કાર્તિકે કહ્યું કે ‘હું આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ રમવા માગું છું. ભારત તરફથી રમવું કેટલું મહત્ત્વનું છે એની મને ખબર છે. હું કંઈક અલગ કરવા માગતો હતો. મારા સદ્નસીબે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે મને એ તક આપી જે ભૂમિકા ભજવવા માટે હું તૈયાર હતો. મને એ માટે બધાનો સપોર્ટ મળ્યો.’

કાર્તિકે આ વાત હાર્દિક પંડ્યા સાથે બીસીસીઆઇ ટીવી પર વાતચીત દરમ્યાન કરી હતી. કાર્તિકને હવે પોતાનું સ્થાન મજબૂત લાગે છે. તેણે કહ્યું કે ‘હું ટીમને ખરાબ પરિસ્થિતિમાંથી જિતાડનાર ખેલાડી બનવા માગું છું. હું આમ કરવા માગું છું, કારણ કે મેં ટીમને બહારથી પણ જોઈ છે. મને ખબર છે કે ટીમના સભ્ય બનવું કેટલું કઠિન છે. ડ્રેસિંગરૂમમાં અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ છે.’

sports sports news cricket news india dinesh karthik hardik pandya