દરેક પ્લેયરને પોતાનું યોગદાન આપતા જોઈને ઘણું સારું લાગ્યું: રહાણે

20 January, 2021 10:30 AM IST  |  Brisbane | Gujarati Mid-day Correspondent

દરેક પ્લેયરને પોતાનું યોગદાન આપતા જોઈને ઘણું સારું લાગ્યું: રહાણે

અજિંક્ય રહાણે

મુંબઈકર અજિંક્ય રહાણેએ ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમની કમાન સંભાળીને શ્રેષ્ઠ કપ્તાનીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મૅચ અને સિરીઝ જીત્યા બાદ રહાણેએ ટીમના દરેક પ્લેયરનાં વખાણ કરતાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું.

રહાણેએ કહ્યું કે ‘મારા દેશને લીડ કરવાનો મને ગર્વ છે. આ મારા માટે નથી, ટીમ માટે છે. હું સારો દેખાઈ રહ્યો છું, કારણ કે ટીમના દરેક સભ્યએ પોતાનું યોગદાન આપ્યું છે. અમારા માટે ફીલ્ડ પર પોતાનું કૅરૅક્ટર, ફાઇટિંગ સ્પિરિટ અને ઍટિટ્યુડ મહત્ત્વનાં હતાં.’

નોંધનીય છે કે ઍડીલેડ ટેસ્ટ હાર્યા બાદ રહાણેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટ મૅચ આઠ વિકેટે જીતીને સિરીઝ ૧-૧ની બરાબરીએ લાવી દીધી હતી. એ મૅચ બાદ ભારતીય સિરીઝમાં ટીમ બેઠી થઈ હતી અને સિડની ટેસ્ટ ડ્રૉ કરાવવામાં પણ સફળ રહી હતી. આ મુદ્દે વાત કરતાં અજિંક્ય રહાણેએ કહ્યું કે ‘ઍડીલેડ ટેસ્ટ બાદ પાછા બેઠા થવું ઘણું અઘરું હતું, પણ અમે અમારું વ્યક્તિત્વ અને લડત આપવાની ધગશ જાળવી રાખી હતી. અમે પરિણામ વિશે વધારે વિચાર નથી કરતા, પણ માત્ર સારું ક્રિકેટ રમવા માગીએ છીએ. આ જીતનું શ્રેય ટીમના દરેક સભ્ય અને સપોર્ટ-સ્ટાફને જાય છે. માત્ર અમે જ આ જીત નથી માણતા, સમગ્ર ભારતીયો આ જીતનો આનંદ લઈ રહ્યો છે. આ ઐતિહાસિક જીતને અમે આજે માણવા માગીએ છીએ, કારણ કે એક વાર ભારત પહોંચ્યા પછી અમે ઇંગ્લૅન્ડ સિરીઝ પર ધ્યાન આપીશું.’

ઉલ્લેખનીય છે કે રહાણેએ ટીમના દરેકેદરેક સભ્યનાં મન ભરીને વખાણ કર્યાં હતાં. પાંચમી ફેબ્રુઆરીથી ઇંગ્લૅન્ડ સામે ચેન્નઈમાં શરૂ થનારી ટેસ્ટ-સિરીઝની શરૂઆતની બે મૅચ માટે સંભવિત ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રહાણેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

sports sports news cricket news test cricket india australia ajinkya rahane