19 May, 2025 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
IPLમાં મજાક-મસ્તી કરતા વિરાટ કોહલી અને ઇશાન્ત શર્મા.
ભારતીય ફાસ્ટ બોલર ઇશાન્ત શર્માએ વિરાટ કોહલી સાથેની પોતાની મિત્રતા વિશે રસપ્રદ નિવેદન આપ્યું છે. કોહલી સાથે દિલ્હી માટે સ્થાનિક ક્રિકેટ રમનાર ઇશાન્ત શર્મા કહે છે કે ‘વિરાટ કોહલી બહારના લોકો માટે સ્ટાર છે, અમે અન્ડર-17માં સાથે રમ્યા હોવાથી હું તેને આ રીતે જોઈ શકતો નથી. તે મારો બાળપણનો મિત્ર છે. જ્યારે અમે અન્ડર-19માં હતા ત્યારે અમે ગણતરી કરતા હતા કે અમારી પાસે કેટલા પૈસા છે. ત્યારે અમે અમારા ટ્રાવેલ અલાઉન્સ બચાવતા હતા અને એને અમારી સાથે લઈ જતા હતા. એટલા માટે વિરાટ કોહલી દરેક માટે અલગ છે, તે મારા માટે અલગ છે.’
૩૬ વર્ષના ઇશાન્તે આગળ કહ્યું, ‘જ્યારે અમે મળીએ છીએ ત્યારે ક્રિકેટની વાત નથી કરતા, અમે રમૂજી જોક્સ કરીએ છીએ. મને ક્યારેય એવું લાગ્યું નહીં કે તે વિરાટ કોહલી (સ્ટાર) છે. અમારા માટે તે ‘ચીકુ’ (કોહલીનું ઉપનામ) જ છે. અમે હંમેશાં તેને આ રીતે જોયો છે. તેણે મને પણ આ રીતે જોયો છે. અમે સાથે સૂતા અને એક રૂમ શૅર કરતા.’
દિલ્હીમાં જન્મેલા આ બન્ને ક્રિકેટર્સ અન્ડર-17થી સિનિયર ભારતીય ટીમ માટે પણ સાથે ક્રિકેટ રમ્યા છે.