ઈરફાન પઠાણ આ રાજ્યની ટીમને વડોદરામાં આપશે ટ્રેનિંગ

04 September, 2019 05:08 PM IST  |  વડોદરા

ઈરફાન પઠાણ આ રાજ્યની ટીમને વડોદરામાં આપશે ટ્રેનિંગ

જમ્મુ કાશ્મીરની ટીમના કોચ ઈરફાન પઠાણે ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન પહેલા એક મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી સિઝનની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ઈરફાન પઠાણે જમ્મુ કાશ્મીરની રણજી ટીમ માટે વડોદરામાં જ ટીમનો કેમ્પ લગાવવાનો નિર્ણય કર્યો છે. ઈરફાન પઠાણે આ વાતની માહિતી આપતા કહ્યું કે ટીમનો કેમ્પ 6 સપ્ટેમ્બરથી વડોદરામાં શરૂ થશે. અને જમ્મુ કાશ્મીરની ટીમ માટે આ ખૂબ જ મહત્વનો કેમ્પ હશે.

ઈરફાને કહ્યું, 'ટીમના તમામ ખેલાડીઓને એક જગ્યાએ એક્ઠા થવા કહેવાયું છે. ટીમમાં કુલ 27 ખેલાડીઓ છે, જેમાંથી કેટલાક જમ્મુના છે અને કેટલાક કાશ્મીરના છે. આ પહેલા અમે બેઠક કરી હતી, જેમાં એ નક્કી કરાયું હતું કે અમે સ્થાનિક ટીવી ચેનલ દ્વારા એક જાહેરાત આપીશું. ખેલાડીઓ જમ્મુમાં ભેગા થઈ ચૂક્યા છે, ટીમનો કેમ્પ વડોદરામાં લાગશે. આ કેમ્પ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગુરુવારે શરૂ થશે.'

ઉલ્લેખનીય છે કે ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન શરૂ થઈ ચૂકી છે. હાલ દુલીપ ટ્રોફીની મેચ રમાઈ રહી છે. તેના તરત બાદ 50-50 ઓવરના ફોર્મેટની વિજય હઝારે ટ્રોફી શરૂ થશે. તો 9 ડિસેમ્બરથી રણજી ટ્રોફીની લીગની મેચ શરૂ થશે.

આ પણ વાંચોઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ સંઘની ક્રિકેટને લગતી તમામ કાર્યવાહી હાલ રોકી દેવાઈ છે. JKCAના અધિકારીઓએ કેટલાક દિવસો પહેલા આ માહિતી આપતા કહ્યું હતું કે ટીમના તમામ ખેલાડીઓને સુરક્ષાના કારણે રાજ્ય છોડી દેવા કહેવાયું છે.

jammu and kashmir sports news cricket news