ભારત-પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષને કારણે IPLની ૧૮મી સીઝન એક અઠવાડિયા માટે સ્થગિત

11 May, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોર્ડે કહ્યું કે ક્રિકેટ એક રાષ્ટ્રીય જુસ્સો છે, પરંતુ રાષ્ટ્ર અને દેશની સુરક્ષાથી મોટું કંઈ નથી

ફાઈલ તસવીર

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા લશ્કરી સંઘર્ષને કારણે શુક્રવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝનને એક અઠવાડિયા માટે મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ધરમશાલામાં પંજાબ-દિલ્હીની મૅચ અધવચ્ચે જ રદ કરવામાં આવ્યા બાદ IPL 2025ના ભવિષ્ય વિશે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી. પચીસ મેના રોજ સમાપ્ત થનારી આ સીઝનમાં ૧૬ મૅચ (૧૨ લીગ અને ચાર નૉકઆઉટ) રમાવાની બાકી છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના નિવેદનમાં કહેવામાં આવ્યું કે ‘ટુર્નામેન્ટના નવા સમયપત્રક અને સ્થળો વિશે વધુ વિગતો સંબંધિત અધિકારીઓ અને હિસ્સેદારો સાથે પરામર્શ કરીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. મોટા ભાગની ટીમના પ્રતિનિધિઓ અને ટુર્નામેન્ટના તમામ મુખ્ય હિસ્સેદારો સાથે યોગ્ય પરામર્શ કર્યા પછી આ નિર્ણય લેવાયો છે. BCCIને સશસ્ત્ર દળોની તાકાત અને તૈયારીમાં સંપૂર્ણ વિશ્વાસ છે, બોર્ડે બધા હિસ્સેદારોના સામૂહિક હિતમાં કાર્ય કરવાનું સમજદારીભર્યું માન્યું છે.’

ઇન્ડિયન આર્મીને સપોર્ટ કરતાં આગળ કહેવામાં આવ્યું કે ‘આ નિર્ણાયક સમયે BCCI રાષ્ટ્રની સાથે મજબૂત રીતે ઊભું છે. બોર્ડ આપણાં સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે, જેમના ઑપરેશન સિંદૂર હેઠળના પરાક્રમી પ્રયાસો રાષ્ટ્રનું રક્ષણ અને પ્રેરણા આપતા રહે છે. તેઓ તાજેતરના આતંકવાદી હુમલા અને પાકિસ્તાનના આક્રમણનો મજબૂત જવાબ આપી રહ્યા છે. ક્રિકેટ એક રાષ્ટ્રીય જુસ્સો છે, પરંતુ રાષ્ટ્ર અને એના સાર્વભૌમત્વ, અખંડિતતા, સુરક્ષાથી મોટું કંઈ નથી. BCCI ભારતને સુરક્ષિત રાખતા 
તમામ પ્રયાસોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે અને હંમેશાં રાષ્ટ્રના હિતમાં નિર્ણયો લેશે.’

બે દેશના સંઘર્ષ વચ્ચે વિદેશી ક્રિકેટર્સ ચિંતિત

અહેવાલ અનુસાર ભારત-પાકિસ્તાન વચ્ચેના આ ભયાનક સંઘર્ષને કારણે વિદેશી પ્લેયર્સમાં ભારે ચિંતા ફેલાઈ છે અને કેટલાક પ્લેયર્સ આગામી થોડા દિવસોમાં સ્વદેશ પરત ફરી શકે છે. ૧૦ ટીમમાં ૬૦ વિદેશી પ્લેયર્સ રમી રહ્યા છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયા બન્ને દેશની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટર્સ અસોસિએશને પણ સુરક્ષા પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

આ પહેલાં પણ IPLના શેડ્યુલ કે વેન્યુમાં થયા છે ફેરફાર

IPL 2009 : ટુર્નામેન્ટની બીજી જ સીઝન એપ્રિલ-મેમાં આયોજિત લોકસભાની ચૂંટણી અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાના અભાવને કારણે ભારતમાંથી સંપૂર્ણ રીતે સાઉથ આફ્રિકામાં શિફ્ટ કરવામાં આવી હતી.

IPL 2014 : આ વર્ષે પણ એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણીને કારણે સીઝનનો પહેલો તબક્કો UAEમાં અને બીજો તબક્કો ભારતમાં રમાડવામાં આવ્યો હતો.

IPL 2020 : કોરોના માહામારીને કારણે ૨૦૨૦ના સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બર મહિનામાં UAEમાં આ આખી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું.

IPL 2021 : ભારતમાં એપ્રિલ-મેમાં પહેલી ૨૯ મૅચ રમાયા બાદ બાયો-બબલ નિયમોના ભંગ અને કોરોનાના કેસ વધવાને કારણે સીઝનને અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં સીઝનની બાકીની ૧૬ મૅચ UAEમાં રમાઈ હતી.

IPL 2025 indian premier league board of control for cricket in india ind pak tension india pakistan terror attack mumbai indians gujarat titans royal challengers bangalore kolkata knight riders rajasthan royals sunrisers hyderabad delhi capitals lucknow super giants punjab kings cricket news sports sports news