13 April, 2025 07:34 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
ચેન્નઈનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માત્ર એક રન કરીને આઉટ થઈ ગયા બાદ ખૂબ જ નિરાશ થયો હતો.
હોમ ટીમ ચેન્નઈને ૧૦૩ રનના સ્કોર પર રોક્યા બાદ ૧૦.૧ ઓવરમાં ૧૦૭ રન ફટકારીને ૮ વિકેટે જીત્યું કલકત્તા
IPL 2025ની પચીસમી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સને ૮ વિકેટે હરાવીને કોલકાતા નાઇટ રાઇડર્સે પૉઇન્ટ ટેબલમાં છઠ્ઠાથી ત્રીજા ક્રમે છલાંગ મારી દીધી છે. ગઈ કાલે ૯ વિકેટ ગુમાવીને ચેન્નઈએ વર્તમાન સીઝનનો અને ચેપૉક સ્ટેડિયમમાં પોતાનો લોએસ્ટ ૧૦૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો. સ્પિનર સુનીલ નારાયણ સહિતના બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ કલકત્તાના બૅટર્સે ૧૦.૧ ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે ૧૦૭ રન બનાવીને ૧૦૪ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ચેન્નઈ પહેલી વાર ચેપૉકમાં સળંગ ત્રણ મૅચ હારી ગયું છે.
ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલા ચેન્નઈના બન્ને ઓપનર્સે ૪.૧ ઓવરમાં ૧૬ રનની અંદર વિકેટ ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. એ સમયે રાહુલ ત્રિપાઠી (૨૨ બૉલમાં ૧૬ રન) અને વિજય શંકરે (૨૧ બૉલમાં ૨૯) ત્રીજી વિકેટ માટે ૪૩ રનની ભાગીદારી કરીને ઇનિંગ્સને સ્થિરતા આપી હતી, પરતું આ ભાગીદારી તૂટતાંની સાથે ચેન્નઈની બૅટિંગ લાઇનઅપ વિખેરાઈ ગઈ હતી. ટીમે ૯.૪થી ૧૭.૨ ઓવર દરમ્યાન માત્ર ૨૦ રનની અંદર નવમા ક્રમે બૅટિંગ માટે આવેલા કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (ચાર બૉલમાં એક રન) સહિત ૭ વિકેટ ગુમાવી દીધી હતી. ઑલરાઉન્ડર શિવમ દુબે (૨૯ બૉલમાં ૩૧ રન અણનમ) અને ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજ (ત્રણ બૉલમાં ત્રણ રન)ની દસમી વિકેટ માટેની ૨૪ રનની પાર્ટનરશિપથી ટીમનો સ્કોર ૧૦૩ રન સુધી પહોંચી શક્યો હતો.
શરૂઆતમાં ડ્રૉપ કૅચ સહિતની ખરાબ ફીલ્ડિંગને કારણે આત્મવિશ્વાસ ગુમાવનાર કલકત્તાએ બોલર્સના આધારે ચેન્નઈને તેના હોમ ગ્રાઉન્ડના લોએસ્ટ સ્કોર પર અટકાવ્યા હતા. ટીમ માટે અનુભવી સ્પિનર સુનીલ નારાયણે (૧૩ રનમાં ત્રણ વિકેટ) સૌથી વધુ વિકેટ લીધી હતી. જ્યારે સ્પિનર વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને બે-બે વિકેટ મળી હતી.
ચેન્નઈના બૅટર્સને સસ્તામાં આઉટ કરીને કલકત્તા માટે ૧૨ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને નેટ રન-રેટ સુધારવાનો પડકાર હતો. ઓપનર સુનીલ નારાયણે (૧૮ બૉલમાં ૪૪ રન) સાથી-ઓપનર ક્વિન્ટન ડીકૉક (૧૬ બૉલમાં ૨૩ રન) સાથે ૪૬ રનની ઓપનિંગ અને કૅપ્ટન અજિંક્ય રહાણે (૧૭ બૉલમાં ૨૦ રન) સાથે બીજી વિકેટ માટે ૩૯ રનની પાટર્નરશિપ કરીને જીતની રાહને આસાન બનાવી દીધી હતી. રહાણેએ ત્રીજી વિકેટ માટે રિન્કુ સિંહ (૧૨ બૉલમાં ૧૫ રન) સાથે બાવીસ રનની અણનમ ભાગીદારી કરીને કલકત્તાને જીતના ટ્રૅક પર વાપસી કરાવી હતી. સ્પિનર નૂર અહમદ (૮ રનમાં એક વિકેટ) અને ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજ (૧૯ રનમાં એક વિકેટ) વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
59
આટલા બાકી બૉલની પોતાની સૌથી મોટી હારનો સામનો કર્યો ચેન્નઈએ.
43 વર્ષ 278 દિવસ
આટલી ઉંમરે IPL ઇતિહાસનો સૌથી ઓલ્ડેસ્ટ કૅપ્ટન બન્યો મહેન્દ્ર સિંહ ધોની.